Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાડીગુરૂ આચાર્ય વૈદ્યરાજ સંજય પી. છાજેડના માહિતીપ્રદ પુસ્તકનું વિમોચન
જામનગર તા. ૧૯: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં નાડી પરીક્ષણ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં જે અલૌકીક જ્ઞાનનો ભંડાર સમાયેલો છે, તેમાંથી એક અને સર્વોત્તમ છે, આયુર્વેદ. આયુર્વેદમાં ઘણી એવી પ્રાચીન વિદ્યા અને તક્નિક છે, જેના આધારે કરવામાં આવતું યોગનિદાન આજે પણ સૌથી સચોટ અને અસરકારક સાબિત થાય છે. જેમાંથી એક ખાસ વિદ્યા એટલે નાડી પરીક્ષણ. કોઈ પણ જાતના સાધન વગર માત્ર દર્દીના હાથનું કાંડુ પકડીને તેના રોગનું નિદાન કરવું એ એક અદ્ભુત કળા છે.
નાડી પરીક્ષણ આયુર્વેદમાં એક અતિ મહત્ત્વપૂર્ણ નિદાન પદ્ધતિ છે, જેનાથી વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિની સમજ મેળવી શકાય છે. પ્રાચીન આયુર્વેદ ગ્રંથો અનુસાર, નાડી પરીક્ષણ ત્રિદોષ (વાત, પિત્ત, કફ), ધાતુઓ, અને ઉર્જાત્મક સ્તરોનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આ પદ્ધતિમાં વૈદ્ય ત્રણ આંગળીઓ કાંડા (મણિબંધ) પર રાખીને નાડીની તીવ્રતા, ગતિ અને તાલ દ્વારા વ્યક્તિના આરોગ્યની પરિસ્થિતિ જાણી શકે છે. ખાસ કરીને, નાડીના અલગ-અલગ સ્પંદનો શરીરના અંગો અને સિસ્ટમ્સ પરની અસરોને દર્શાવે છે. અને આ પદ્ધતિમાં આજના આયુર્વેદના ડોક્ટર્સ અને વૈદ્યને નિપુણ બનાવવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં નાડી પરીક્ષા પર બે દિવસીય હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડ ઑફ સ્ટડીઝ-આરએનવીવી દ્વારા આયોજિત આ વર્કશોપનો ઉદ્દેશ્ય આયુર્વેદ નિદાન કૌશલ્યને વિસ્તૃત કરવાનો અને પરંપરાગત પદ્ધતિઓને આધુનિક ટેક્નોલોજી સાથે સંકલિત કરવાનો હતો.
આ વર્કશોપનું ઉદ્ધાટન કુલપતિ ડો. મુકુલ પટેલ અને રજીસ્ટ્રાર ડો. અશોક ચાવડાની ઉપસ્થિતિમાં થયું હતું. વર્કશોપની શરૂઆત ભગવાન ધન્વંતરિ વંદના સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ ડો. નિર્મલ અડોદરીયા (કન્વીનર, બીઓએસ-આરએનવીવી, જીએયુ) દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની આયોજન સમિતિના પ્રમુખ તરીકે ડો. સારિકા પટેલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ઉદ્ઘાટન પ્રસંગમાં જ નાડી પરીક્ષણ માટેના પદ્ધતિસરના જ્ઞાનને સંકલિત કરતાં નાડી ગુરુ આચાર્ય વૈદ્યરાજ સંજય પી. છાજેડના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
નાડી પરીક્ષણના ક્ષેત્રમાં જાણીતા નિષ્ણાતો નાડી ગુરુ આચાર્ય વૈદ્યરાજ સંજય પી. છાજેડ (નાડી ગુરુકૂળ, મુંબઈ) તથા વૈદ્ય તપનકુમાર વૈદ્ય (મહા ગુજરાત યુનિવર્સિટી, મેનેજમેન્ટ બોર્ડના સભ્ય) દ્વારા પોતાના વર્ષોના અનુભવને તાલીમાર્થીઓ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ત્રણ-આંગળી દ્વારા નાડી પરીક્ષણની તકનિકો, પ્રકૃતિ નિર્દેશ, ઉપદોષોનું વિશ્લેષણ અને ધાતુ આધારિત નિદાન પદ્ધતિઓ પર વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નાડી પરીક્ષણ અને સેન્સર-બેઝ્ડ પલ્સ એનાલિસિસ જેવા વિષયો પર ખાસ ધ્યાન આપાયું હતું.
વર્કશોપના અંતમાં, ડો. જયકૃષ્ણ જાની દ્વારા આભાર વિધિ કરવામાં આવી, જેમાં તેમણે તમામ વક્તાઓ, આયોજકો અને તમામ તાલીમાર્થીઓનો આભાર માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ વર્કશોપના અંતમાં તાલીમાર્થીઓને સર્ટિફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટિ દ્વારા યોજાયેલ આ નાડી પરીક્ષણ વર્કશોપ એક પથદર્શક પુરવાર થઇ, જેમાં આયુર્વેદની પ્રાચીન વૈજ્ઞાનિકતાનો આધુનિક ટેક્નોલોજી સાથે સમન્વય કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના પ્રયત્નો દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી દિશાઓ ખોલવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. આ અંગે વાત કરતાં માનનીય કુલપતિ શ્રી ડો. મુકુલ પટેલનું કહેવું છે કે 'આયુર્વેદમાં વિશ્વભરને સ્વસ્થ રાખવાની ક્ષમતા છે. જે રીતે ભારત સરકાર પ્રકૃતિ પરીક્ષણને વેગ આપી રહી છે, તે જ દિશામાં આગળ વધીને અત્યારના યુવાન ડોક્ટર્સ જો નાડી પરીક્ષણની પદ્ધતિ અપનાવે તો નિદાનમાં સરળતા અને સચોટતા લાવીને ભારતને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકાય. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ જ પ્રયાસ કરી રહી છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial