Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રિના બે વાગ્યે ચોરીના ઈરાદે અભિનેતાના ઘરમાં ઘૂસી ગયેલા શખ્સે ચાકુના ૬ ઘા ઝીંક્યાઃ
બાન્દ્રા તા. ૧૬ઃ ગત્ મોડી રાત્રે ચોરીના ઈરાદે બોલિવૂડ એક્ટર સૈફઅલી ખાનના ઘરમાં ઘૂસેલા ચોરે ચાકુના છ ઘા ઝીંકતા ખાનને ઈજાગ્રસ્ત હાલતમાં લીલાવતી હોસ્પિટલે ખસેડાયા હતાં, જ્યાં તેની સફળ શસ્ત્રક્રિયા કરી અણીયાણી ચીજ શરીરમાંથી બહાર કાઢી હતી. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. અસલ ઘૂસણખોરની શોધખોળ ચાલી રહી છે.
બોલિવૂડ અભિનેતા સૈફઅલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના બાન્દ્રા વેસ્ટમાં આવેલા ઘરમાં ગુરુવારે વહેલી સવારે ચોરીની મોટી ઘટના બની. આ દરમિયાન સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલા કરી દેવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનની હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે, જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે સૈફ અલી ખાનને પહેલા ચપ્પાના ઘા મારવામાં આવ્યા કે પછી ચોર સાથે થયેલી અથડામણમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. બાન્દ્રા પોલીસે એફઆઈઆર નોંધી છે અને આરોપીને પકડવા માટે ટીમ પણ બનાવાઈ છે. કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. તેઓ પણ હાલમાં હોસ્પિટલમાં સૈફની સાથે છે.
અત્યાર સુધીની માહિતી અનુસાર સૈફઅલી ખાનને ગળા, પીઠ અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને અમુક ઘા ઊંડા લાગ્યા છે જેના કારણે રિકવરીમાં ટાઈમ લાગી શકે છે. લીલાવતી હોસ્પિટલ દ્વારા આ મામલે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના શરીર પર ૬ ભાગ પર ઈજાના નિશાન બન્યા છે. પોલીસે આ મામલે સીસી ટીવી દ્વારા તપાસ શરૃ કરી દીધી છે. મોડેથી મળતા અહેવલો મુજબ અભિનેતાને ખતરાથી બહાર બતાવાઈ રહ્યા છે.
લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો. નીરન ઉત્તમાણીએ જણાવ્યું હતું કે સૈફ પર તેના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં તેમને સવારે ૩-૩૦ વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તેમને છ જગ્યાએ ઈજા થઈ છે, જેમાંથી બે ગંભીર છે. એક ઈજા તેની કરોડરજ્જુ પાસે અને એક ગરદન પર થઈ હતી. ન્યુરોસર્જન નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિસ્ટ નિશા ગાંધીએ સવારે પ-૩૦ વાગ્યે તેમની સર્જરી શરૃ કરી હતી જેને સફળ ગણાવાઈ રહી છે. સૈફની ન્યુરો સર્જરી થઈ છે. તેના શરીરમાંથી બે થી ત્રણ ઈંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ કાઢવામાં આવી છે. આ છરીનો એક ભાગ હોવાનું કહેવાય છે.
જો કે, આ મામલે બાન્દ્રા પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત અભિનેતાના ઘરની અંદર અને બહારના સીસી ટીવી કૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, અને અસલ હુમલાખોરની શોધખોળ ચાલી રહી છે.
અહેવાલો અનુસાર આ ઘટનામાં સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન અને બાળકો તૈમુર અને જહાંગીર અલી ખાન સુરક્ષિત છે. બાન્દ્રા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે સૈફ અલી ખાન મુંબઈના બાન્દ્રાના પોશ વિસ્તારમાં રહે છે. અભિનેતાના ઘરમાં કડક સુરક્ષા હોવા છતાં આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.
સૂત્રોનું કહેવું છે કે સૈફના ઘરમાં એક પાઈપલાઈન છે જે તેના બેડરૃમમાં ખુલે છે. પ્રાથમિક તપાસમાં ચોર ત્યાંથી ઘરમાં ઘૂસ્યો હોવાની પ્રબળ શક્યતા છે. માહિતી મળી છે કે આયાએ નોકરાણી અને ચોર વચ્ચેની દલીલનો અવાજ સાંભળ્યો હતો. આ પછી તે તરત જ ઊભી થઈ ગઈ. પોતાના પરિવારને બચાવવા માટે સૈફે હુમલાખોર સાથે સીધી લડાઈ કરી હતી, જેમાં સૈફ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં ચોર ભાગી ગયા અને અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
સૈફની પત્ની કરીના કપૂરની ટીમ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈફ ઘાયલ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના બાકીના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમે મીડિયા અને ચાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ ધીરજ રાખે અને કોઈપણ પ્રકારની અટકળો ટાળે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસે આ મામલાની તપાસ શરૃ કરી દીધી છે. આ માટે મુંબઈ પોલીસે ૭ ટીમો બનાવી છે જે દરેક ખૂણાથી તપાસ કરી રહી છે. પોલીસ સૈફના ઘરે પહોંચી ગઈ છે અને ઘરના પાંચ કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial