Advertisement
Author: નોબત સમાચાર

૬૫ વર્ષ જુની સિંધુ નદી સંધિ કરાર સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા

                                                                                                                                                                                                      

નવીદિલ્હી તા. ૨૪: ૧૯૬૦માં વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ એક ઐતિહાસિક જળ-વહેંચણી કરાર છે જે બંને દેશો વચ્ચે છ નદીઓના પાણીના ઉપયોગને નિયંત્રિત કરે છે. આ નદીઓમાં સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજનો સમાવેશ થાય છે. યુદ્ધો અને તણાવ છતાં, આ સંધિ દાયકાઓ સુધી બંને દેશો વચ્ચે સહકારનું પ્રતીક રહી. જોકે, તાજેતરમાં, ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે આ સંધિને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ પગલું ભારતની વ્યૂહાત્મક નીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે અને તેના પાકિસ્તાન માટે દૂરગામી પરિણામો આવી શકે છે. પાકિસ્તાનનું અર્થતંત્ર અને વસ્તી આ જળ વ્યવસ્થા પર ખૂબ આધાર રાખે છે.

સિંધુ જળ સંધિ

૧૯૬૦માં હસ્તાક્ષર કરાયેલી આ સંધિ હેઠળ, સિંધુ નદી પ્રણાલીની છ નદીઓને બે જૂથોમાં વહેંચવામાં આવી હતી. પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ, સતલજ)આ નદીઓનો સંપૂર્ણ નિયંત્રણ ભારતને આપવામાં આવ્યો હતો, જેનાથી લગભગ ૩૩ મિલિયન એકર-ફીટ (૪૧ અબજ ઘન મીટર) પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) આ નદીઓનું નિયંત્રણ પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું, જેનાથી લગભગ ૧૩૫ મિલિયન એકર-ફીટ (૯૯ અબજ ઘન મીટર) પાણી મળતું હતું.

સંધિ મુજબ, ભારત પશ્ચિમી નદીઓના પાણીનો મર્યાદિત બિન-વપરાશકર્તા ઉપયોગ (જેમ કે જળવિદ્યુત ઉત્પાદન) કરી શકે છે, પરંતુ પાણીના પ્રવાહને અવરોધિત કરી શકતું નથી અથવા તેમાં નોંધપાત્ર ફેરફાર કરી શકતું નથી. આ સંધિ બંને દેશો વચ્ચે પાણીની વહેંચણી માટે એક વાજબી માળખું પૂરું પાડે છે અને તેને વિશ્વના સૌથી સફળ પાણી કરારોમાંનો એક ગણવામાં આવે છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પાછળ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓનો હાથ છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી. ભારતની સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (સીસીએસ) એ હુમલાના જવાબમાં ઘણા કડક પગલાં લીધાં, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી-વાઘા સરહદ બંધ કરવી અને પાકિસ્તાની રાજદ્વારીઓને હાંકી કાઢવાનો સમાવેશ થાય છે. ભારતનો દલીલ છે કે પાકિસ્તાનનું આતંકવાદને સમર્થન સંધિની મૂળ ભાવનાનું ઉલ્લંઘન કરે છે.

આ સંધિને સ્થગિત કરવાથી પાકિસ્તાન માટે ઘણા ગંભીર પરિણામો આવી શકે છે, કારણ કે તેનું અર્થતંત્ર, કૃષિ અને વસ્તી સિંધુ નદી પ્રણાલી પર ખૂબ નિર્ભર છે.

કૃષિ ક્ષેત્રને ભારે નુકશાન

પાકિસ્તાનની ૮૦% ખેતીલાયક જમીન, આશરે ૧.૬ કરોડ હેક્ટર, સિંધુ નદી પ્રણાલીના પાણી પર આધાર રાખે છે. આ પાણીનો ૯૩% ઉપયોગ સિંચાઈ માટે થાય છે, જે ઘઉં, ચોખા, શેરડી અને કપાસ જેવા પાકોને ટેકો આપે છે. ભારત પાણીનો પ્રવાહ ઘટાડવા જઈ રહૃાું છે. આનાથી પાકિસ્તાનના પાક ઉત્પાદનમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય અસુરક્ષા અને આર્થિક અસ્થિરતા સર્જાઈ શકે છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકમાં કળષિ ક્ષેત્રનો ફાળો ૨૩%  છે અને તે ગ્રામીણ વસ્તીના ૬૮% ભાગનું ગુજરાન ચલાવે છે.

કરાચીથી લાહોર સુધી દુષ્કાળનો ભય

પાકિસ્તાન પહેલેથી જ વિશ્વના સૌથી વધુ પાણીની તંગી ધરાવતા દેશોમાંનો એક છે. સિંધુ નદી પ્રણાલી કરાચી, લાહોર અને મુલતાન જેવા મુખ્ય શહેરી કેન્દ્રો માટે પીવાના પાણીનો મુખ્યસ્ત્રોત છે. પાણીના પ્રવાહમાં ઘટાડો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં પાણીની અછતને વધુ ખરાબ કરી શકે છે, જેનાથી સામાજિક અશાંતિ વધી શકે છે.

લાઈટ પણ બંધ

પાકિસ્તાનના મુખ્ય જળવિદ્યુત મથકો, જેમ કે તારબેલા અને મંગલા, સિંધુ નદી પ્રણાલીના પાણી પર આધાર રાખે છે. પાણીના પ્રવાહમાં અવરોધ આવવાથી વીજળીનું ઉત્પાદન ઘટી શકે છે, જેના કારણે ઉદ્યોગો અને ઘરોમાં ઊર્જા સંકટ સર્જાય છે. આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વધુ નબળી પડશે, જે પહેલાથી જ ઊંચા ફુગાવા અને દેવાના સંકટનો સામનો કરી રહી છે.

પાકિસ્તાની જીડીપી નાશ પામશે

પાણી અને ખાદ્ય સંકટના કારણે બેરોજગારી, લોન ડિફોલ્ટ અને ગ્રામીણ વિસ્તારોમાંથી સ્થળાંતર વધી શકે છે. સિંધુ નદી પ્રણાલી પાકિસ્તાનની ૬૧% વસ્તી અને તેના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના ૨૫% ને ટેકો આપે છે. આ વ્યવસ્થામાં કોઈપણ વિક્ષેપ આર્થિક અસ્થિરતા તરફ દોરી શકે છે અને સામાજિક તણાવને જન્મ આપી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh