Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ સાથે બુચ વિલ્મોરની પૃથ્વી પર સુરક્ષિત ઘરવાપસી

૧૭ કલાકના અંતરિક્ષ પ્રવાસ પછી ડ્રેગન કેપ્સ્યુલનું ફ્લોરિડા પાસે સફળ ઉતરાણઃ ભારતીય સમય મુજબ પરોઢના ૩.ર૭ કલાકે લેન્ડીંગ

નવી દિલ્હી તા. ૧૯: ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સની બુચ વિલ્મોર સાથે પૃથ્વી પર વાપસી થઈ છે. યાન સવારે ૩.૨૭ કલાકે ફલોરિડાના કિનારે સફળતાપૂર્વક ઉતર્યુ હતું. સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં ૧૭ કલાક લાગ્યા હતા. હવે બન્ને અવકાશયાત્રી ૪૫ દિવસના પુનવર્સન કાર્યક્રમમાંથી પસાર થશે.

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને તના સાથી બુચ વિલ્મોર ૯ મહિના અને ૧૪ દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા હતાં. તેમની સાથે, ક્રૂ-૯ ના બે વધુ અવકાશયાત્રીઓ, અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ હતાં. તેમનું ડ્રેગન અવકાશયાન ૧૯ માર્ચે ભારતીય સમય મુજબ સવારે ૩.૨૭ વાગ્યે ફ્લોરિડાના કિનારે ઉતર્યું હતું.

આ ચાર અવકાશયાત્રીઓ મંગળવારે (૧૮ માર્ચ)ના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છોડી ગયા. હતાં. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન ૧૬૫૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. આ સમય દરમિયાન લગભગ ૭ મિનિટ સુધી સંપર્ક વિક્ષેપ પડ્યો, એટલે કે અવકાશયાન સાથે કોઈ સંપર્ક થયો નહીં.

ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયામાં ઉતરાણ સુધી લગભગ ૧૭ કલાક લાગ્યા. ૧૮ માર્ચે સવારે ૮.૩૫ વાગ્યે, અવકાશયાનનો હેચ ખુલ્યો, એટલે કે દરવાજો બંધ થઈ ગયો. ૧૦.૩૫ વાગ્યે અવકાશયાન આઈએસએસથી અલગ થઈ ગયું.

ડીઓર્બિટ બર્ન ૧૯ માર્ચના સવારે ૨.૪૧ વાગ્યે શરૂ થયું. એટલે કે, અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાથી વિરૂદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું હતું. આના કારણે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે ૩.૨૭ વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું હતું.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઇંગ અને નાસાના ૮ દિવસના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા. આ મિશનનો હેતુ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનની અવકાશયાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. અવકાશયાત્રીઓએ અવકાશ મથક પરના તેમના ૮ દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા. પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા પછી, તેમનું ૮-દિવસનું મિશન ૯ મહિનાથી વધુ લંબાવવામાં આવ્યું હતું.

મિશનની સફળતાની ઉજવણી માટે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં નાસાએ આ લાંબા મિશન દરમિયાન સામનો કરવામાં આવેલા પડકારો પર પ્રકાશ પાડ્યો અને સ્પેસએક્સના યોગદાન બદલ આભાર માન્યો. નાસાના અધિકારીઓના મતે, ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલની વિશ્વસનીયતા અને ટીમના સમર્પણે આ મિશનને સફળ બનાવ્યું. સુનિતા વિલિયમ્સે સુરક્ષિત પરત ફર્યા પછી હાથ હલાવીને ખુશી વ્યક્ત કરી અને મિશન દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા. નાસાએ એમ પણ કહૃાું કે આ મિશનમાંથી મેળવેલા અનુભવોનો ઉપયોગ ભવિષ્યની અવકાશ યાત્રાને વધુ સુરક્ષિત અને અસરકારક બનાવવા માટે કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, સ્પેસએક્સનું આ ક્રૂ મિશન ૧૫ માર્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે કેટલીક તકનીકી પડકારોને કારણે વિલંબિત થયું હતું. જોકે, અવકાશયાત્રીઓ ૧૭ કલાકની મુસાફરી પછી સફળતાપૂર્વક ૫ૃથ્વી પર પાછા ફર્યા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનની સફળતા માટે ખાસ કરીને એલોન મસ્કને જવાબદારી સોંપી હતી. નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે ૩.૨૭ વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર પગ મૂકયો હતો. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.

કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું હતું. જેમાં હેચ ખોલીને ચારેય અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ-૯ કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. આ પછી રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા હતા. આ પછી સુનિતા વિલિયમ્સને બહાર મોકલવામાં આવી હતી.

કેપ્સ્યુલમાંથી બહાર આવતાં તેઓએ તેમનો હાથ લહેરાવ્યો હતો, સ્મિત કર્યું અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો. બૂચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અવકાશયાત્રી હતા. અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે બહાર આવ્યા ત્યારે બધા ખુશ દેખાતા હતા.

આ અવકાશયાત્રીઓ મંગળવારે અવકાશથી રવાના થયા હતા અને ૧૭ કલાકની મુસાફરી પછી પૃથ્વી પર પાછા ફર્યા હતા. હવે તેમને હૃાુસ્ટન મોકલવામાં આવશે જયાં તેઓ ૪૫ દિવસના પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થશે.

ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું નાસાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહૃાા હતા. ડ્રેગન કેપ્સ્યુલ જોરથી દરિયામાં પડવાની સાથે જ ત્યાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. સુનિતાના યાનને દરિયામાં ડોલ્ફિને ઘેરીને તેની આસપાસ કૂદવા લાગી હતી. આ દૃશ્ય એવું લાગી રહૃાું હતું કે જાણે આ ડોલ્ફિન ૯ મહિના પછી પૃથ્વી પર પરત ફરેલી સુનિતાનું સ્વાગત કરી રહી છે. આ ખૂબ જ સુંદર દૃશ્ય હતું.

સુનિતાને ધરતી પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઉદ્યોગપતિ ઈલોન મસ્કે આ વીડિયો રીપોસ્ટ કર્યો છે. જૂન ૨૦૨૪માં સુનિતા વિલિયમ્સ માત્ર ૮ દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. આ મિશનમાં બુચ વિલ્મોર પણ તેમની સાથે હતા. સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન, જે તેમને પૃથ્વી પર પાછું લાવવાનું હતું, તે તૂટી ગયું. આ પછી લાંબો સમય રાહ જોવી પડી. અંતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ તેમણે આ કામ ઈલોન મસ્કને સોંપી દીધું. ત્યારબાદ આ મિશન ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ પૂર્ણ થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh