Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં મુશળધાર મેઘવૃષ્ટિઃ ભિવંડી જળબંબાકાર

 

અમરાવતીમાં આજે અને કાલે વરસાદનું યલો એલર્ટઃ બે સબ-વે-બંધઃ સડકો જળમગ્ન

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૯: ગઈકાલથી મુંબઈમાં મેઘો મંડાયો છે અને મધ્યરાત્રિના ભારે વરસાદ પછી સડકો જળબંબાકાર બની છે. અમરાવતીમાં બે દિવસ માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ૪૮ કલાકમાં પ૯ જિલ્લામાં વરસાદની વોર્નિંગ અપાઈ છે.

મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ આર્થિક રાજધાની મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદનો કડોકો શરૂ થઈ ગયો છે. રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ થયેલા જોરદાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતા સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળેલા લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત થઈ રહેલા જળભરાવને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતા મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને ટ્રાફિક રિંગતો નજરે પડ્યો હતો.

હાલની પૂર જેવી સ્થિતિને જોતા વહીવટી તંત્ર અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયા છે. રાતભર પડેલા ધુઆધાર વરસાદની સૌથી વધુ અસર મુંબઈના અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા નિચાણવાળા વિસ્તારોમાં જોવા મળી હતી. બીએમસીના જણાવ્યા અનુસાર મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા અત્યંત મહત્ત્વપૂર્ણ અંધેરી સબવેમાં ઘૂંટણ સુધી પાણી ઘરાઈ ગયા હતાં, જેના કારણે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા આ અંડરપાસને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. આ જ પ્રકારે મલાડ સબવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી.

જો કે, મુંબઈ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા દ્વારા સત્તાવાર માહિતી આપી હતી કે સવારે વરસાદ બંધ થતા અને પાણી ઉતરી જતા અંધેરી અને મલાડ બન્ને સબવે ફરીથી વાહનો માટે ચાલુ કરી દેવામાં આવ્યા છે.

મુંબઈને અડીને આવેલા ભિવંડી શહેરમાં તો માત્ર એક જ કલાક પહેલા ભારે વરસાદે ભિવંડી મહાનગરપાલિકાના પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાંખી હતી. આખું શહેર જાણે નદીમાં ફેરવાઈ ગયું હતું અને મુખ્ય બજારો તેમજ સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ હતી. ભિવંડીના તીનબત્તી, ભાજી માર્કેટ, નિજામપુરા, આમપાડા, ખંડુપાડા રોડ અને વંજારપટ્ટી વિસ્તારોમાં સૌથી ખરાબ હાલત જોવા મળી હતી. રસ્તાઓ પર ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ જવાથી અનેક મોટરસાયકલ અને કાર અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી, જેને પગલે ચાલકોએ ગાડીઓને ધક્કા મારીવા પડ્યા હતાં. ભાજી માર્કટ અને તીનબત્તી વિસ્તારમાં વેપારીઓની દુકાનોની અંદર પાણી ઘૂસી જતા કિંમતી સામાન બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી.

ભારતીય હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય માટે આગામી ૪૮ કલાકની મોટી અને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના તાજા પૂર્વાનુમાન મુજબ ર૯ અને ૩૦ જૂનના રાજ્યના અમરાવતી જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ સિવાય મુંબઈ, ઠાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, નાસિક, પુણે, સતારા, સાંગલી, નાગપુર, ચંદ્રપુર, ગચચિરોલી, છત્રપતિ સંભાજીનગર, જાલના, અકોલા અને બુલઢાણા સહિત કુલ ર૯ જિલ્લાઓમાં વરસાદનું 'યલો એલર્ટ' જારી કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવાર અને મંગળવારે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર પવન સાથે હળવોથી મધ્યમ અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. મુંબઈ અને ઠાણે પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ જળભરાવવાળા વિસ્તારોમાં જવાનું ટાળે અને હવામાનની સ્થિતિ જાણીને જ ઘરની બહાર નીકળે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh