Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાની સુપ્રિમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણને આપી મંજુરી

અદાલતે અપરાધીની રિવ્યૂ પિટિશન પણ ફગાવી દેતા ભારતની મોટી જીતઃ

વોશિંગ્ટન તા. રપઃ મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને અમેરિકન સુપ્રિમ કોર્ટની મંજુરી મળી જતા ભારતનો ડિપ્લોમેટિક તથા કાનૂની વિજય થયો છે, જે એક મોટી સફળતા છે.

અમેરિકન સુપ્રિમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવા મંજુરી આપી દીધી છે. આ ભારતની એક મોટી જીત છે. કોર્ટે આ મામલે દોષિત જાહેર કરવા સામે કરાયેલી રિવ્યૂ પિટિશન પણ ફગાવી દીધી હતી. ભારત અનેક વર્ષોથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તે ર૦૦૮ ના મુંબઈ આતંકી હુમલા મામલે દોષિત છે.

ઉલ્લેખનિય છે કે ર૬ નવેમ્બર ર૦૦૮ ના મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી હતી. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન બિઝનેસમેન છે. મુંબઈ પોલીસે ર૬/૧૧ ના આતંકવાદી હુમલાના સંબંધમાં પોતાની ચાર્જશીટમાં તહવ્વુર રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં રાણા પર ર૬/૧૧ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તહવ્વુર રાણાએ મુંબઈમાં જે સ્થળોએ હુમલા કરવાના હતાં તેની રેકી કરી હતી અને બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને તેને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપી હતી. તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાનીનો બાળપણનો મિત્ર છે. હેડલી અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન હતી અને પિતા પાકિસ્તાની હતાં.

અમેરિકી અધિકારીઓએ ઓક્ટોબર ર૦૦૯ માં શિકાગોથી તેની ધરપકડ કરી હતી. ર૪ જાન્યુઆરી ર૦૧૩ ના હેડલીને મુંબઈ હુમલામાં સંડોવણી બદલ દોષિત ઠેરવ્યા પછી અમેરિકાની કોર્ટે તેને ૩પ વર્ષની જેલની સજા ફટકારી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કેડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં હેડલીએ અમેરિકા શિફ્ટ થતા પહેલા પ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કર્યા પછી તહવ્વુર રાણા કેનેડામાં શિફ્ટ થયો હતો. થોડા વર્ષો પછી તેને કેનેડિયન નાગરિક્તા મેળવી હતી.

તેણે શિકાગોમાં 'ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસિસ' નામની કન્સલ્ટન્સી ફર્મની સ્થાપના કરી હતી. જેની એક શાખા મુંબઈમાં પણ હતી. રાણાએ ર૬ નવેમ્બર ર૦૦૮ ના પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી હુમલામાં મુંબઈના સ્થળોની રેકી કરવા માટેા હેડલીની મદદ કરી હી.

ઉલ્લેખનિય છે કે તા. ર૬ નવેમ્બરના લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકવાદીઓ મોટી માત્રામાં દારૂગોળો અને શસ્ત્રો લઈને મુંબઈમાં દરિયાઈ માર્ગે પ્રવેશ્યા હતાં. તેઓએ મુંબઈમાં ૯ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતાં. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઈડન્ટ હોટલ, તાજ હોટલ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ અને સેન્ટઝેવિયર્સ કોલેજની પાછળની ગલી મુંબઈના પોર્ટ વિસ્તાર મઝગાંવ અને વિલે પાર્લેમાં પણ ટેક્સીમાં વિસ્ફોટ થયો હતો. ર૮ નવેમ્બરની સવાર સુધીમાં મુંબઈ પોલીસ અને સુરક્ષા દળોએ તાજ હોટલ સિવાય તમામ સ્થળોને સુરક્ષિત કરી લીધા હતાં. તાજ હોટલમાં છૂપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડસની મદદ લેવી પડી હતી. એનએસજીએ ર૯ નવેમ્બરના 'ઓપરેશન બ્લેક ટોર્નેડો' શરૂ કર્યું, જે તાજ હોટેલમાં છેલ્લા બાકી રહેલા હુમલાખોરોના મૃત્યુ સાથે સમાપ્ત થયું હતું. આ સાથે મુંબઈમાં ૭ર કલાકના આતંકવાદી હુમલાનો અંત આવ્યો હતો. આ આતંકી હુમલામાં ૬ અમેરિકન નાગરિકો સહિત કુલ ૧૬૬ લોકોના મોત થયા હતાં અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

તે પછી ઓક્ટોબર ર૦૦૯ માં શિકાગોના ઓ'હાર એરપોર્ટ પર ડેવિડ કોલમેન હેડલીની ધરપકડ પછી તહવ્વુર રાણાની પણ અમેરિકાની પોલીસે ધરપકડ કરી હતી. ર૦૧૧ માં તેને શિકાગોની કોર્ટ દ્વારા મુંબઈ હુમલા માટે લશ્કર-એ-તૈયબાને લોજિસ્ટક્સિ સહાય પૂરી પાડવા અને જિલ્લેન્ડ્સ-પોસ્ટેન નામના ડેનિશ અખબારની ઓફિસ પર હુમલાની યોજના બનાવવા બદલ દોષિત ઠેરવ્યો હતો.

જિલેન્ડ્સ-પોસ્ટેન અખબાર ર૦૦પ માં પયગમ્બર સાહેબનું કાર્ટૂન પ્રકાશિત કરીને વિવાદમાં આવ્યું હતું. ડેવિડ કોલમેન હેડલીએ તેના કેસની સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે, જુલાઈ ર૦૦૬ માં તે તહવ્વુર રાણાને મળવા શિકાગો ગયો હતો. પછી રાણાએ તેને મુંબઈ મિશન વિશે જણાવ્યું હતું. તહવ્વુર રાણાએ ડેવિડ કોલમેન હેડલીની મદદથી મુંબઈમાં તેની ફર્મ 'ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસ'ની શાખા સ્થાપી હતી.

તેણે હેઠલીને પ વર્ષ માટે ભારતમાં બિઝનેસ વિઝા મેળવવામાં મદદ કરી હતી. ત્યારપછી હેડલીએ મુંબઈના તે સ્થળોની તપાસ કરાવી જ્યાં લશ્કરા આતંકવાદીઓએ ર૬ નવેમ્બર ર૦૦૮ ના હુમલો કર્યો હતો. ર૦૧૧ માં એનઆઈએ એ મુંબઈ ર૬/૧૧ ના આતંકી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા બદલ તહવ્વુર રાણા સહિત નવ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ર૦૧૪ માં દિલ્હીની સેશન્સ કોર્ટે આરોપીઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતાં, જેમને એનઆઈએ એ તેની ચાર્જશીટમાં ફરાર તરીકે દર્શાવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh