Advertisement
Author: નોબત સમાચાર

દૂધ અને દૂધના ઉત્પાદનોમાં નિયમભંગ બદલ ત્રણ વર્ષમાં ૭૧૦૯ને સજા અને દંડ કરાયોઃ કેન્દ્ર

સાંસદ પરિમલભાઈ નથવાણીએ રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નનો જવાબ

જામનગર તા. ૩: દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓનો આંક બે વર્ષમાં ૫૫૨થી ઉછળીને ૭,૧૦૯ પર પહોંચી ગયો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને લેખિત જવાબમાં રાજ્યકક્ષાના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રીએ માહિતી આપી હતી.

દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ ૧૩ ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૧-૨૨માં દૂધ અને દૂધની પેદાશોના કુલ ૫૫૨ ઓપરેટર્સને નિયમભંગ બદલ સજા અને દંડ કરવામાં આવ્યા હતા. જો કે, વર્ષ ૨૦૨૨-૨૩ના અંતે આ આંક વધીને ૬,૯૫૩ કેસનો થઈ ગયો હતો અને ૨૦૨૩-૨૪નું વર્ષ પૂર્ણ થતા સુધીમાં તો તે ૭,૧૦૯ થયો હતો.

આ પ્રકારે જ, આવા ઓપરેટર્સ સામે કરાયેલા કેસની સંખ્યા પણ ૨૦૨૧-૨૨માં ૩,૯૫૯ હતી તે ૨૦૨૨-૨૩માં ૧૦,૩૮૧ અને ૨૦૨૩-૨૪ના અંત સુધીમાં વધુ ઉછાળા સાથે ૧૪,૩૮૪ પર પહોંચી ગઈ છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી, પ્રો. એસ.પી.સિંઘ બઘેલે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ૨ એપ્રિલ, ૨૦૨૫ના  રાજ્યસભામાં આ માહિતી પ્રસ્તુત કરી હતી.

મંત્રીએ જણાવેલી વિગતો અનુસાર, દેશમાં દૂધાળા ઢોરની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતમાં દૂધાળા ઢોરની કુલ સંખ્યા ૨૦૨૧-૨૨માં ૧૪.૫૦ કરોડની હતી જે ૨૦૨૩-૨૪ના અંતે વધીને ૧૫.૫૮ કરોડે પહોંચી ગઈ હતી. બીજીતરફ ગુજરાતમાં પણ દૂધાળા ઢોરની સંખ્યા આ સમયગાળા દરમિયાન ૯૩ લાખથી વધીને ૯૬ લાખને પાર કરી ચૂકી છે.

આ નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, ડેરીઉદ્યોગમાં સહકારી મંડળીઓ દ્વારા પ્રવાહી દૂધના વેચાણનો આંક વર્ષ ૨૦૨૧-૨૨માં દૈનિક ૩૯૦.૮૬ લાખ લિટર હતો તે ૨૦૨૩-૨૪ના અંતે વધીને દૈનિક ૪૩૮.૨૫ લાખ લિટરે પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં સહકારી મંડળીઓ દ્વારા વેચાતા પ્રવાહી દૂધનો આંક વર્ષ ૨૦૨૧-૨૨માં દૈનિક ૬૦.૪૪ લાખ લિટર હતો તે ૨૦૨૩-૨૪માં વધીને દૈનિક ૬૫.૮૪ લાખ લિટરે પહોંચ્યો હતો.

મંત્રીએ વધુમાં એમ પણ કહૃાું હતું કે, રાજ્ય સકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનર્સના માધ્યમે એફએસએસએઆઈ દ્વારા એફએસએસ ધારાને લાગુ કરીને તેનું અમલીકરણ પણ કરાવવામાં આવ્યું છે. એફએસએસએઆઈ દ્વારા એફએસએસ (ફૂડ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ફૂડ એડિક્ટિવ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૧ હેઠળ વિવિધ ડેરીપેદાશો અને એનાલોગ્સ માટે માપદંડોનું જાહેરનામું બહાર પડાયું છે. ડેરીપેદાશોનું હાઈ-રિસ્ક ફૂડ કેટેગરીમાં વર્ગીકરણ કરાયું છે. એફએસએસએઆઈ અનુસાર, આખા વર્ષ દરમિયાન નિયમિત સર્વેલન્સ, મોનિટરિંગ અને ઈન્સ્પેક્શન ઉપરાંત યાદચ્છિક (રેન્ડમ) નમૂના લેવાની કામગીરી હાથ ધરાય છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દેશમાં જપ્ત કરાયેલી નકલી ડેરીપેદાશોની વિગતોની સાથે દૂધાળા ઢોરની સંખ્યા તથા દૂધ અને ડેરીપેદાશોના વેચાણમાં થયેલી વૃદ્ધિની વિગતો પણ જાણવા માગતા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh