Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સહિત પાંચ રાજ્યમાં એચએમપીવીના ૮ કેસ નોંધાયાઃ તમામ બાળદર્દીઓ સારવાર હેઠળ

અમદાવાદ, કર્ણાટક, બેંગ્લુરૂ, પ. બંગાળ પછી હવે નાગપુરમાં બે કેસ નોંધાયાઃ

નવી દિલ્હી તા. ૭: એચએમપીવીના નવા કેસ વધીને ૮ થયા છે. દેશના વિવિધ વિભાગોમાં આ વાયરસને લઈને તંત્રો સતર્ક છે. નિષ્ણાતોના મતે ડરવાની નહીં,પણ સાવચેત રહેવાની જરૂર છે. આ વાયરસ નવો નથી.

ચીનમાં હ્યુમન મેટાન્યમોવાયરસ એટલે કે એચએમપીવીના કેસો ઝડપભેર વધ્યા પછી વિશ્વભરમાં ગભરાટ ફેલાયો છે, પરંતુ નિષ્ણાતોના મંતવ્યો મુજબ આ નવો વાયરસ નથી, અને લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ કટલીક સાવચેતીઓ રાખવાની જરૂર છે.

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આજે સવાર સુધીમાં આવેલી વિગતો મુજબ કુલ આઠ કેસ નોંધાયા છે. આ તમામ બાળદર્દીઓ છે, જેની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તબીબી નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ આ વાયરસ ભારતમાં પણ ઘણાં વર્ષોથી હાજર છે, અને આ પહેલા પણ ઘણાં કેસ નોંધાઈ ચૂક્યા છે, તેથી ગભરાટ રાખવાનું કોઈ કારણ નથી. આજે આવેલી વિગતો મુજબ અમદાવાદ, કર્ણાટક, બેંગ્લુરૂ, પ. બંગાળ પછી હવે નાગપુરમાં આ વાયરસથી સંક્રમિત નવા બાળદર્દીઓ ઉમેરાયા છે. આ વાયરસ ઓછી ઈમ્યુનિટી ધરાવતા બાળકો અને વયોવૃદ્ધ લોકોમાં ઝડપથી ફેલાઈ શકતો હોવાથી સરકારે તથા તંત્રોએ કેટલીક ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે.

અમદાવાદમાં જે બાળદર્દીને આ વાયરસનો ચેપ લાગ્યો છે, તે મૂળ રાજસ્થાનનું છે, અને વધુ સારવાર માટ અમદાવાદ પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે આ વાયરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ વાયરસની ઓળખ સૌ પહેલા વર્ષ ર૦૦૧ માં થઈ હતી. સરકાર તેના પર નજર રાખી રહી છે અને તમામ જરૂરી કદમ ઊઠાવાઈ રહ્યા છે. આઈસીએમઆર અને એનસીડીસી ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ આ વાયરસ પર નજર રાખી રહ્યું છે, અને ટૂંક સમયમાં રિપોર્ટ પણ જાહેર કરશે. ભારતમાં કોઈપણ શ્વસન વાયરસ ચે૫માં ગંભીર પ્રકારનો વધારો થયો નથી. છેલ્લા આઠ મહિનામાં જે ૧પ કેસ આવ્યા, તે તમામ સારવાર લઈને સાજા થઈ ચૂક્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.તબીબી વર્તુળો પહેલી જાન્યુઆરી-ર૦રપ થી અત્યાર સુધીના ડેટા પણ શેર કરી રહ્યા છે.

આ પહેલા ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ના ૧૦ મહિનાની બાળકનો રિપોર્ટ એચએમપીવી પોઝિટિવ આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તબીબી નિષ્ણાતો કહે છે કે આ વાયરસ જીવલેણ નહીં, પરંતુ દાયકાઓથી શિયાળામાં થતી રહેતી બીમારી છે.

શિયાળામાં શ્વસનતંત્રના સંક્રમણની સમસ્યા સામાન્ય રીતે દાયકાઓથી થતી રહી છે, અને ન્યુમોનિયા પણ આપણા માટે નવી બીમારી નથી, જો કે ચીનમાં જે ઝડપથી આ સંક્રમણ ફેલાયું, તે જોતા સર્વેલન્સ, અને સાવચેતી જરૂરી હોવાના અભિપ્રાયો પણ આવી રહ્યા છે.

આ વાયરસના લક્ષણો અને ઉપાયો તથા અટકાયતી પગલાંઓ તથા સાવધાની રાખવા અંગે પણ પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયા મારફત વ્યાપક માર્ગદર્શન અપાઈ રહ્યું છે અને જિલ્લા કક્ષાએથી પણ ગાઈડલાઈન્સ જાહેર કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh