Advertisement
Author: નોબત સમાચાર

અવ્યવસ્થાની વિકરાળ આગમાં લપેટાયું છે ગુજરાતનું અગ્નિશમન તંત્ર!

રાજ્યમાં અગ્નિ શમનના નક્કર અભ્યાસક્રમની જ ખામી!: રાજ્યનું અડધું ફાયર તંત્ર ઇન્ચાર્જના ભરોસે!

ગુજરાતમાં રહેણાંક અને ધંધાદારી વિસ્તારોમાં અકસ્માતે વિકરાળ આગ ફાટી નીકળવાની ઘટનાઓ બહુ ઝડપથી વધી  રહી છે. અનેક લોકો જીવ ગુમાવે છે અથવા આખી જિંદગી પીડા ભોગવે તે હદે ઘાયલ થાય છે. આવા ગંભીર અકસ્ માતોમાંથી હોસ્પિટલો પણ બાકાત નથી. સુરતના ટ્યુશન ક્લાસથી લઈ રાજકોટના ગેમ ઝોન સુધીની દુર્ઘટનાઓ માન સપટ ઉપરથી ભૂંસાતી નથી. અમદાવાદના અમરાઇ વાડી વિસ્તારમાં પુષ્કર એપાર્ટમેન્ટમાં માતા અને પુત્રીઓએ જીવ બચાવવા જે લાચારી ભોગવી તે દૃશ્યો નિહાળી હૃદય દ્રવી ઉઠ્યું. સુરતના સાત બેડ રૂમના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ આગની લપેટમાં ભરખાઈ ગયું. ગુજરાતમાં આગની ઘટનાઓ હવે બહુ ઝડપથી વધી રહી છે ત્યારે આપણે આપણી  જૂની ઘરેડની માનસિકતા અનુસાર શોર્ટ સર્કિટનો રિપોર્ટ બનાવી ફરજ પૂરી કરી રહ્યાં છીએ. આપણને ઊંડા ઉતરવાનો સમય નથી, દાનત નથી કે તે માટેનું જ્ઞાન નથી તે રામ જાણે!

સુરતના એપાર્ટમેન્ટમાં જાણવા મળ્યા અનુસાર ફ્લેટધારકે બાથરૂમમાં અતિ ઉચ્ચ કહી શકાય તેવી સોના બાથ સીસ્ટમ પોતાના બાથરૂમમાં ફીટ કરાવી હતી. સાંજે સોના બાથ લીધા પછી ઇલેકટ્રીક સ્વિચ બંધ કરવાનું ભૂલી ગયા અને સવારે આગ ભભૂકી ઉઠી! જાણકાર વ્યક્તિના કહેવા અનુસાર પાણીને વરાળમાં તબદીલ કરતી આ સિસ્ટમ ગુજરાતના ઉનાળા માટે અર્થહીન છે. ઠંડા સમયે અને ઠંડા પ્રદેશોમાં તે ચાલે. ભૂલકણા લોકો માટે તો આવી કોઈ આધુનિક સિસ્ટમ ન ચાલે.

ગુજરાતમાં ફાયર બ્રિગેડ તંત્રને લૂણો લાગ્યો છે. અડધું તંત્ર ઇન્ચાર્જ અધિકારીઓ સંભાળી રહ્યા છે. કાયમી છે તે પૈકીના  કેટલાક તો પ્રિ- મેચ્યોર રાજીનામા ધરી બેઠા છે. ૧૪ એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ ડે પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકમાં પ્રથમ એવો દિવસ રહ્યો કે જ્યારે આ ઉજવણીમાં ફાયર શાખાનો કોઈ ઉચ્ચ અધિકારી હાજર ન હતો!

બેજવાબદાર

આપણે મૂળભૂત પ્રકૃતિ અનુસાર બહુ બેજવાબદાર લોકો છીએ. ખિસ્સામાં રૂપિયા આવે એટલે ગામ આખાને ખિસ્સામાં  લઈને ફરવા લાગીએ છીએ. ચોરી કે કાયદાનો ભંગ કરવાની બાબતોને વટ તરીકે રજૂ કરીએ છીએ. અડધી રાત્રે દારૂ પી લકઝરી એસ.યુ.વી. લઈ નબીરાઓ નિર્દોષ લોકોને કચડી મારે છે. હજારો દુર્ઘટનાઓ પછી પણ આપણે સુધરતા નથી. છટક બારી નામની વૃત્તિ આપણાં લોહીમાં ભળી ગઈ છે.

મોટા ભાગની દુર્ઘટનાઓ પાછળ આવી બેદરકારી કે મનોવૃતિ જ હોય છે. આપણામાં શિક્ષણ આવ્યું પરંતુ અણઘડતા વધી છે. સારા રોડ સ્મૂધ ડ્રાઇવિંગ માટે છે, આપણે તેને બેફામ ડ્રાઇવિંગ રોડ બનાવી દીધા છે. વડોદરા-સુરત રોડ સિક્સ લેન છે, પરંતુ વાહનો ત્યાં બેફામ ઝડપે દોડે છે. જાણે સીધા સ્વર્ગમાં રોડ જતો હોય તેટલી ઝડપ હોય છે.

આગ લાગવાની મોટાભાગની દુર્ઘટનાઓમાં બેદરકારી મુખ્ય હોય છે, ગણ્યા ગાંઠ્યા બનાવોમાં વીમો પકવવાની ગણતરી પણ હોય છે. ડીસામાં ફટાકડા બનાવવાનું કારખાનું ભગવાન ભરોસે ચાલતું હતું. ત્યાંના શ્રમિકોને ફટાકડા બનાવવાનો કે તેના જોખમો બાબતે અનુભવ કે જાણકારી ન હતી. જ્યાં દારૂખાનું રાખ્યું હતું ત્યાં જ રસોઈ બનાવતા હતા! વાસ્તવમાં સલામતીના પગલાં લેવા તે માલિક અને સંચાલકની જવાબદારી હોય છે.

રાજકોટમાં ગેમઝોનની આગ તો ઠરી ગઈ પરંતુ ફાયર શાખાનો ભ્રષ્ટાચાર હજુ ધગધગી રહ્યો છે. ગુજરાતમાં સ્મોક  ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમ લગભગ નહિવત છે. અમેરિકામાં તો ઘરમાં અગરબત્તી કરવામાં આવે કે પૂરી ત ળવામાં આવે તો પણ તેના ધૂમડાને કારણે ફાયર એલાર્મ ધણધણી ઉઠે છે. આગની દુર્ઘટનામાં ચેતવણી પણ બચાવ માટેનું  મોટું માધ્યમ છે. ગુજરાતમાં આગના બનાવોમાં ચેતવણી સિસ્ટમનો અભાવ પણ જવાબદાર છે. આગ લાગે ત્યારે લોકો  બચાવો બચાઓ નું બૂમો પાડે છે, જે દૂર સુધી જતી નથી અને આગની આસપાસના લોકો ભાગી શકતા નથી, આગની ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

અગ્નિશમનના સાધનોનું બહુ મોટું માર્કેટ છે. જેમાં મોટો હિસ્સો આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને  અધિકારીઓનો છે.

આમ કેમ?

બહુમાળી ઇમરતોમાં આગ બોમ્બ ધડાકાની જેમ ગણતરીની ક્ષણોમાં ફેલાઈ જાય છે. વાસ્તવમાં આગને ફેલાતાં સમય લાગે, ભાગી શકાય છે. વિસ્ફોટથી બચી ન શકાય તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ ક્રમશઃ આગળ વધતી આગ તો  બચાવ માટે સમય આપે જ છે. તો પછી સમય કેમ નથી મળતો?

આપણે દૃશ્યો જોઈ કહીએ કે, અગ્નિગ્રસ્ત મોટા એપાર્ટમેન્ટ કે વ્યાપારી સંકુલોમાં લોકોને ભાગવાનો સમય પણ નથી મળતો અને જીવતા ભુંજાઈ જાય છે. બોબ્બ વિસ્ફોટ થાય તો સમજ્યા કે ભાગવાનો સમય ન મળે! પરંતુ આગની ઘટનામાં ભાગવું શક્ય છે. મારા મત પ્રમાણે આપણી ચેતવણી સિસ્ટમ અતિશય નબળી છે. આગ લાગતાં જ ફાયર એલાર્મ ધણધણી ઊઠવો જોઈએ. અહી તો એપાર્ટમેન્ટનો ૫૦ ટકા ભાગ રાખ થઈ જાય તો પણ બંધ ફ્લેટમાં ખબર નથી પડતી!

તંત્રની લાચારી

વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે, બાંધકામ પણ જેટ સ્પીડથી થાય છે, સરકાર પાસે કાયદા અને સલામતીનો અમલ કરવા  માટે પૂરતું મહેકમ નથી, જે છે તેમાં અનેક ફૂટેલા લોકો છે. ગુજરાતમાં ફાયર ફાઇટિંગ (અગ્નિશમન) માટેના શિક્ષણની  શું હાલત છે તે ખબર નથી. પરિસ્થિતિ વકરી રહી છે. મહાનગરોમાં તો ફાયર બ્રિગેડ મજબૂત હોય છે પરંતુ નગરપાલિકા કક્ષાએ તો કંગાળ સ્થિતિ છે. મહાનગરોમાં બહુમાળી આવાસો ઝડપથી વધી રહ્યા છે, ત્યાં પંહોચી શકે તેવા સાધનો બહુ જૂજ છે. દુબઈ કે શાંઘાઇ જેવા વિસ્તારોમાં હવે રોબોટ અને ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારમાં ડાઇરેક્ટર જનરલ ફાયર સર્વિસિસ સિવિલ ડિફેન્સ ઍન્ડ હોમગાર્ડ્સ નામનો વીભાગ છે જે ગૃહ વિભાગ હેઠળ આવે છે. આ વેબસાઇટ પણ ૨૦૧૫ પછી અપડેટ થઈ હોય તેમ લાગતું નથી! ધડિરેક્ટોરેટ, સ્ટેટ ફાયરપ્રીવેન્શન સર્વિસિસની સ્થાપન ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૫ માં કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ નામની વેબસાઇટ પણ છે જ્યાં વિવિધ પ્રકારની મંજૂરીઓ મેળવવા માટેની અરજીઓ કરી શકાય છે. ગુજરાત સરકાર અગ્નિ શમન માટેના આધુનિક સાધનો વસાવે છે પરંતુ પૂર્ણ શિક્ષિત અને પૂરતા કર્મચારીઓનો અભાવ હોવાનું જણાય છે. ગુજરાતને ઔધ્યોિ ગક રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે પરંતુ ઔધ્યોગિક સલામતી માટે ખાટલે મોટી ખોટ છે. બહુમાળી બાંધકામ વધી રહ્યા છે અને વિસ્તાર પણ વધી રહ્યો છે ત્યારે માત્ર જમીન ઉપરથી બચાવ કામગીરી કરવાનો ખ્યાલ હવે છોડી દેવો જોઈએ અને હેલિકોપ્ટર નો ઉપયોગ થઈ શકે તે બાબતે પણ વિચાર કરવાની જરૂર છે. ગુજરાત સરકાર હવે ધીરે ધીરે જાગે છે અને ગુજરાતમાં વન સ્ટેટ, વન ફાયર સર્વિસ નામની વહીવટી વ્યવસ્થા ઊભી કરવાનો ઇરાદો ધરાવે છે.

શિક્ષણ

અગ્નિશમન બહુ મહત્ત્વની અને આવશ્યક સેવા, નોકરી છે. આ વિષય ઉપરના મારા અભ્યાસમાં જણાયું કે ગુજરાતમાં  આ બાબતેના શિક્ષણ કે તાલીનમી નામ પૂરતી વ્યવસ્થા છે. બહુ જૂજ જગ્યાએ અને સરકારી રીતે ફાયર ફાઇટિંગ માટેના  અભ્યાસક્રમ ચાલે છે. આ ક્ષેત્રમાં નોકરી માટે ચીફ ફાયર ઓફિસર બનવા માટે જરૂરી કોઈ અભ્યાસક્રમ ગુજરાતમાં ૨૧મી સદીમાં ઉપલબ્ધ નથી. હાલમાં નાગપુરની સંસ્થામાં ચાલતા આ વિષયના અભ્યાસને પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. ગુજરાતમાં હાલમાં માત્ર નીચલી પાયારીના ફાયરમેન કોર્ષ કેટલાક શહેરોમાં ખાનગી સંસ્થાઓ ચલાવે છે, જેમાં ધોરણ ૧૦ પછી પ્રવેશ મળે છે. જામનગરમાં એક ખાનગી સંસ્થા આ અભ્યાસક્રમ ચલાવી રહી છે અને તેમાં ૫૦ બેઠકો છે.

જાનમાલની સલામતી માટે આધુનિક અગ્નિશમન પદ્ધતિ અને ૨૧ મી સદીના સાધનોનું શિક્ષણ આપવા માટે રાજ્ય  સરકાર ગંભીર હોય તેમ જણાતું નથી. વાસ્તવમાં ગુજરાત સરકારે ધોરણ ૧૨ પછી ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ  હોવો જોઈએ, જેથી ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ અને અધિકારીઓ મળી રહે.

ગુજરાતમાં જોખમી કેમિકલ બનાવતા એકમો વધી રહ્યા છે, હાઇ રાઇઝ આવાસોનું પ્રમાણ વધી રહ્યું છે, ફાયર ફાઇટિંગ માટેના આધુનિક સાધનો અને પદ્ધતિ સંશોધન માટે પણ વિશાળ અવકાશ છે ત્યારે ગુજરાત સરકારે આ માટેની અલાયદી ઇન્સ્ટિટ્યુટ કરવાની જરૂર છે.

વિશેષ

હિન્દુ સંસ્કૃતિમાં આગની કેટલીક યાદગાર ઘટનાઓ છે. મહાભારતમાં લાક્ષાગૃહ અને રામાયણમાં લંકા દહન આજે પણ  રોચક પ્રસંગ મનાય છે. ૧૯૭૪ માં હોલિવૂડની અંગ્રેજી ફિલ્મ ટાવરિંગ ઇનફર્નો આવી હતી જેમાં અમેરિકાના સૌથી  ઊંચા  બહુમાળી મકાનમાં ભયંકર આગ ફાટી નીકળે છે. એન્જિઑગ્રાફીના લેખકે રાજકોટના ગેલેક્સી સિનેમામાં આ ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી કે, મકાનો આટલાં ઊંચા હોય શકે છે અને આગ આટલી વિકરાળ અને ભયાનક હોઈ શકે  છે. ત્યારબાદ ૧૯૮૦માં રજૂ થયેલી બી. આર. ચોપરાની બૉલીવુડ હિન્દી ફિલ્મ ધ બર્નિગ ટ્રેન પણ સફળ રહી. ૨૦૨૪  માં રજૂ થયેલી પ્રતિક ગાંધીની ફિલ્મ અગ્નિ પણ સફળ રહી. મધર ઈન્ડિયા ફિલ્મના દૃશ્યમાં અભિનેત્રી નરગીસ શુટીંગ દરમિયાન સાચ્ચે આગમાં ફસાઈ ગઈ હતી અને તે ફિલ્મના હીરો સુનિલ દત્તે સાહસ બતાવી તેને ઉગરી લીધી હતી, આ ઘટનાને કારણે બન્ને પ્રેમમાં પડ્યા અને ઘર સંસાર માંડ્યો હતો!

ફરી વાચકોને યાદ કરાવવાનું કે ગુજરાતમાં અગ્નિશમન તંત્ર ખુદ અવ્યવસ્થાની આગમાં લપેટાયું છે. અહી ભરતી, ખરીદી, શિક્ષણ અને ભ્રષ્ટાચાર બાબતે તત્કાળ ફાયર ફાઇટિંગ કરવાની જરૂર છે.

'નોબત'ના વાચકો અને ચાહકો આગથી બચવા માટે ગુણવત્તા વાળા સાધનો અને વાયરો વાપરે, સાવચેતી જાળવે અને આગની ઘટના સમયે બીજાને બચાવવામાં મદદ કરે તેવો અનુરોધ.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh