Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના જેદાહમાં

બે દિવસના રોકાણ દરમિયાન ૬ મહત્ત્વના કરારો થશેઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૨: વડાપ્રધાન મોદી આજથી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે જેદાર પહોંચ્યા પછી અનેક મહત્ત્વના કરાર થશે. અને ભારત-સાઉદી અરેબિયાની મિત્રતાનો નવો અધ્યાય શરૂ થશે. હજ કવોટા, અવકાશ, ઉર્જા, આરોગ્ય, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રો જેવા મુદા પર ચર્ચા થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસે સાઉદી અરેબિયા પહોંચશે. તે ૨૩ એપ્રિલ સુધી ત્યાં રહેશે. આ મુલાકાત માટે પીએમ મોદીને ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૯ પછી પીએમ મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત છે. વડાપ્રધાન મોદી બપોરે જેદ્દાહ પહોંચશે. ૪૦ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની જેદ્દાહની આ પહેલી મુલાકાત હશે. પહેલા દિવસે ભારત અને સાઉદી અરેબિયા ઓછામાં ઓછા છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક અન્ય કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથેની મુલાકાતમાં હજ સંબંધિત મુદ્દાઓ, ખાસ કરીને ભારતીય યાત્રાળુઓ માટેના ક્વોટા પર ચર્ચા કરશે. બંને દેશો વચ્ચે જે કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે તેમાં અવકાશ, ઉર્જા, આરોગ્ય, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન મોદીના આગમનના ૨૪ કલાક પહેલા વેપાર, રોકાણ અને સંરક્ષણ સંબંધિત વધારાના કરારોને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા. તેમ સુત્રો જણાવે છે. પ્રધાનમંત્રી મોદી એવી એક ફેક્ટરીની પણ મુલાકાત લેશે જ્યાં ભારતીય કામદારો કાર્યરત છે. પીએમ મોદીની આ મુલાકાત આવતા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાઉદી અરેબિયાની મુલાકાત પહેલા થઈ રહી છે. સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત સુહેલ અજાઝ ખાને જણાવ્યું હતું કે, જેદ્દાહ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે જોડાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે કારણ કે તે સદીઓથી બંને દેશો વચ્ચે વેપાર માટે એક મુખ્ય બંદર રહૃાું છે. તે મક્કાનું પ્રવેશદ્વાર પણ છે. ઉમરાહ અને હજ માટે આવનાર દરેક વ્યક્તિ પહેલા જેદ્દાહ પહોંચે છે અને પછી મક્કા જાય છે.

તેમણે વધુમાં કહૃાું કે, હજ એક ખૂબ જ મહત્વપૂર્ણ યાત્રા છે અને ભારત સરકાર તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. લઘુમતી બાબતોનું મંત્રાલય આ કાર્યક્રમનું આયોજન કરે છે. દ્વિપક્ષીય વાટાઘાટોમાં આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. હજ અંગે ભારત અને સાઉદી સરકાર વચ્ચે હંમેશાં સારો સમન્વય રહૃાો છે.

વર્ષ ૨૦૧૪માં ભારતનો હજ ક્વોટા ૧,૩૬,૦૨૦ હતો, જે ૨૦૨૫ માટે વધારીને ૧,૭૫,૦૨૫ કરવામાં આવ્યો છે. આમાંથી ૧,૨૨,૫૧૮ હજયાત્રીઓ માટેની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. જોકે, કમ્બાઈન્ડ હજ ગ્રુપ ઓપરેટરો દ્વારા કરારમાં વિલંબને કારણે આ વર્ષે લગભગ ૪૨,૦૦૦ ભારતીય યાત્રાળુઓ હજ કરી શકશે નહીં.

આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને ક્રાઉન પ્રિન્સ ૨૦૧૯માં સ્થાપિત સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બીજી બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરશે, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. પીએમ મોદીને ૨૦૧૬માં સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૨૩માં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીની રાજ્ય મુલાકાતે આવ્યા હતા. તેમણે જી૨૦ સમિટમાં હાજરી આપી હતી અને ભારત, સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંને દેશો વચ્ચે સામાજિક સાંસ્કૃતિક અને વ્યાપારિક સંપર્કોનો લાંબો ઇતિહાસ છે. નવી દિલ્હી અને રિયાધ રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્કો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh