Advertisement
Author: નોબત સમાચાર

એરપોર્ટ રોડ પર મોટર ગોથું મારી જતાં ચાલકનું મૃત્યુઃ અકસ્માતમાં દંપતિ ખંડિત

ડીવાયએસપીની અકસ્માતગ્રસ્ત મોટર પાસે ઉભેલા ચાર પોલીસને મીની બસની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૪ : જામનગર-રાજકોટ માર્ગ પર મોટી બાણુંગાર ગામ પાસે મંગળવારની બપોરે જામનગરના દંપતીના બાઈકને મોટરે ઠોકર મારતા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે રાત્રે એરપોર્ટ રોડ પર એક મોટર ગોથું મારી જતાં જામનગરના યુવાનનંુ મૃત્યુ થયું છે. દ્વારકા નજીક કુરંગા પાસે ડીવાયએસપીની અકસ્માતગ્રસ્ત મોટર પાસે ઉભેલા ચાર પોલીસ કર્મચારીને પુરપાટ આવેલી ટેમ્પો ટ્રાવેલરે ઠોકર મારી દીધી હતી અને ચાંદીબજારમાં બે બાઈક ટકરાતા એક બાઈક ચાલકને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી.

જામનગરના સમર્પણ સર્કલ નજીક આવેલી મયુર વીલા સોસાયટીમાં રહેતા મૂળ સિક્કા ગામના વતની મનોજભાઈ પરસોત્તમભાઈ કંુડલીયા નામના ત્રેપન વર્ષના પ્રૌઢ ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યે સિક્કાથી જામનગર પરત આવવા માટે જીજે-૧૦-એપી ૭૯૯૮ નંબરની વેગનઆર મોટરમાં નીકળ્યા હતા.

તેઓ જ્યારે જામનગરથી દસેક કિ.મી. દૂર એરપોર્ટ રોડ પર તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યા ત્યારે કોઈ રીતે તેઓએ સ્ટીયરીંગ પરનો કાબુ ગૂમાવ્યો હતો. બેકાબુ બનેલી મોટર ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં મનોજભાઈને ગંભીર ઈજા થયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તથા તેમનો પરિવાર દોડી ગયા હતા. મોડી રાત્રે તેમના પરિવારના આકાશ પ્રફુલભાઈ કુંડલીયાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

જામનગરના જકાતનાકા સર્કલ ૫ાસે રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ પટેલ તેમના પત્ની લીલાબેન નામનું પ્રૌઢ દંપતી જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામમાં એક સંબંધીના થયેલા અવસાન પછી રાખવામાં આવેલી ક્રિયામાં મંગળવારે ગયા હતા. જ્યાંથી આ દંપતી બપોરે જીજે-૧૦ એએલ ૧૬૫૩ નંબરના બાઈકમાં જામનગર પરત આવવા નીકળ્યા હતા.

આ દંપતીનું બાઈક જ્યારે મોટી બાણુંગારથી થોડે આગળ પહોંચ્યું ત્યારે જીજે-૧-ડબલ્યુપી ૧૨૬૩ નંબરની મોટર પાછળથી ધસી આવી હતી. તેના ચાલકે ઠોકર મારતા હિતેશભાઈ તથા લીલાબેન રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં શરદભાઈને ગંભીર ઈજા થઈ છે. જ્યારે પાછળ બેસેલા લીલાબેનનું ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. મોટરના ચાલક સામે મૃતકના પુત્ર શરદ પટેલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા પાસે ધરમપુર માં યોગેશ્વરનગર-૬માં રહેતા રમેશભાઈ ગાંગાભાઈ મોકરીયા ના ભાઈ ભાવેશભાઈ તથા તેમના ફઈના દીકરા રમેશભાઈ ગઈકાલે બપોરે ખંભાળિયાથી પોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર વિંઝલપર ગામ પાસેથી જીજે-૧૧-બીડી ૯૪૯૦ નંબરના બાઈક પર જતા હતા.

આ વેળાએ સબ સ્ટેશન નજીક જીજે-૩૭-એબી ૯૯૩૪ નંબરની મોટરે ટક્કર મારી દીધી હતી. રોડ પર ફેંકાઈ ગયેલા ભાવેશભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સાથે રહેલા રમેશભાઈ વાડોલીયાને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા છે. રમેશભાઈ મોકરીયા એ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સાગર રાઠોડની જીજે-૧-એક્સએક્સ ૪૯૫૭ નંબરની મોટર મંગળવારની રાત્રે દ્વારકાથી પોરબંદર વચ્ચે કુરંગા ગામ પાસેથી પસાર થતી હતી. ત્યારે અચાનક એક કૂતરૃં દોડીને વચ્ચે આવતા મોટર ચાલક તેને બચાવવા જતાં મોટર ડિવાઈડર સાથે ટકરાઈને ગોથું મારી ગઈ હતી અને આગળ જતી જીજે-૧૮-બીવી ૫૮૪૭ નંબરની મોટર સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી પરંતુ બંને વાહનમાં નુકસાન થયું હતું અકસ્માતની જાણ કરાતા ડીવાયએસપી કચેરીનો સ્ટાફ જીજે-૧૮-જીબી ૬૫૩૨ નંબર ની સરકારી બોલેરો લઈને સ્થળ પર પહોંચ્યા હતા.

આ સ્થળે ચાર પોલીસકર્મી ડીવાયએસપીની ગાડીમાંથી સામાન ઉતારીને રોડની સાઈડ માં ઉભા હતા ત્યારે ડીડી-૦૧ એસ ૯૨૯૫ નંબરની ટેમ્પો ટ્રાવેલર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે કાબુ ગૂમાવી ૬૫૩૨ નંબરના બોલેરો અને અકસ્માતનો ભોગ બનેલી સ્વીફટ સાથે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ચાર પોલીસ કર્મચારીને ઈજા થઈ છે. એએસઆઈ દીપક ગઢવીએ ફરિયાદી બની ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ચાંદી બજાર વિસ્તાર પાસે પુનાતર ફળીમાં રહેતા કેવલ ભરતભાઈ સુખડીયા ગઈ તા.રની સવારે ચાંદીબજાર વિસ્તારમાંથી જીજે-૧૦-એમ ૭૧૫૧ નંબરના બાઈક પર જતા હતા ત્યારે એક બાઈક તેમની સાથે ટકરાઈ પડતા ફ્રેક્ચર સહિતની કેવલને ઈજા થઈ હતી. તેઓએ આ બાઈકચાલક વિહાન મિતેશભાઈ દોશી સામે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh