Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની પાઈપલાઈનના ચાલી રહેલા કામના સ્થળે સર્જાઈ દુર્ઘટનાઃ
જામનગર તા.૪ : જામનગરના ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરની પાઈપલાઈન બિછાવવાના ચાલી રહેલા કામના સ્થળે ગઈકાલે સાંજે ત્યાં ભૂગર્ભ ગટરનું ખોદકામ કરી રહેલા હિટાચી મશીનના ચાલકે બેદરકારીથી મશીન રિવર્સમાં લેતાં બે મહિલા તેની હડફેટે ચઢી ગયા હતા. એક મહિલાનું ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બીજા મહિલાના બંને પગ છુંદાઈ ગયા છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મશીનચાલક સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ઢીંચડા રોડ પર ઈકબાલ ખફી નામના આસામીના ખેતર પાસે હાલમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. તે કામના સ્થળે ગઈકાલે સાંજે હિટાચી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ત્યાંથી મધુબેન ઉર્ફે મઘીબેન નારણભાઈ સુરડીયા (ઉ.વ.૫પ) અને આયેશાબેન નામના બે મહિલા પસાર થઈ રહ્યા હતા.
આ વેળાએ હિટાચી મશીનના ચાલકે કોઈ કારણથી અચાનક જ મશીન રિવર્સમાં લેવાનું શરૂ કરતા આ મહિલાઓ મશીનની હડફેટે ચઢી ગઈ હતી. મધુબેન મશીન હેઠળ આવી જતાં તેઓનું છુંદાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આયેશાબેનના બંને પગ ચગદાઈ ગયા હતા.
આ મહિલાઓએ પાડેલી બુમના પગલે મશીન ઉભુ રાખી તેનો ચાલક મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો હતો. ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. જેમાં આ વિસ્તારના વિરોક્ષપક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચા પણ ધસી આવ્યા હતા. પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરવામાં આવતા સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ આવી ગયા હતા. જેમાં આયેશાબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિરજીભાઈ નારણભાઈ સુરડીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના સંબંધી મધુબેન અને આયેશાબેન મજૂરીકામેથી ગઈકાલે સાંજે પરત ફરતા હતા ત્યારે હિટાચી મશીનના ચાલકે તેઓને ચગદી નાખ્યા હતા. પોલીસે મશીન મૂકીને નાસી ગયેલા તેના ચાલક કમલેશ સામે ગુન્હો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ખાનગી પેઢી દ્વારા ભૂગર્ભ ગટરની પાઈપલાઈન બિછાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ગઈકાલે સાંજે ઉપરોક્ત દુર્ઘટના સર્જાઈ હતી. બનાવના પગલે મશીનના ચાલક સહિતના ત્યાં હાજર ખાનગી પેઢીના કર્મચારીઓ પણ પલાયન થઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial