Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા ચકલી બચાવો અભિયાન

આવતીકાલે વિશ્વ ચકલી દિવસઃ

જામનગર તા. ૧૯: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. જામનગરના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતૃગત સતત દસ વર્ષથી જામનગરમાં ચકલીમાળા તથા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

આ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરીષદમાં ડીમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે પ્રથમ વખત જ્યારે કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ત્યારે મળતા માસિક ભથ્થાનો સત્કાર્યમાં ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમના પતિ જગતભાઈ રાવલ પક્ષીપ્રેમી અને ફોટોગ્રાફર હોવાના કારણે બન્નેએ શહેરમાં ચકલીઓની ઘટી રહેલી સંખ્યા અંગે વિચાર કરી ચકલી બચાવો અભિયાન શરૂ કર્યું હતું. જેમાં દર વર્ષે ર૦ મી માર્ચે વિશ્વ ચકલી દિવસે લોકોને ચકલીના માળા તથા પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડાનું વિતરણ શરૂ કર્યું હતું.

આ અભિયાનમાં જામનગરની વિવિધ સંસ્થાઓ જેમ કે લાખોટા નેચર ક્લબ, ફોટોગ્રાફર એસોસિએશન, નવાનગર નેચર ક્લબ, ભારત ટિબેટ સંઘ, જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો, સભ્યોનો સહકાર દર વર્ષે મળી રહ્યો છે.

જગતભાઈ રાવલે જણાવ્યું હતું કે, આ અભિયાનના પરિણામ સ્વરૂપે જામનગરના લોકોમાં ઘરમાં, ધંધાના સ્થળે, હોટલ-ધાબામાં, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલોમાં માળા રાખવાની જાગૃતિ આવી છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ચકલીની 'ચીંચી' સાંભળવા મળી રહી છે. આ અભિયાનની સાથે શહેરની અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા પણ માળા, કુંડાનું વિતરણ થઈ રહ્યું છે.

જગતભાઈ રાવલના જણાવ્યા પ્રમાણે ચકલી સાવ નિર્દોષ, બીનઉપદ્રવી, સંપૂર્ણ શાકાહારી પક્ષી છે, જેને આપણે 'હાઉસ સપેરા'નું બિરૂદ આપ્યું છે. તેથી ચકલીઓનો કલબલાટ, ચીંચી હવે અનેક ઘરોમં સાંભળવા મળી રહ્યો છે. ચકલીને અનુકૂળ આવે તે પ્રકારના પૂંઠાના અને માટીના માળા તેમજ માટીના પાણીના મોટા કુંડાનું વિતરણ કર્યા પછી તેનું ફોલોઅપ પણ લેવામાં આવે છે અને તેમાં દસ વર્ષના પ્રયાસોને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે.

જામનગર શહેરમાં આવતીકાલે તા. ર૦-૩-ર૦રપ ના સવારે ૧૦ થી ૧૧ સુધી હવાઈચોક, બપોરે ૧ર થી ૧ સુધી લાલબંગલા સર્કલ, સાંજે ૪ થી પ સુધી પંચેશ્વર ટાવર પાસે તથા સાંજે ૬ થી ૭ સુધી ડીકેવી સર્કલમાં સ્ટોલ ઊભા કરી માળા-કુંડાનું વિતરણ કરાશે.

આ પત્રકાર પરિષદમાં જાયન્ટ્સના અગ્રણી મુકેશભાઈ પાઠક, ઋષિભાઈ, નવાનગર નેચર ક્લબના વિજયસિંહ જાડેજા, લાખોટા નેચર ક્લબના સુરેશભાઈ જોષી, ભારત તિબેટ સંઘના ધારાબેન પુરોહિત, મેડમ ડીસોઝા, કીર્તિભાઈ, ફોટોગ્રાફર એસો.ના ધર્મેશભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh