Advertisement
Author: નોબત સમાચાર

ભારતના મિત્ર રાષ્ટ્ર ઈન્ડોનેશિયા બ્રિક્સમાં જોડાયું: અધ્યક્ષપદેથી બ્રાઝિલે કરી ઘોષણા

ચીન અને પાકિસ્તાનને ઝટકોઃ અન્ય દેશો પણ કતારમાં

નવી દિલ્હી તા. ૭: ભારતના મિત્રરાષ્ટ્ર ઈન્ડોનેશિયાની બ્રિક્સમાં એન્ટ્રી થતા ચીન અને પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. આ સંગઠનમાં જોડાવા હજુ પણ કેટલાક દેશો કતારમાં હોવાનું જાણવા મળે છે.

બ્રાઝિલ હાલમાં વિકાસશીલ દેશોના સમૂહ બ્રિક્સના અધ્યક્ષ છે. ગઈકાલે બ્રાઝિલે જાહેરાત કરી કે એક નવો દેશ ઈન્ડોનેશિયા સંપૂર્ણ સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાયો છે. ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતિ ધરાવતો દેશ છે, તેમજ પાકિસ્તાન પણ એક ઈસ્લામિક દેશ છે જે બ્રિક્સનું સભ્યપદ ઈચ્છે છે. આથી ઈન્ડોનેશિયાની બ્રિક્સમાં એન્ટ્રી પાકિસ્તાન માટે મોટો ફટકો છે.

વર્ષ ર૦ર૩ માં પાકિસ્તાને બ્રિક્સના સભ્યપદ માટે અરજી કરી હતી. ઈન્ડોનેશિયા નવી સરકાર રચાય પછી સમૂહમાં જોડાશે. પાકિસ્તાનને આશા હતી કે બ્રિક્સ સભ્યો તેના સભ્યપદને મંજુરી આપશે, પરંતુ એવું થયું નહિં. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે સમૂહના નેતાઓએ ઓગસ્ટ ર૦ર૩ માં ઈન્ડોનેશિયાના સભ્યપદને મંજુરી આપી હતી.

જો કે, ઈન્ડોનેશિયાએ ત્યાં નવી સરકર રચાયા પછી જ ઔપચારિક રીતે સમૂહમાં જોડાવાનું નક્કી કર્યું છે. વર્ષ ર૦૦૯ માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીને મળીને આ સમૂહની સ્થાપના કરી હતી. દક્ષિણ આફ્રિકા વર્ષ ર૦૧૦ માં તેમાં જોડાયું હતું. ગત્ વર્ષે ઈજિપ્ત, ઈરાન, ઈથોપિયા અને યુએઈને આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા હતાં. સાઉદી અરેબિયાને પણ તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તે હજુ સુધી તેમાં જોડાયું નથી. તુર્કીએ અઝરબૈજાન અને મલેશિયાએ ઔપચારિક રીતે સભ્યપદ માટે અરજી કરી છે. તેમજ કેટલાક અન્ય દેશો પણ બ્રિક્સ સભ્યપદ ઈચ્છે છે, અને કતારમાં છે.

ઉલ્લેખનિય છે કે, બ્રિક્સનું સભ્યપદ સર્વસંમતિથી પ્રાપ્ત થાય છે. તેનો અર્થ એ છે કે, જો તમામ સભ્યો ન ઈચ્છતા હોય, તો કોઈપણ દેશ બ્રિક્સમાં જોડાઈ શકે નહીં. ભારતે દેખીતી રીતે ઈન્ડોનેશિયાના સભ્યપદને સમર્થન આપ્યું હતું, જ્યારે પાકિસ્તાની મીડિયા દર વખતે કહે છે કે ભારત તેની સદસ્યતાને રોકી રહ્યું છે.

અમેરિકા બ્રિક્સને પશ્ચિમ વિરોધી જુથ તરીકે જુએ છે, કારણ કે તાજેતરના વર્ષોમાં રશિયા અને ચીન ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે. તે બ્રિક્સ માટે ચલણ બનાવવા માંગે છે, પરંતુ ભારત આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. બ્રિક્સ દેશો પાસે પોતાનું ચલણ હોવાના વિચારથી અમેરિકા ગુસ્સે થાય છે.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસેમ્બરમાં બ્રિક્સ ચલણને ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો વચન ન આપે કે તેઓ પોતાની કરન્સી નહીં બનાવે અને ડોલરની જગ્યાએ કોઈ અન્ય ચલણને સમર્થન નહીં આપે તો તેમણે ૧૦૦ ટકા ટેરિફ સહન કરવા તૈયાર રહેવું જોઈએ. અમેરિકા અને કોઈપણ પશ્ચિમી દેશ બ્રિક્સમાં સામેલ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh