Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પડતર જમીન પરથી દબાણો ક્યારે હટાવાશે?

રાજ્યભરમાં 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા

જામનગર તા. ૧૮: અત્યારે માત્ર જામનગર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહીં, લગભગ સમગ્ર દેશમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ડિમોલીશન કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.

યુપીમાં બુલડોઝર ફરે એટલે 'બાબાનું બુલડોઝર' અને ગુજરાતમાં ડિમોલીશન થાય એટલે 'દાદાનું બુલડોઝર' જેવા શિર્ષકો સાથેના સમાચારો પ્રસિદ્ધ થાય છે.

ખૂબ જ સારી અને આવકારદાયક બાબત છે કે વર્ષોથી ખડકાયેલા મસમોટા ગેરકાયદે દબાણો આખરે દૂર કરવાની કામગીરી તો થઈ રહી છે!

જામનગરની વાત કરીએ તો શહેરમાં રસ્તા પહોળા કરવાની કામગીરીમાં કે અન્ય કોઈ વિકાસ કામ અર્થે સરકારી ધોરણે દબાણો-અડચણો દૂર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે સરકારી જમીનો પર, જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. આ દબાણો દૂર કરાયા પછી ખુલ્લી થયેલી વિશાળ જમીનોનો વ્હેલતીકે યોગ્ય અને નિર્ધારીત હેતુ માટે ઉપયોગ થાય તે દિશામાં પણ એટલી જ ઝડપથી કામગીરી થાય તે જરૂરી છે.

જામનગર શહેરમાં અત્યારે કદાચ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બની રહ્યો છે, અને તેનું કામ હવે પૂર્ણતાના આરે હોવાનું જણાય છે. પણ 'સોનાની થાળીમાં લોઢાની મેખ' જેવી સ્થિતિ શહેરની મધ્યમમાં જ આ અતિ આકર્ષક, ખૂબ જ ઉપયોગી એવા ફ્લાય ઓવર પાસે જ છેલ્લા ૪ર વર્ષથી જુના રેલવે સ્ટેશનનો કાટમાળ, કેરણ, ગંદકી, કચરાનું સામ્રાજ્ય જેમનું તેમજ જોવા મળે છે.

શહેરની મધ્યમાં ખૂબજ કિંમતી ગણાય તેવી વિશાળ જગ્યા પર રેલવેની જમીન પરનું આ તદ્ન બીનઉપયોગી, શહેરને કદરૂપું બનાવતા આ 'દબાણો'ને ક્યારે દૂર કરવામાં આવશે? તેવો પ્રશ્ન કરવા કરતા શા માટે આ કાટમાળ, કેરણ, દબાણો દૂર કરવામાં આવતા નથી? આ કામગીરી કરતા રેલવે તંત્રને કોણ અટકાવે છે? શા માટે જામનગર મહાનગરપાલિકાના સત્તાવાળા, ધારાસભ્યો કે સંસદસભ્ય આ વિશાળ જમીનને ખુલ્લી કરી ચોખ્ખીચટ્ટ કરવા માટે ધ્યાન આપતા નથી? કોઈનું નાનકડું બાંધકામ (ગેરકાયદે) પણ બહાદુરીપૂર્વક બુલડોઝર ફેરવીને તોડી નાખનાર તંત્રને શાહેરની મધ્યમમાં પ્રાઈમ લોકેશન પર આવેલ આ વિશાળ જમીનને ખુલ્લી કરાવી તેનો શ્રેષ્ઠ વિકાસ કામ માટે કે શહેરીજનોને ઉપયોગી થાય તેવી સુવિધા માટે કામગીરી કરવાનું કેમ સુજતું નથી?

જામનગરમાં ચારે તરફ વિકાસના કામો હેઠળ ખોદકામ, તોડપાડ, બાંધકામો થઈ રહ્યા છે ત્યારે જુના રેલવે સ્ટેશનની અંબર ચોકડીથી લઈ જમીનદોસ્ત થઈ ગયેલા જુના રેલવે સ્ટેશનની તમામ વિશાળ જમીન પરથી વ્હેલીતકે બુલડોઝર, જેસીબી, હીટાચી, મેનપાવરનો મહત્તમ ઉપયોગ કરી કેરણ, કાટમાળ, ગંદકી, ઝુંપડા, કાચા-પાકા બાંધકામના દબાણો દૂર કરવાની તાતિ જરૂર છે અને એક વખત આ વિશાળ જમીન સમથળ અને ખુલ્લી કરવામાં આવશે ત્યારે જ તેની વિશાળતા, મહત્તા, ઉપયોગીતાની ખબર પડશે?

હાલ વિકાસ પૂરપાટગતિએ દોડી રહ્યો છે... ચારેતરફ... ત્યારે શહેરના હાર્દસમા વિસ્તારમાંથી આ કદરૂપુ અને શહેરની સુંદરતા માટે કલંકરૂપ દબાણ દૂર કરવાની ઉગ્ર માંગણી સમગ્ર નગરજનોમાં ઊઠવા પામી છે.

અખબારોમાં જુના રેલવે સ્ટેશનની જમીન અંગે અનેક વખત વારંવાર તસ્વીરો સાથેના અહેવાલો પ્રસિદ્ધ થતા રહ્યા છે, પણ હવે જ્યારે ફ્લાય ઓવરનું નિર્માણ પૂર્ણતાના આરે છે ત્યારે આ જમીનને સમથળ અને સુંદર કરવાની જાગૃતિ-હિંમત ચૂંટાયેલા નેતાઓએ દર્શાવવી પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh