Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલમાં હિમવર્ષાઃ ઉ.ભારતમાં કડકડતી ઠંડીઃ ગાઢ ધૂમ્મસઃ શીત લહેર

વિઝિબિલિટી ઘટી જતા ફલાઈટો મોડી, ટ્રેનો મોડી, પરિવહન પ્રભાવિત, કોલ્ડ-ડેના જુદા જુદા એલર્ટ અપાયાઃ કેટલાક શહેરોની પ્રા.શાળાઓમાં રજા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૩: ઉ.ભારતના રાજ્યોમાં શીતલહેરની સ્થિતિ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. મધ્ય પ્રદેશમાં સોમવારે રાત્રે ૨૫ શહેરોનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. પરૂચમઢી સૌથી ઠંડું રહૃાું. અહીં લઘુત્તમ તાપમાન ૪.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

ઉત્તર પ્રદેશમાં ૨૬ જિલ્લા સિમલા કરતાં વધુ ઠંડા રહૃાા. બારાબંકીમાં સોમવારે રાત્રે પારો ૪.૫ સેલ્સીયસ નોંધાયો હતો. ઇટાવા, શાહજહાંપુર, કાનપુર અને બુલંદશહેરમાં ૭ ડિગ્રીથી ઓછું તાપમાન રહૃાું. ૪૮ કલાકમાં ઠંડીથી ૩ લોકોના મોત થયા છે. ૯ શહેરોમાં ૮મા ધોરણ સુધીની શાળાઓ આજે બંધ કરવામાં આવી છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં ગઈકાલે ૬ સેલ્સીયસ અને હિમાચલના સિમલામાં ૧૧ સેલ્સીયસ પારો નોંધાયો હતો. જમ્મુના પહાડી વિસ્તારોમાં બે દિવસથી હિમવર્ષાનો દોર ચાલુ છે. જેના કારણે રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે. ગુલમર્ગનું તાપમાન -૨.૦ સેલ્સીયસ નોંધાયું હતું.

દિલ્હીમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી રહી. આના કારણે આઈજીઆઈ એરપોર્ટ પર ૫૦૦થી વધુ ફ્લાઈટ્સ મોડી ઓપરેટ થઈ. સાથે જ ૧૪ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી, જેમાં ૬ આવનારી અને ૮ જનારી ફ્લાઈટ્સનો સમાવેશ થતો હતો. આમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ હતી.

જમ્મુ-કાશ્મીરનું ગુલમર્ગ મંગળવારે સવારે બરફની ચાદરથી ઢંકાયેલું જોવા મળ્યું. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં તાજી બરફવર્ષા પછી પહાડીઓ બરફથી ઢંકાઈ ગઈ. છેલ્લા બે દિવસથી બરફવર્ષાના કારણે સોમવારે તાપમાન ૨.૦ સેલ્સીયસ રહ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાઢ ધુમ્મસ છવાયું છે. રાજસ્થાનના દૌસામાં સોમવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ૧૦મીટરથી ઓછી રહી છે.

રાજયવાર જોઈએ તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં સવાર અને રાત્રિના સમયે ઘટ્ટથી ખૂબ ઘટ્ટ ધુમ્મસ રહેવાની શક્યતા હોવાથી વિઝિબિલિટી ઘણી ઓછી થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કોલ્ડ વેવ અને કડકડતી ઠંડી ચાલુ રહેવાની સંભાવના, બરફવર્ષા-વરસાદની શક્યતા દર્શાવાઈ છે.

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહારમાં સવારે અને મોડી રાત્રે ખૂબ ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતા. ઉપરાંત મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢમાં પણ ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણાં ભાગોમાં ઠંડી અને ધુમ્મસની અસર યથાવત રહેશે. તેવી આગાહી થઈ છે. ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શકયતા હોઈ આવતીકાલે સવારના સમયે હાઈવે, રેલ અને ફલાઈટ્સ પર અસર પડી શકે છે.

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની સ્થિતિ યથાવત રહી છે. પહાડી વિસ્તારોમાં હળવા હિમવર્ષા-વરસાદથી ઠંડી વધુ વધી શકે છે.

મધ્ય પ્રદેશના ઘણા શહેરોમાં સોમવારની રાત્રે તાપમાનમાં ઘટાડો થયો. ૨૫ શહેરોમાં પારો ૧૦ ડિગ્રીથી ઓછો નોંધાયો. પંચમઢી સૌથી ઠંડું રહૃાું. અહીં લઘુત્તમ તાપમાન ૪.૬ ડિગ્રી પહોંચી ગયું. ભોપાલ અને ઇન્દોરમાં તાપમાન ૮.૮ ડિગ્રી રહૃાું. ગ્વાલિયર, ચંબલ, રીવા, સાગર, જબલપુર, રીવા અને શહડોલ સંભાગના ૨૨ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ રહૃાું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ૫૦ મીટર રહી ગઈ.

ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં ધુમ્મસની અસર વધી ગઈ છે. દેહરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર, ચંપાવત અને પૌડીના મેદાની વિસ્તારોમાં હળવું ધુમ્મસ છે. જ્યારે પહાડોમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે સવાર-સાંજ ઠંડી વધી ગઈ છે. પહાડો પર બરફવર્ષા ન થવાને કારણે રાજ્યભરમાં તીવ્ર ઠંડી પડી રહી છે. બદ્રીનાથમાં તાપમાન -૧૬ સેલ્સીયસ થઈ ગયું છે.

પટના સહિત સમગ્ર બિહારમાં કડકડતી ઠંડી પડી રહી છે. ધૂમ્મસ અને કોલ્ડ ડેએ મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે. મંગળવારે સવારે પટના, જહાનાબાદ, ભાગલપુર, જમુઈ અને બક્સર ગાઢ ધૂમ્મસથી ઘેરાયેલા રહૃાા. વિઝિબિલિટી ૧૦ મીટરથી ઓછી રહી. હવામાન વિભાગે આજે ૭ જિલ્લામાં સવારે અને મોડી રાત્રે ગાઢ ધૂમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. ૫ જિલ્લામાં કોલ્ડ-ડેનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે રાત્રે ૪ જિલ્લાનું તાપમાન ૮ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. રાજગીર ૬.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું રહૃાું.

યુપીમાં શીતલહેર અને ધુમ્મસથી સ્થિતિ બગડવા લાગી છે. ૪૮ કલાકમાં ઠંડીથી ૩ લોકોના મોત થયા છે. લખનૌ, કાનપુર, ગોરખપુર સહિત ૩૦ શહેરો ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. ઘણા શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી ગઈ છે. રસ્તાઓ પર સન્નાટો છવાયેલો છે. ૯ શહેરોમાં ૮મા ધોરણ સુધીની શાળાઓ મંગળવારે બંધ છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં ક્રિસમસ પર પણ હવામાન ખરાબ રહેશે. તાપમાન ૬ ડિગ્રીથી ૧૧ ડિગ્રીની વચ્ચે રહેશે.

રાજસ્થાનમાં ઘટ્ટ ધુમ્મસના કારણે પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહૃાું છે. આજે પણ જેસલમેર, હનુમાનગઢ સહિતના ઘણાં જિલ્લાઓમાં સવારે ધુમ્મસ છવાયેલું રહૃાું. અહીં ટ્રાફિકને પણ અસર થઈ. આ દરમિયાન જેસલમેર, જયપુર, ભિવાડી સહિતના ઘણાં શહેરોમાં હવાની ગુણવત્તા પણ અત્યંત ખતરનાક રહી. હવામાન વિભાગે આવનારા દિવસોમાં ઘટ્ટ ધુમ્મસની સાથે શીતલહેરની પણ આશંકા વ્યક્ત કરી છે. સોમવારે પણ ઘટ્ટ ધુમ્મસના કારણે જેસલમેર, બીકાનેર, બાડમેર સહિતના કેટલાક શહેરોમાં તાપમાન ૨ થી ૮ ડિગ્રી સુધી ઘટી ગયું છે.

હરિયાણામાં ૨૬ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ અને કોલ્ડ-ડેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૨૩ અને ૨૪ ડિસેમ્બરે સિરસા, ફતેહાબાદ, હિસાર અને ઉત્તર હરિયાણાના ૧૪ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે ક્રિસમસ પછી ઠંડી વધુ વધશે. હરિયાણામાં કોલ્ડ-ડેની સ્થિતિ રહેશે.

છત્તીસગઢમાં ઠંડીની અસર હવે વધુ તેજ બની ગઈ છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. સરગુજા અને બિલાસપુરમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહેવાની શક્યતા છે. દુર્ગ જિલ્લાના કેટલાક સ્થળોએ શીતલહેર ચાલવાનું એલર્ટ છે. સોમવારે અંબિકાપુર સૌથી ઠંડું શહેર રહૃાું. અહીં લઘુત્તમ તાપમાન ૫.૮ સેલ્સીયસ નોંધાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh