Advertisement
Author: નોબત સમાચાર

ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે પ્રથમ તબકકામાં રૂ. ૧૩૯ કરોડના ટેન્ડર મંજૂર

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લાની નદીઓના મુખ ત્રિકોણથી બનેલ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૨: સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે અને  ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે કુલ રૂ. ૧,૫૩૪ કરોડમાંથી પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૯ કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે. તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની બે વાર ઘેડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧,૫૩૪.૧૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે રૂ. ૧૩૯.૪૨ કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે જેની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી તેમજ પોરબંદરના પ્રભારી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રી કુંવરજીભાઈએ આ અંગે વધુ વિગતો આપતાં કહૃાું હતું કે, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સાની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે. 

તેમણે કહૃાું હતું કે, આ જટીલ પરિસ્થિતિઓના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા કન્સલટન્ટની નિમણૂક કરી, સમગ્ર વિસ્તારના સુક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ઘેડ વિસ્તારના ગામોમાં ખાસ ગ્રામસભાના આયોજનો અને વિવિધ અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘેડ વિસ્તારના અનુભવી સ્થાનિકોના સૂચનો-મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ટૂંકા, મધ્યમ અને લાંબા ગળાના ઉકેલ સૂચવામાં આવ્યા છે. અભ્યાસના તારણોની તલસ્પર્શી ચકાસણી બાદ જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ત્રણ તબક્કાઓમાં કુલ ૧૧ પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ, મંત્રી કુંવરજીએ ઉમેર્યું હતું.

જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કામગીરીની વધુ વિગતો આપતાં કહૃાું હતું કે, પ્રથમ તબક્કામાં વિવિધ નદીઓ, કેનાલો અને વોંકળાઓની વહનક્ષમતા અસરકારક રીતે વધારવા માટે વિવિધ અવરોધોને દૂર કરવા તથા નદીઓ, કેનાલો, વોંકળાઓની સાફ-સફાઇ અને ડિસીલ્ટિંગના કામો, મીઠા પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ હયાત તળાવોને ઉંડા કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની આ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રકમ રૂ. ૧૩૯.૪૨ કરોડના કામોના ટેન્ડર મંજૂર કરાયા છે જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

તેમણે કહૃાું હતું કે, બીજા તબક્કાના કામોમાં મુખ્ય નદીઓ અને વોંકળાઓ પર કાંઠા સંરક્ષણના કામો, નદી/ વોંકળા પરના હયાત સ્ટ્રક્ચરોના નવીનીકરણના કામો, મુખ્ય નદીઓના ડાયવર્ઝનના કામો, નદીઓના મુખ પર પાણીના અસરકારક નિકાલ માટેના સ્ટ્રક્ચરોના બાંધકામના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ દ્વારા અંદાજીત રૂ. ૧,૫૩૪.૧૯ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બીજા તબક્કાના કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જ્યારે આ વિસ્તારમાં ત્રીજા તબક્કામાં નદીઓના મુખો પર નવા બાંધકામો, મુખ્ય નદીઓના આંતરીક જોડાણો અને ઘેડ વિસ્તારની ઉપરવાસમાં પાણી સંગ્રહના બાંધકામો જેવા કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવશે. આ ત્રણ તબક્કાના કામો પૂર્ણ થવાથી ઘેડ વિસ્તારમાં ભરાતા વિવિધ નદીઓના પૂરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh