Advertisement
Author: નોબત સમાચાર

ભારતના ભાગલાને કેન્દ્રમાં રાખીને બનેલી હિન્દી ફિલ્મોઃ વિભાજન વિભિષિકાની કથાઓ

આઝાદી પછી આ વિષય પર સંખ્યાબંધ ફિલ્મો લોકપ્રિય બની છે... તેમાં ઉમેરો થતો જાય છે

                                                                                                                                                                                                      

ભારતને આઝાદી મળી, તેની સાથે જ પાકિસ્તાન પણ આઝાદ થયું. અંગ્રેજો જતાં જતાં ભારત અને પાકિસ્તાન જેવા બે ભાગમાં અખંડ ભારતને વહેંચીને બન્ને દેશો વચ્ચે વેરઝેરના બીજ પણ રોપતા ગયા. આથી આપણે ૧પ મી ઓગસ્ટે તો આઝાદ દિન અથવા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરીએ છીએ, પરંતુ તે પહેલા ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા દિવસ સ્મૃતિ પણ મનાવવાનું શરૂ કર્યું  છે, અને એ સમયે જીવ ગુમાવનાર જીવાત્માઓને દુઃખ સાથે સ્મરીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ. એટલું જ નહીં, તે સમયે દેશની આઝાદી માટે લડનારા અને આઝાદી પછી દેશની સુરક્ષા માટે ખપી જનારા શહીદોને પણ સ્મરણાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ દિવસે આઝાદીકાળના બનેલા ઘટનાક્રમોમાં ગૌરવ અને ગમગીનીનું સંયોજન અનુભવાતું હોય છે. આ દિવસોને સાંકળીને આઝાદીના ઈતિહાસથી નવી પેઢીને વાકેફ કરવા માટે વિવિધ ચિત્ર-પ્રદર્શનો, સેમિનારો વિગેરે પણ યોજાતા હોય છે.

હર ઘર તિરંગા...આઝાદ દિનનું જશ્ન

આપણે આ વર્ષે પણ હર ઘર તિરંગા જેવા કાર્યક્રમોને હર દિલ તિરંગાની ભાવના સાથે ઉજવીને આઝાદીનું જશ્ન મનાવી રહ્યા છીએ અને ૯ મી ઓગસ્ટથી ૧૭ મી ઓગસ્ટ સુધીનો આ અનોખી ઉજવણીનો સમયગાળો આઝાદીકાળના ઈતિહાસને મમળાવીને પુનઃ યાદગાર બનાવી રહ્યા છીએ. આ સમયગાળામાં જ વિભાજન વિભિષિકાના એ સમયગાળાને પણ વાગોળીએ છીએ, જેમાં એક તરફ આઝાદી મળી, તેની ખુશી હતી, તો બીજી તરફ દેશના ભાગલા પડતા જ થયેલી કત્લેઆમ તથા પાકિસ્તાન સાથેના પ્રથમ યુદ્ધમાં ખુવાર થયેલા પરિવારોની દુઃખભરી દાસ્તાનોની કરૂણાંતિકા પણ હતી.

આઝાદીની ખુશી... કત્લેઆમનો ગમ

ભારત-પાકિસ્તાનને એક સાથે આઝાદી મળી, પરંતુ પાકિસ્તાન ૧૪ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ ઉજવે છે, જ્યારે ભારત ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવીને પછી બીજા દિવસે હાલમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે, તેમાં આઝાદીની ખુશી પણ છે અને કત્લેઆમ તથા યુદ્ધના બલિદાનોની ગમગીની પણ છે...

બંટવારા ૧૯૪૭ ફિલ્મ

આ વિકેન્દ્રમાં રિલિઝ થયેલી બંટવારા ૧૯૪૭ ફિલ્મમાં મુખ્ય અભિનય સની દેઓલનો છે. રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં આમીર ખાન નિર્મિત આ ફિલ્મમાં જાવેદ અખ્તર દ્વારા લિખિત ગીતોને એ.આર. રહેમાને સંગીત આપ્યું છે. આ ફિલ્મમાં પ્રીતિ ઝીન્ટા, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં વિભાજનના સમયની વસમી યાદો દર્દનાક દૃશ્યો સાથે સંવેદનશીલ કથા કંડારાઈ છે. એવું કહેવાય છે કે આ ફિલ્મ અસગર વજાહતના એક નાટક પર આધારિત છે. આ ફિલ્મમાં અભિમન્યુસિંહ, ખુશી હઝારે, કનિક્કા કપૂર અને ઈશા સંધીરે પણ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું બજેટ રૂ।. ૧પ૦ કરોડ હોવાનું અનુમાન છે. આ ફિલ્મના ગીતો અંગે એક અલગ જ ચર્ચા છે. આ ફિલ્મ રિલિઝ થવાનું ટાઈમીંગ સૌથી અગત્યનું છે, જ્યારે દેશમાં વિભાજન વિભિષિકા દિવસ મનાવાઈ રહ્યો હોય, ત્યારે જ આ ફિલ્મ પ્રસ્તુત થાય, એ ઘણું સુસંગત ટાઈમીંગ ગણાય.

વિભાજન વિષયક ફિલ્મો

ભારત-પાકિસ્તાનના સ્વારૂપમાં અખંડ ભારતના ભાગલા અંગે વિવિધ ભાષાઓમાં ઘણી ફિલ્મો બની છે, અને તેમાંથી રપ થી ૩૦ ફિલ્મો ખૂબ જ પ્રચલિત થઈ છે. એ પૈકીની સાત-આઠ ફિલ્મો તો ઘણી જ લોકપ્રિય બની છે. આ ત્રાસદીની સાથે લવસ્ટોરીઝ, ભાવનાત્મક દૃશ્યો, વિવિધતામાં એક્તા તથા સીમાપાર પનપતા પ્રેમની કથાઓ વણી લઈને આ ફિલ્મોને રસપ્રદ, મનોરંજક અને જ્ઞાનવર્ધક પણ બનાવાઈ છે, જેમાં એક્સન, થ્રીલ, જુસ્સો, પ્રેમ, લાગણી, નફરત તથા દેશપ્રેમના રંગો ભરવામાં આવ્યા છે.

તમસ

ભારત-પાકિસ્તાનના સ્વરૂપમાં ભાગલા પડ્યા પછી વર્ષ ૧૯૮૮ માં દૂરદર્શન પર સૌ પ્રથમ ટેલિકાસ્ટ થયેલી 'તમસ' ફિલ્મ ભીષ્મ સહાનીની નવલકથા પર આધારિત પાર્ટીશન (ભાગલા) પહેલા થયેલા કોમી તોફાનો (સાંપ્રદાયિક હુલ્લડો) તથા તેના પરિણામો દર્શાવતી કથા છે. આ ફિલ્મ માટે ઓમ પુરી, દીપા શાહી, અમરીશ પુરી, ભીષ્મ સહાની અને એ.કે. હંગલે અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતાં.

'તમસ' ફિલ્મને ઘણાં સન્માનો મળ્યા હતાં તથા ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે આ ફિલ્મને નેશનલ એવોર્ડઝ પણ મળ્યા હતાં. આજે પણ આ ફિલ્મને બુજુર્ગ લોકો ભૂલ્યા નથી. નવી પેઢીએ પણ આ ફિલ્મને માણવી જોઈએ.

ટ્રેન ટુ પાકિસ્તાન

'ટ્રેન ટુ પાકિસ્તાન' ફિલ્મ ખુશવંતસિંહની પ્રચલિત નવલકથા પર આધારિત કથાવસ્તુ ધરાવતી ફિલ્મ છે, જેમાં નસીરૂદ્દીન શાહ, રજિત કપૂર, સ્મૃતિ મિશ્રા, નર્મલ પાંડે સહિતના કલાકારોએ અભિનય કર્યો છે. આ કહાની પંજાબની બોર્ડર પર વસેલા એક ગામની છે, જ્યાં ભાગલા પડ્યા પછી અચાનક ફેલાયેલી હિંસામાં ભાગલા પડવાના કારણે ફેલાયેલા આતંક, ડર અને નફરત સાથે માનવતા અને સંવેદનશીલતાના સંઘર્ષને આબેહૂબ દર્શાવાયો છે. આ ફિલ્મ આજે પણ લોકોને 'ઈમોશનલ' કરવાની ખૂબી ધરાવે છે, જો કે બદલતા મીડિયા યુગના કારણે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ બહું સફળ થઈ નહીં, પરંતુ તેની કથાવસ્તુ તથા

દેશભાવનાનો હિસ્સો જુસ્સાપ્રેરક છે.

પિંજર

અમૃતા પ્રીતમની વિખ્યાત નવલકથા આધારિત કથાવસ્તુ ઘણું જ લોકપ્રિય છે. વર્ષ ર૦૦૩ ની ર૪ મી ઓક્ટોબરે 'પિંજર' ફિલ્મ રિલિઝ થઈ હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન અપહરણ કરાયેલી 'પારો' નામની કન્યા પર આધારિત આ ફિલ્મ માટે મનોજ બાજપેયી, ઉર્મિલા માંતોડકર, સંજય સુરી, પ્રયાંસુ ચેટરજીની મુખ્ય ભૂમિકા હતી. આ સંઘર્ષ કથાને પ્રશંસા તો મળી, પરંતુ બોક્સ ઓફિસ પર બહુ ચાલી નહીં. એવું કહેવાય છે કે આ ફિલ્મ ખોટમાં ગઈ હતી, જો કે ચંદ્રપ્રકાશ ત્રિવેદીના ડાયરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં પણ વિભાજન વિભિષિકાની વિષમતા દેખાડતી એક અદ્ભુત કહાની છે.

ગદ્દકર-એક પ્રેમ કથા

'ગદ્દર-એક પ્રેમ કથા' હિન્દી ફિલ્મ વર્ષ ૧૯૪૭ ના ભારત-પાકિસ્તાનના સ્વરૂપમાં અખંડ ભારતના પડેલા ભાગલા દરમિયાન એક ડ્રાઈવર તારાસિંહ અને એક મુસ્લિમ યુવતી સકીનાની લવસ્ટોરી છે. બન્નેની શાદી તો થાય છે, પરંતુ તેઓની જિંદગી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ધકેલાઈ જાય છે. આ ફિલ્મ ઘણી જ પ્રચલિત થઈ હતી, અને તેના ડાયલોગ્ઝ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ ફિલ્મે સની દેઓલને એક અલગ પહેચાન આપી, તો અમરીશપુરીના વિલનના પાત્રને પણ ખૂબ જ પસંદ કરાયું હતું. અમીષા પટેલનો અભિનય પણ નોંધનીય રહ્યો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે જમાવટ કરી હતી અને અંદાજે ૧૮ થી ૧૯ કરોડમાં બનેલી અનિલ શર્મા નિર્દેશિત આ ફિલ્મે ૧૩૩ કરોડનું વર્લ્ડવાઈઝ કલેક્શન કર્યું હતું, અને તે સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવાઈ હતી.

વીર-જારા

યશ ચોપડાના ડાયરેક્ટર હેઠળ બનેલી 'વીર-જારા' ફિલ્મમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝીન્ટા, રાની મુખર્જી, અમિતાભ બચ્ચન અને હેમામાલિની જેવા દિગ્ગજ ફિલ્મી સિતારાઓ ઝળક્યા હતાં. ભારતીય વાયુસેનાના ઓફિસર વીર અને પાકિસ્તાની યુવતી જારાની લવસ્ટોરીને કેન્દ્રમાં રાખીને ફિલ્માવાયેલી આ મુવી તે સમયની વિટંબણાઓનું દર્પણ છે. આ બન્ને પ્રેમી પંખીડાને અલગ કરી દેતા તત્કાલિન રાજકીય અને સામાજિક તાણાવાણા દર્શાવતી આ ફિલ્મ કદાચ ર૦ થી રપ કરોડમાં બની હતી અને ૧૦૦ થી ૧૦૭ કરોડનું વર્લ્ડ વાઈઝ કલેક્શન કરીને વર્ષ ર૦૦૪ ની સૌથી હીટ અને 'કમાઉ' ફિલ્મ ગણાવાઈ હતી.

મૈં વાપસ આઉંગા

વર્ષ ર૦ર૬ માં રિલિઝ થયેલી 'મૈં વાપસ આઉંગા' ફિલ્મના ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી છે, જ્યારે મુખ્ય ભૂમિકામાં દિલજીત દોસાંઝ અને શારવરી વાઘ છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે વિખૂટા પડેલા લોકોની યાદો, વતનપ્રેમ અને અસલી ઓળખની કથાઓના લાગણીસભર દૃશ્યોથી કંડારાયેલી આ ફિલ્મમાં પ્રેમ, નફરત, કરૂણતા અને સરહદની બન્ને તરફ વહેંચાઈ ગયેલા પરિવારોના દર્દ તથા સંવેદનાને અદ્ભુત ઢબે પ્રસ્તુત કરાયા છે. આ અંગે કાઢવામાં આવતા અંદાજો તથા મીડિયા રિપોર્ટસ મુજબ આ ફિલ્મ ૭૦ કરોડમાં બની અને લગભગ તેટલું જ કલેક્શન માત્ર ભારતમાંથી થઈ ગયું છે.

ખામોશ પાની

સબીહા સુમરની ફિલ્મ 'ખામોશ પાની' પાકિસ્તાનના ગામડામાં ફિલ્માવાઈ હતી, પરંતુ ભારતમાં પણ રિલિઝ થઈ હતી. આ પાકિસ્તાની કથાનકમાં પણ ભારત-પાકિસ્તાનના ભાગલાનું દર્દ ફિલ્માવાયું છે, જેમાં કિરણ ખેરની યાદગાર ભૂમિકા છે.

૧૯૪૭ ઈન્ડો-કેનેડિયન પીરિયડ ડ્રામા ફિલ્મ '૧૯૪૭'માં પણ ભારતના વિભાજનનું સ્થાનક છે. દીપા મહેતા નિર્દેશિત આ ફિલ્મ બાટસી સિધવાના 'ક્રેકીંગ ઈન્ડિયા' પુસ્તક આધારિત છે, જેમાં આમીર ખાનની મુખ્ય ભૂમિકા હતી.

'હર ઘર તિરંગા' અભિયાન

આપણા દેશને આઝાદી મળી તે પછી ર૬ મી જાન્યુઆરી અને ૧પ મી ઓગસ્ટ પ્રતિવર્ષ તિરંગો ઠેર-ઠેર લહેરાવાતો અને તેને સંબંધિત યાત્રાઓ નીકળતી હતી, પરંતુ તિરંગો ફરકાવવાના નિયમો થોડા હળવા કરાયા પછી સરકારી અને સંસ્થાકીય ધોરણે તિરંગાયાત્રાઓ યોજાવા લાગી છે. ભારત સરકારે વર્ષ ર૦રર માં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. આઝાદીને ૭પ વર્ષ થયા, તેનો અમૃત મહોત્સવ ઉજવવાની શરૂઆત થઈ ત્યારે દેશના કરોડો ઘરો, દુકાનો, ઓફિસો, સંસ્થાઓ, ગામો, શહેરો સહિત અત્ર-તત્ર-સર્વત્ર સામૂહિક રીતે તિરંગો ફરકાવાયો હતો. તે પછી પ્રતિવર્ષ આ અભિયાન ચાલતું રહ્યું છે. વર્ષ ર૦રર અને ર૦ર૩ હર ઘર તિરંગા અભિયાનની સાથે સાથે રેલીઓ યોજવાની શરૂઆત થઈ. વર્ષ ર૦ર૪ માં ૧૩ થી ૧પ ઓગસ્ટ સુધી સાંસદોએ દિલ્હીમાં વિશેષ તિરંગા બાઈક રેલી યોજી હતી. વર્ષ ર૦રપ થી દેશભરમાં ૧૩ થી ૧પ ઓગસ્ટ સુધી તિરંગાયાત્રાઓ નીકળી રહી છે, અને 'હર ઘર તિરંગા' અભિયાનો ચાલી રહ્યા છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh