Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રેનિંગ માટે બે પાયલોટ નીકળ્યા પછી પ્લેનમાં સર્જાઈ ક્ષતિઃ બંને જવાનની તકેદારીના કારણે મોટી જાનહાની ટળીઃ
જામનગર તા.૩ : જામનગરથી અંદાજે દસેક કિલોમીટર દૂર આવેલા કાલાવડ રોડ પરના સુવરડા ગામની સીમમાં ગઈરાત્રે જામનગર એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન તૂટી પડ્યું હતું. આ પ્લેનમાં ટ્રેનિંગ માટે જઈ રહેલા પાયલોટ તથા કો પાયલોટ દ્વારા તે પ્લેનને માનવ વસ્તી પર તૂટી પડતું બચાવવા માટે ભરચકક પ્રયાસો કરાયા હતા. તેમાં અગનગોળામાં પલટાઈ ગયેલું આ પ્લેન સુવરડાની સીમમાં તૂટી પડ્યું હતું. પ્લેનમાં રહેલા એક પાયલોટનું મૃત્યુ નિપજ્યું છે અને બીજાને ગંભીર ઈજા થઈ છે. બનાવની જાણ થતાં કલેક્ટર, એસપી સહિતનો કાફલો તથા એરફોર્સની ટીમ દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. બંને પાયલોટે પોતાના જીવની પરવાહ કર્યા વગર સળગતા પ્લેનને માનવ વસ્તીથી દૂર લઈ જવાનો કરેલો પ્રયાસ સફળ થયો હતો. જો કે, એક પાયલોટ તેમાં શહીદીને વર્યા હતા.
જામનગર નજીકના સુવરડા ગામની સીમમાં ગઈ રાત્રે સાડા નવેક વાગ્યે એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ધડાકા સાથે તૂટી પડ્યું હતું. આ પ્લેનમાં પાયલોટ-ફ્લાઈટ લેફ્ટનન્સ સિદ્ધાર્થ સુશીલકુમાર યાદવ તથા કો પાયલોટ મનિષકુમાર સિંગ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
અંદાજે ૯:૨૦ મિનિટે આ ફાઈટર પ્લેન ટ્રેનીંગ માટે જામનગર એરફોર્સથી ઉડાન ભરીને નીકળ્યા પછી ગણતરીની મિનિટોમાં તેમાં ક્ષતિ હોવાનું બંને પાયલોટને સમજાઈ ગયું હતું. તે પછી આ પ્લેન લેન્ડિંગ કરાવી શકાય તેમ ન હોવાથી બંને પાયલોટે જામનગર શહેર કે તેની આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં આ પ્લેન ન પડે તે માટેની તકેદારી લેવાનું શરૂ કર્યું હતું.
જાણવા મળ્યા મુજબ એક તબક્કે આ પ્લેન રણજીત સાગર નજીક ખુલ્લા પટમાં લેન્ડિંગ કરાવવા માટે બંને પાયલોટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ સુવરડા ગામની સીમમાં અને સુવરડા ગામથી અંંદાજે બેએક કિ.મી. દૂર જ્યારે પ્લેન પસાર થયું ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી. તેમ છતાં આ પ્લેનની ઉડાન બંને પાયલોટે પોતાના જીવને જોખમમાં મૂકી ચાલુ રાખી હતી અને શક્ય હોય તેટલું પ્લેનને માનવ વસ્તીથી દૂર લઈ જવાનો પ્રયત્ન કર્યાે હતો. તે દરમિયાન સુવરડાની સીમમાં આકાશમાં જ તે પ્લેનમાં ધડાકા થયા હતા અને તેની સાથે આ પ્લેન સુવરડા ગામની સીમમાં અશોકભાઈ કણઝારીયાના ખેતરમાં તૂટી પડ્યું હતું અને આગની લપેટો વચ્ચે ઘેરાઈ ગયું હતું.
આ વેળાએ સીમમાં બેસેલા કેટલાક વ્યક્તિઓએ પ્લેનને તૂટી પડતું જોઈ તરત જ ફાયરબ્રિગેડ તથા પોલીસ ટીમને જાણ કરતા બંને દોડ્યા હતા તેની સાથે જ ૧૦૮ પણ ધસી આવી હતી. અંધારામાં મોબાઈલની લાઈટ ચાલુ કરી ગ્રામજનોએ સળગી રહેલા કાટમાળ સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. તે સ્થળે એક પાયલોટ સળગી ગયેલા પેરાસૂટ સાથે મળી આવ્યો હતો. જેને બંને પગમાં ઈજા થયેલી જોવા મળી હતી. મનિષકુમારસિંગ મદનસિંગ નામના આ કો પાયલોટને ૧૦૮ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેઓની સાથે રહેલા ફલાઈટ લેફ્ટેનન્ટ સિદ્ધાર્થ સુશીલકુમાર યાદવ (રહે. હરિયાણા, રેવાડી) મૃત્યુ પામેલા જાહેર થયા હતા.
લડાકુ વિમાન ક્રેશ થયાની જાણ થતાં કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ એરફોર્સની ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની કલેક્ટર કચેરીની વહીવટી ટૂકડીઓ તથા મામલતદાર, તલાટી કમ મંત્રી પણ દોડી આવ્યા હતા. એરફોર્સ ટીમની સાથે પોલીસ ટીમે અંધારામાં જ બીજા પાયલોટ સિદ્ધાર્થ યાદવને શોધી કાઢવા માટે ફાંફા માર્યા હતા પરંતુ આગની જ્વાળાઓ વચ્ચે અંદાજે બેએક કિ.મી. સુધી પથરાઈ ગયેલા પ્લેનના કાટમાળમાં મોટાપાયે શોધ કરવી પડી હતી.
ત્યારપછી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મનિષકુમાર સિંગને ત્યાં અગાઉથી તૈયાર રાખવામાં આવેલી ખાસ તબીબી ટીમે સારવાર આપવાનું શરૂ કરી દીધુ હતું. મોડીરાત્રે એરફોર્સના સ્કવોર્ડન લીડર સરમીન્દરસિંગ બલવીન્દરસિંગે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ક્રેશ થયેલા જગુઆર ફાઈટર પ્લેનના ફલાઈટ લેફ. સિદ્ધાર્થ યાદવનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું.
ઉપરોક્ત બનાવ અંગે જાણવા મળ્યા મુજબ એરફોર્સ સ્ટેશનમાંથી ગઈરાત્રે જ્યારે આ બે જવાનો ટ્રેનીંગ માટે જગુઆર પ્લેનને ટેકઓફ કરી જામનગર શહેરના આકાશ પરથી પસાર થયા તે દરમિયાન જ પ્લેનમાં ક્ષતિ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ પ્લેન કોઈપણ રીતે લેન્ડિંગ કરાવવું જરૂરી હતું પરંતુ જો તે પ્લેન શહેરી વિસ્તારમાં લેન્ડિંગ થાય તો મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી તેથી આ પ્લેનને શક્ય હોય તેટલું શહેરી વિસ્તારથી દૂર લઈ જવાનો ભરચક્ક પ્રયાસ કરાઈ રહ્યો હતો. તેના પરિણામરૂપે પ્લેન કાલાવડ નાકા બહારના વિસ્તાર તરફ આગળ વધ્યું હતું અને જ્યારે ઠેબા બાયપાસથી આગળ પહોંચ્યું ત્યારે તેમાં આગ લાગવાનું શરૂ થયું હતું તેમ છતાં પ્લેનને રણજીતસાગરના ખુલ્લા પટમાં લઈ જવાનો બંને પાયલોટે ભરપુર પ્રયાસ કર્યાે હતો પરંતુ સુવરડા ગામની સીમથી બેએક કિ.મી. દૂર આ પ્લેન અગનગોળામાં ફેરવાઈ ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું. જો આ પ્લેન શહેરી વિસ્તારમાં કે જ્યાં માનવ વસ્તી હતી ત્યાં પડ્યું હોત તો શું થયું હોત? તેની કલ્પના પણ ધ્રુજાવી દેનારી છે.
ઉપરોક્ત પ્લેન ક્રેશ થયું તે પછી સુવરડા ગામના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પણ દોડી આવ્યા હતા. સૌથી પ્રથમ પહોંચેલી પોલીસ ટીમની પહેલા ગ્રામજનોએ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી. તે પછી ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી સળગી રહેલા પ્લેનના કાટમાળ પરની આગ અંકુશમાં લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial