Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકાર 'સ્વસ્થ અને મેદસ્વિતામુક્ત ગુજરાત' અભિયાન આખું વર્ષ ચલાવશેઃ સહયોગની અપીલ

વિશ્વ મેદસ્વિતા દિવસના અનુસંધાને ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ કરી જાહેરાતઃ

ગાંધીનગર તા. ૫: ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન  ચલાવશે. સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા.૪ માર્ચ - વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ અંતર્ગત એક નિવેદન દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહૃાા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહૃાું કે, પીએમ નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્ત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહૃાા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનએ તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ 'મન કી બાત'ના તાજેતરના એપિસોડમાં આ મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીએ વધુમાં કહૃાું કે, વડાપ્રધાનના જનહિતકારી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આહવાનોને ગુજરાતે હંમેશાં ત્વરિત અને ઉત્સાહપ્રેરક પ્રતિસાદ આપ્યો છે. તેમણે વધતી જતી મેદસ્વિતા અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે વિષયને પણ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં કરેલા નિવેદનમાં કહૃાું કે, રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટે અભિયાન ચલાવશે.

તેમણે કહૃાું કે, જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસના વડાપ્રધાનના ધ્યેયને હાંસલ કરવા અને ૨૦૪૭ સુધીમાં  વિકસિત ભારત માટે સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને મેદસ્વિતામુક્ત ગુજરાત અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો.

સ્થૂળતા એટલે શું તે સમજીએ

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર મેદસ્વિપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિની સ્થૂળતા વર્ગીકૃત કરવા માટે બીએમઆઈ એટલે કે, બોડી માસ ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે. ૨૫ કે તેથી વધુના બીએમઆઈને વધુ વજનવાળા અને ૩૦ કે તેથી વધુના બીએમઆઈને મેદસ્વિતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ બીએમઆઈ શોધવા માટે વ્યક્તિનું વજન (કિલોગ્રામ)ને તે વ્યક્તિની ઊંચાઈ (મીટર)ના વર્ગ વડે વિભાજિત કરવાનું હોય છે.

ભારત અને ગુજરાતમાં મેદસ્વિતાપણુ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એનએફએચ-૫ (૨૦૧૯-૨૦૨૧) મુજબ ભારતમાં એકંદરે ૨૪% સ્ત્રીઓ અને ૨૩% પુરૂષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં ૨૨.૬ ટકા અને પુરૂષોમાં ૧૯.૯  ટકાનું જોવા મળ્યું છે.

સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્યતઃ પરિબળો જવાબદાર છે.

મેદસ્વિતાની અસરો,

નિયંત્રણ અને નિવારણ

મેદસ્વિતાના પરિણામે હ્ય્દયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુઃખાવા તેમજ ડિપ્રેશન જેવી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ માટે વધુ પડતો ખર્ચ કરવો પડે છે. સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે. એટલું જ નહિ, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંઘ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં

કેન્દ્ર અને રાજ્ય સરકાર મેદસ્વિતા સામે ઈટ રાઈટ મુવમેન્ટ અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા સંતુલિત આહાર તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરે છે. એન.સી.ડી. અંતર્ગત રાજ્યમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે સમુદાય આધારિત સ્ક્રીનીંગ અંતર્ગત કમરનો ઘેરાવો અને બોડી માસ ઇન્ડેક્ષની તપાસ કરવામાં આવે છે અને વધુ વજન તથા સ્થુળતા જણાય તેવા વ્યક્તિઓને જરૂરી સલાહ-સૂચન અને સંદર્ભ સેવાઓ પુરી પાડવામાં આવે છે. હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી સ્થૂળતાની જટિલતાઓ માટે ચકાસણી કરવામાં આવે છે અને નિદાન પામેલ દર્દીઓને નિઃશુલ્ક સારવાર અને સંદર્ભ સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. મેદસ્વિતા-જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક વ્યક્તિ, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh