Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાધાન કરવા આવેલા પતિ સહિતના પાંચ તૂટી પડ્યાઃ હવા ભરવાના મામલે ધમકીઃ
જામનગર તા.૨૮ : જામનગરના મુંગણી ગામમાં કૂવામાં મોટર ચલાવવાના પ્રશ્ને સગા ભાઈ પર ભાઈએ હુમલો કરી પથ્થર ઝીંક્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. રિસામણે આવેલી પત્નીને મનાવવા આવેલા પતિ સહિતના પાંચ વ્યક્તિએ કૌટુંબિક સાળા તથા સાસુને માર માર્યાે હતો. હોમલોનની બાકી રકમના મામલે એક ઓફિસમાં બે શખ્સે ઘૂસી જઈ ગાળો ભાંડી માર મારવા ઉપરાંત તોડફોડ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. હવા ભરવાના પ્રશ્ને ગેરેજ સંચાલકને ધમકી અપાઈ છે અને પ્રેમ પ્રકરણમાં કાલાવડમાં એક યુવાનને ત્રણ શખ્સે માર મારી ફ્રેકચર કરી નાખ્યું છે.
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા મહિપતસિંહ રણજીતસિંહ કંચવા નામના યુવાન પર શનિવારે સાંજે તેમના સગાભાઈ કિરીટસિંહ રણજીતસિંહ કંચવાએ મોટરમાં ધસી આવી ગાળો ભાંડ્યા પછી ફડાકો ઝીંકી દઈ ત્યાં નજીકમાં પડેલો પથ્થર ઉપાડી ઈજા પહોંચાડી હતી. સારવારમાં ખસેડાયેલા મહિપતસિંહે પોલીસમાં ફરિયાદ કરી છે.
જેમાં તેઓએ જણાવ્યા મુજબ કૂવામાં પાણીની મોટર ચલાવવાના પ્રશ્ને બે ભાઈ વચ્ચે વિખવાદ થયા પછી શનિવારે કિરીટસિંહે પોતાના સગા ભાઈ પર હુમલો કર્યાે હતો.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલી ટીટોડી વાડીમાં રહેતા ઈરફાન હુસેન ખફી પર રવિવારે અસગર ઈસ્માઈલ ખફી, યાસ્મીન, મહેબુબ, ડાડો, અકબર ઈસ્માઈલ ખફી નામના પાંચ વ્યક્તિએ ઘરમાં ઘૂસી ધોકા તેમજ છરી-પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા ઈરફાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઈરફાનની માસીની દીકરી રેશ્મા થોડા સમયથી રિસામણે પિયર આવી ગઈ હતી. તેણીને લઈ જવા માટે રવિવારે સાંજે રેશ્માનો પતિ અસગર અને તેની બહેન યાસ્મીન આવ્યા હતા. આ વખતે બોલાચાલી થતા યાસ્મીને ગુસ્સામા આવી ઈરફાનના માતા હલીમાબેનને વાળ પકડીને ઢસડ્યા હતા અને ગાળો ભાંડી હતી. તે પછી મહેબૂબ, ડાડો, અકબર ધસી આવ્યા હતા અને હુમલો કરી ધમકી આપી હતી.
જામનગરના લાલબંગલા પાસે સ્વસ્તિક એવન્યુમાં ઓફિસ ધરાવતા ધવલ ગૌરાંગભાઈ પાઠકની ઓફિસમાં ગઈકાલે બપોરે નવાગામ ઘેડવાળા યુવરાજ રવિન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજ રવિન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સ આવી ચઢ્યા હતા. આ વ્યક્તિઓએ ધવલ પાઠકને તેઓની હોમલોનની રૂ.૯, ૧૭,૫૫૫ની રકમ ભરવાની બાકી હતી. તેમ છતાં રૂ.દોઢ લાખમાં સેટલમેન્ટ કરી લેવા વાત કરી હતી પરંતુ ધવલે નવેક લાખ જેટલી રકમ બાકી હોવા છતાં રૂ.દોઢ લાખમાં કેવી રીતે સેટલમેન્ટ થાય તેમ પૂછતા આ શખ્સોએ ઢીકાપાટુ વડે માર મારવા ઉપરાંત ધવલ પાઠકનો શર્ટ ફાડી નાખ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી ઓફિસમાં રાખવામાં આવેલુ લેપટોપ પછાડી તોડી નાખ્યું હતું અને કેમેરો ભાંગી નાખ્યો હતો. જતા જતા આ શખ્સો ડીવીઆર ઉઠાવતા ગયા હતા.
જામનગર તાલુકાના સિક્કાની જીઈબી કોલોની પાસે ગઈકાલે બપોરે યુવરાજસિંહ શિવુભા કંચવા નામના શખ્સને છરી બતાવી ભરતસિંહ દોલુભા જાડેજાએ ગાળો ભાંડી ધમકી આપી હતી. યુવરાજ સિંહના ભાઈને જીઈબી કંપનીનો તાજેતરમાં કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે બાબતનો ખાર રાખી ધમકી અપાયાની પોલીસ સમક્ષ ફરિયાદ કરાઈ છે.
જામનગરની ખોડિયાર કોલોનીથી આગળ આવેલા કોમલનગર પાસે પુલ નીચે ગેરેજ ચલાવતા દિનેશ અરજણભાઈ ધોકીયા શનિવારે સવારે ગેરેજ ખોલતા હતા ત્યારે બલીયો બાવરી બાઈકમાં આવ્યો હતો તેણે ટાયરમાં હવા ભરી આપવાનું કહેતા અને દિનેશે હવા ભરવાનું મશીન નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા બલીયાએ ગાળો ભાંડી પથ્થર નો ઘા કરી સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો અને પાઈપ થી હુમલો કરી દિનેશ ધોકીયાને માર મારવા ઉપરાંત મકાન સળગાવી નાખવાની ધમકી આપી હતી.
કાલાવડમાં કૈલાસનગર નજીક પુલ પાસે ચિરાગ તરૂણભાઈ આડઠક્કર નામના યુવાનને રોકી લઈ અયાન પંજા, ઈરફાન પટ્ટણી, બોદુ પટ્ટણી નામના ત્રણ શખ્સે છરી, પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી.
થોડા મહિના પહેલાં ચિરાગ એક યુવતીને ભગાડી ગયો હતો અને બંને વ્યક્તિ પરત આવ્યા પછી આ યુવતીએ ચિરાગ સાથે જ લગ્ન કરવા છે તેમ કહેતા ઉશ્કેરાયેલા ઈરફાન તેમજ અયાન અને બોદુએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial