Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ મહિનાથી પગાર વગર ટળવળતા સફાઈ કામદારોએ ડાન્સ કરી ખુશી વ્યક્ત કરીઃ
ખંભાળિયા તા. ર૮: ખંભાળિયામાં પાલિકા દ્વારા જાહેર હરાજી કરીને જોધપુર ગેઈટ પાસે શોપીંગ સેન્ટર બનાવાયેલ જેની ૧ર દુકાનોની જાહેર હરાજી તા. ર૭/૧ ના થતા પોણાનવ કરોડની માતબર રકમ ઉપજતા તળિયાઝાટક નગરપાલિકાની તિજોરી ફરી ચિક્કાર થઈ જશે.
ખંભાળિયા પાલિકા દ્વારા ખુલ્લી હરાજી રાખવામાં આવી હતી જેમાં એક હજાર રૂપિયા ભરીને ૧રર આસામીઓ સૂચના બુકલેટ લઈ ગયા હતાં તથા ૧૦૬ વ્યક્તિઓએ હરાજીમાં ભાગ લેવા માટે બે-બે લાખ ભર્યા હતાં. ગઈકાલે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારો. ચેરમેન રેખાબેન ખેતિયા, ઉપપ્રમુખના પ્રતિનિધિ પી.એમ. ગઢવી, પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર, ઈજનેર એન.આર. નંદાણિયા તથા જીજ્ઞેશભાઈ મકવાણા, દેવુભાઈ વારિયા, કિશોરસિંહ સોઢા, ડગરાભાઈ વગેરે જોડાયા હતાં તથા પહેલી જ દુકાન ભારે રસાકસીભરી બોલીમાં ૮૦ લાખ રૂપિયામાં ગઈ હતી. તે પછી તમામ દુકાનો ઊંચી બોલી તથા તંદુરસ્ત હરિફાઈ થતા પાલિકાને ૮.૭પ કરોડ રૂપિયાની આવક થઈ હતી.
એક જ હારમાં બનેલી દુકાનો હોવા છતાં પ્રથમ નંબરની દુકાન ૮૦ લાખ, બીજી ૭૮ લાખ, ત્રીજી ૭૩ લાખ, ચોથી ૭ર લાખ, પાંચમી સાડાઓગણાસીતેર લાખ, ૬ઠ્ઠી ૮૦ લાખ, ૭ મી ૭૮ લાખ, ૮ મી ૭પ.પ૦ લાખ, નવમી ૭૮.પ૦ લાખ, ૧૦ મી ૭૬ લાખ, ૧૧ મી ૮૦ તથા ૧ર મી નાની દુકાન ૪૮.રપ લાખમાં વેંચાણ થઈ હતી.
જોધપુર ગેઈટ પાસે પાલિકાનું બાલમંદિર આવેલું જે બંધ થતા ર૦૦૩ ની સાલમાં તત્કાલિન પાલિકા પ્રમુખ જયેશભાઈ ગોકાણી દ્વારા પાલિકાને આવક થવાના હેતુથી આ શોપીંગ સેન્ટર બનાવેલું, પણ જમીનની માલિકી શ્રી સરકારની હોય વીસ વર્ષમાં નવ પાલિકા પ્રમુખો બદલી ગયા પણ આ જમીન શ્રી સરકારની જ હોય, લાખોના ખર્ચે બનેલું આ શોપીંગ સેન્ટર વેંચાયા વગરનું પડી રહ્યું હતું. ગત્ ટર્મના પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારના સમયમાં પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યની જહેમતથી શ્રી સરકારમાંથી પાલિકાની મિલકત થતા પોણાનવ કરોડનો લાભ સીધો થયો છે.
જો કે, પાલિકા દ્વારા જાહેર હરાજીમાં જે દુકાનો વેંચાણ કરેલ તેના ઉપરના હોલ તથા ઉપરના બાંધકામનો હક્ક પાલિકાનો જ રાખવામાં આવ્યો છે.
સફાઈ કામદારોએ કરોડોની આવક વધાવી
છેલ્લા ત્રણ માસથી પગાર વગરના રહેલા પાલિકાના સફાઈ કામદારોએ પાલિકાને પોણાનવ કરોડની આવક થતા બોક્સ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ડાન્સ કરીને ઉજવણી કરી હતી કે હવે પગાર મળશે.
પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર દ્વારા આવનારી કરોડોની રકમનો ઉપયોગ પાલિકાના કર્મચારીઓના પગાર ઉપરાંત પાલિકાના વિકાસ કાર્ય માટે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જાહેર હરાજીના સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તો પોલીસ બંદોબસ્ત ૫ણ રખાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial