Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ- ૨૦૨૪માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની લીધી મુલાકાત
ખંભાળીયા તા. ૫: વર્ષ ૨૦૨૪માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી તેમ જણાવી પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું કે પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ છે. તે ઉપરાંત બરડા સર્કિટના નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા, મોડપરનો કિલ્લો, જાંબુવંતીની ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિતનાં સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે.
વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં પ્રવાસનના વિકાસ અંગેની વિગતો આપતાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા 'ખૂશ્બુ ગુજરાત કી' જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહૃાો છે. જે મુજબ ગત વર્ષે દેશ-વિદેશના કુલ આશરે ૧૮ કરોડથી વધારે પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
બરડા ડુંગર સર્કિટના વિકાસ અંગેની વિગતો આપતાં મંત્રી બેરાએ જણાવ્યું કે બરડા સર્કિટમાં આવેલાં નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા સુધીનો પાથ-વે, મોડપરનો કિલ્લો, જાંબુવંતીની ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિતના સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પીએમસીની નિમણૂક તથા ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના માટે આશરે રૂ. ૪૦ કરોડ જેટલી રકમનો ખર્ચ થવાનો અંદાજ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
જ્યારે બરડા સર્કિટના કિલેશ્વર મહાદેવ મંદિર પરિસરના વિકાસ માટે વન વિભાગ દ્વારા કિલેશ્વરમાં આવેલ ફોર્ટના રિનોવેશન તેમજ સમગ્ર સાઇટને હેરિટેજ તરીકે વિકસાવવા માટે રૂ. ૧૮.૪૪ કરોડની દરખાસ્ત તૈયાર કરી પ્રવાસન પ્રભાગને રજૂ કરવામાં આવી છે, જે હાલ વિચારણા હેઠળ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં, પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે પોરબંદર જિલ્લાના કર્લી (મોકરસાગર) રિચાર્જ જળાશયને રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. હાલ મોટી સંખ્યામાં વિદેશી પંખીઓ પણ અહીં આવતાં થયાં છે. વધુમાં, રૂ. ૪૦.૩૮ કરોડના ખર્ચે અસમાવતી રિવરફ્રન્ટનું કામ પૂર્ણ કરી, છાયા નગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો છે.
આ જ પ્રકારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૨.૫૦ કરોડની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં અલગ અલગ બીચના વિકાસ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ કરી, સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદર જિલ્લાના વિસાવડા અને મિયાણી બીચનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial