Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માદરે વતનના વિસ્તાર વિકાસનું વડાપ્રધાનનું વિઝન થયું સાકારઃ ગુજરાતનું પ્રાચીન શહેર બનશે ટુરિઝમ હબ
વડનગર તા. ૧૬ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન સાકાર થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યુ છે, અને કરોડો રૃપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. તેમણે કહ્યું હતું કે, આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્ત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. ૨૫૦૦ વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતાં.
આ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૃ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરનો વિકાસ
વડનગરમાં રહેલી પ્રવાસનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વડનગરમાં વિવિધ પ્રવાસન આકર્ષણો તેમજ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બૌદ્ધ સર્કિટનો વિકાસ થઈ રહ્યો છે, જેનો એક હિસ્સો વડનગરમાંથી પસાર થાય છે. ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા. વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. વડનગરના આશરે ૪૫૦૦ વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ત્યાં બોટિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે, તેમજ ઓપન એર થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, મલ્હાર રાગ ગાઈને સંગીત સમ્રાટ તાનસેનના દેહના દાહને શાતા આપનાર વડનગરની બે બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં કરાવી હતી. તાના-રીરી મહોત્સવ આજે વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ પામ્યો છે, જેમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા કલાકારોને તાના-રીરી એવોર્ડ પણ આપવામાં આવે છે. આ સાથે જ વડનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોને તબીબી સુવિધાઓ અને સારવાર માટે વડનગરમાં અદ્યતન હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતનું વડનગર શહેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમઃ ૨૫૦૦ વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું છે. ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને ૨૫૦૦ વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. રૃા. ૨૯૮ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવા માં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ ૧૨,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી ૫૦૦૦થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના ૨૫૦૦ વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે, આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે.
પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી ૯ થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.
પ્રેરણા સંકુલઃ આધુનિક ટેકનિકની સાથે-સાથે નૈતિક મૂલ્યોના પાઠ
રૃ. ૭૨ કરોડના ખર્ચે તૈયાર થયેલું 'પ્રેરણા સંકુલ' એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. ૧૮૮૮માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા વડાપ્રધાને પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે.
પ્રેરણા સંકુલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે. આ સ્કૂલ યુવાનોને એ માર્ગ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે, જ્યાંથી વડાપ્રધાનની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી. સ્ટડી ટુર હેઠળ દેશના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અહીંયા એક સપ્તાહ સુધી ભણવા માટે આવે છે. અત્યારસુધીમાં દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ૩૬ ગ્રુપ અહીંયા ભણવા માટે આવી ચૂક્યા છે, જેમાં ૭૨૦ વિદ્યાર્થીઓ અને ૩૬૦ શિક્ષકોનો સમાવેશ થાય છે. આ પરિસરમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમને આઇઆઇટી, ગાંધીનગર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં ૯ મૂલ્ય-આધારિત વિષયો સામેલ છે.
પરિસર વિકાસકાર્ય
અમિત શાહ વડનગરના વારસાને સુરક્ષિત રાખવા માટે શરૂ કરવામાં આવેલા પરિસર વિકાસકાર્યનું અવલોકન પણ કરી રહ્યાં છે. પરિસર વિકાસકાર્ય અંતર્ગત, ચાર સંકુલમાં વારસાના સંરક્ષણ અને વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવેશ પુનઃસ્થાપન, રસ્તાનું બાંધકામ, ઇમારતનો પુનઃઉપયોગ, રાહદારીઓ માટે સંકેતો અને શેરીઓના ફર્નિચરમાં સુધાર જેવા કાર્યો હાથ ધરવામાં આવશે. પરિસરના વિકાસ દ્વારા ધરોહર યાત્રા માર્ગ તૈયાર કરવામાં આવશે, જે વડનગરના ઇતિહાસનો ઊંડાણથી અનુભવ કરવાની તક પ્રદાન કરશે. પ્રેરણા સંકુલ આ તમામ માર્ગોનું કેન્દ્રબિંદુ હશે, જ્યાં તમામ ધરોહર યાત્રાઓ સમાપ્ત થશે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
વડનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપનાનો ઉદ્દેશ ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ પ્રદાન કરવાનો અને એથલીટ્સના પ્રદર્શનને બહેતર બનાવવાની સાથે-સાથે તેમના વિકાસમાં મદદ કરવાનો છે. આ પરિસર નવી રમત-ગમત પ્રતિભાઓને બહાર લાવશે. અહીંયા પેરા સ્પોર્ટ્સ કાર્યક્રમ, વર્કશોપ્સ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરીને દિવ્યાંગ એથલીટ્સની ભાગીદારીને પ્રોત્સાહન આપીને એક સમાવેશી રમત-ગમત સંસ્કૃતિને વિકસિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
રૃા. ૩૩.૫૦ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેસક્સમાં વિવિધ પ્રકારના ઇનડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. સાથે જ, આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં ૮ લેનવાળા ૪૦૦ મીટર સિન્ટેટિક એથલેટિક ટ્રેક, એક એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખો-ખો અને વૉલીબોલ મેદાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક છાત્રાલયનું બાંધકામ પ્રગતિમાં છે, જેમાં ૧૦૦ છોકરાઓ અને ૧૦૦ છોકરીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે.
વડનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લઈ રહ્યાં છે. ૧૭મી સદીનું આ સુંદર નકશીદાર મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન આ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.
આ કાર્યક્રમમં ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યના પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, આરોગ્ય મંત્રી ઋષિકેષ પટલ, ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી, નાગરિક ઉડ્ડયન રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા વિગેરેએ પણ આજે લોકાર્પણ થયેલા વિકાસ કામોની વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial