Advertisement
Author: નોબત સમાચાર

બદલતી આબોહવા... સળગતી સમસ્યાઓ... હવે કિસાન આંદોલન ? ચિત્ત ભી મેરી, પટ ભી મેરી...!

                                                                                                                                                                                                      

આપણે આશ્ચર્ય થાય તેવી કુદરતી ઘટનાઓ બનવા લાગી છે. સાઉદી અરેબિયા કે ખાડીના અરબ દેશોમાં અને રણપ્રદેશોમાં ભારે વરસાદને કારણે પૂર આવે, હિમવર્ષા થાય અને વરસાદના કારણે ક્રિકેટની મેચો અરબ દેશોમાં રમાતી હોય તો ત્યાં અટકાવવી પડે, તેવી ઘટનાઓ કુદરતી આબોહવામાં થઈ રહેલા વ્યાપક ફેરફારો દર્શાવે છે, રણપ્રદેશોમાં, જ્યાં કાયમી પાણીની તંગી રહેતી હોય ત્યાં વરસાદ પડે, તેથી ખુશી થાય, પરંતુ એકંદરે પલટાતા હવામાનની આ સ્થિતિ ચિંતાજનક ગણાય. અને આ "કલાઈમેટ ચેઈન્જ"ને ગ્લોબલ વોર્મિંગ સાથે સાંકળીને વિશ્વભરના હવામાન શાસ્ત્રીઓ ચિંતા પણ વ્યકત કરતા રહેતા હોય છે.

કલાઈમેટ ચેઈન્જનો વિષય કાંઈ નવો નથી. અને ગ્લોબલ વોર્મીંગની ચર્ચાઓ તથ છેલ્લા કેટલાક દાયકાઓથી થતી જ રહી છે, પરંતુ વૈશ્વિક સંકલન, સહમતિ અને સાચા મનથી સહયોગના અભાવે આ સમસ્યાઓ ઘટવાના બદલે વધુ ને વધુ વકરી રહી છે. ઉ.સાઉદી અરેબિયાના તાબુક નામના પ્રદેશમાં બરફવર્ષા થઈ અને હિમાલયના બરફાચ્છાહિત શિખરો જેવા દૃશ્યો ત્યાં જોવા મળ્યા હતા. તાપમાન માયનસમાં ચાલ્યું ગયુ.

બીજી તરફ દ.એશિયાના વધુ વરસાદ ધરાવતા દેશોમાં રેકર્ડબ્રેક ગરમી તથા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય, ત્યારે આ બદલાવથી હવામાન શાસ્ત્રીઓ જ નહીં, પરંતુ મોટા ભાગના દેશોની સરકારોને પણ ચિંતા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ દુર્ભાગ્યે ટ્રમ્પ ફેઈમ તઘલખો હવે પેરિસ સમજૂતિથી દૂર ભાગી રહ્યા હોવાથી વિચિત્ર સ્થિતિ સર્જવા લાગી છે.

આ અહેવાલો વચ્ચે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી રિપોર્ટે એવું જાહેર કર્યું છે કે જો ભારતમાં આવી જ સ્થિતિ રહેશે, તો દેશને ૧૦૦ ટકા શુદ્ધ હવા મેળવવામાં ૧૮૮ વર્ષ લાગી જશે, જ્યારે ચીન આ લક્ષ્ય માત્ર ૨૫ વર્ષમાં પ્રાપ્ત કરી લેશે. દુનિયામાં સર્વાધિક પ્રદુષિત શહેરો ધરાવતા આપણા દેશમાં વધી રહેલુ હવાઈ પ્રદુષણ આપણી જ આવતી પેઢીઓની ઘોર ખોદશે. તેવા શબ્દપ્રયોગો પછી પણ આપણે કે આપણી સરકારો આ મુદ્દે જોઈએ તેટલા ગંભીર નથી, પરંતુ હવે "જાગ્યા ત્યારથી સવાર" ની નીતિ અપનાવીને પ્રદુષણો ઘટાડવાના સહિયારા પ્રયાસો કરવા અત્યંત જરૂરી છે. અને તેના સંદર્ભે સર્વપ્રથમ રાજનૈતિક સર્વસંમતિ તથા તે પછી જનચેતના જગાવી પડે તેમ છે. ડબલ્યુસીઆરના રિપોર્ટ મુજબ જો વર્ષ ૨૦૨૩માં દેશમાં માત્ર વાયુપ્રદુષણે જ ૧૭ લાખ જેટલા દેશવાસીઓનો ભોગ લીધો હોય, તો તે ખતરનાક સ્થિતિ જ ગણાય ને ?

હમણાંથી અરવલ્લીના પહાડીઓની સુરક્ષાને લઈને દેશવ્યાપી ચર્ચાઓ ચાલી રહી છે, અને તેમાં ન્યુઝ ચેનલો, અખબારો, સુપ્રિમકોર્ટનો તદ્વિષયક ચુકાદો અને સોશ્યલ મીડિયાથી લઈને કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ અંગે કરેલા ચિત્ર-વિચિત્ર નિવેદનોની ટિકા-ટિપ્પણીઓ સાથેના વિશ્લેષણો થઈ રહ્યા છે. સરકાર આ પ્રકારના અહેવાલોને ભ્રમ ગણાવે છે, ત્યારે રાજસ્થાનમાં આ મુદ્દે જનઆંદોલન શરૂ થઈ ગયા છે. આપણે પર્યાવરણનું જતન કરવાની વાતો કરીએ અને વનાચ્છાદિત કુદરતી પહાડીઓનું નિકંદન કાઢવાની તરકીબો અપનાવતા રહીએ તો તે એક પ્રકારનો દંભ જ ગણાય ને ? આપણે ટૂંકા ગાળાના ફાયદા માટે પથ્થરો, ખનિજ કે લાકડુ મેળવવા આ પ્રકારની હરકતો કરીએ છીએ, ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આ ટૂંકા ગાળાના ફાયદા પછી આપણે એ લાંબા ગાળાના મોટા નુકસાનને નોતરી રહ્યા છીએ, જે આપણી આવનારી પેઢીનું નિકંદન કાઢી નાખશે, અથવા માયકાંગલી અને લાચાર બનાવી દેશે.

ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પહાડીઓ આપણા દેશની કરોડરજ્જૂ જેવી ભૌગોલિક સ્થિતિ ધરાવે છે અને જો કરોડરજ્જૂ જ નબળી પડી જશે તો આપણો દેશ દુબળો પડી જશે અને વાંકો વળી જશે, એટલું જ નહીં, જ્ઞાનતંતુઓ સમાન આ પહાડીઓના જંગલો, નદી-નાળા, ઝરણાઓ, પ્રાણીસૃષ્ટિ અને કુદરતી સૌંદર્યો પણ નાશ પામશે, જેથી આપણો દેશ અપાહીજ (દિવ્યાંગ) બની જશે, તેનો કોઈ વિચાર "ખોદણીયા" સ્વાર્થી પરિબળો કરતા જ નહીં હોય, પરંતુ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ તો જાગૃત રહેવું જ જોઈએ ને ? જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ લે ભાગુ "ખોદણીયા" લોકોની જાળમાં ફસાઈ જશે, તો જનતાની પડખે કોણ ઊભું રહેશે, અને ખાસ કરીનેે આપણા કુદરતી રીતે સમૃદ્ધ દેશની હાલત શું થશે ? તે કોઈએ વિચાર્યું છે ખરૂ ?

ગુજરાતમાં પણ આ વર્ષે લાંબા ચોમાસા પછી માવઠાઓ થતા રહ્યા અને તેના કારણે ખેતીવાડી બરબાદ થતી રહી. રાજ્ય સરકારે મોટું મન રાખીને માવઠાથી થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કર્યું હોવાનો દાવો કર્યો અને કેટલીક સહાયની રકમ ડીબીટી ની સિસ્ટમ મુજબ ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી, પરંતુ ખેડૂતોનું દેવુ બાકી હોવાના બહાને કેટલીક બેંકોએ આ સરકારી લાભોની રકમ ખેડૂતોને મળતી અટકાવી, ત્યારે કેટલાક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રજૂઆત કરતા સરકારી તંત્રી લીડબેેંક મારફત તમામ બેંકોને આદેશ કર્યો કે સરકારી સહાયની આ રકમ બેંકો અટકાવી જ નહીં શકે. અને ચૂકવણુ કરી દેવું પડશે, હવે, તંત્રે આપેલી આ સૂચનાનો "યશ" લેવાની હોડ લાગી હોય, તેમ જણાય છે.ં

હજુ પણ આપણા રાજ્યમાં શિયાળાની અનુભૂતિ થઈ રહી નહીં હોવાથી તેના કારણોની છણાવટ થઈ રહી છે અને તેમાં "અર્બન હિટ આઈલેન્ડ" ની સ્થિતિને જવાબદાર ગણાવાઈ રહી છે, ત્યારે આપણે પ્રદુષણ અને પર્યાવરણના મુદ્દે વધુ જાગૃત બનીને સિમેન્ટના જંગલો તથા વિકાસના માચડાઓના કારણે ઉત્પન્ન થતી વધારે પડતી ગરમીને કાઉન્ટર કરવાના ઉપાયો પણ કરવા જ પડે તેમ છે. આ સ્થિતિ ગામડાઓના ભોગે થઈ રહેલા અનિચ્છનિય શહેરી વિકાસમાંથી ઊભી થતી સમસ્યાઓ તરફ અંગૂલી નિર્દેશ કરે છે. આપણે પ્રામાણિકતા પણ દેખાડવી પડે તેમ છે, કારણ કે, જ્યારે માર્કેટીંગ યાર્ડોમાં મબલખ જણસોની હરાજીના અહેવાલ આવે, ત્યારે ઘણા લોકો (કદાચ કટાક્ષમાં) એવું કહેતા પણ સંભળાતા હોય છે કે મહત્તમ ખેતીપાક બરબાદ થઈ જવા છતાં રેકોર્ડ તૂટતા હોય તો તે "મહેરબાની" જ કહેવાય ને ?

એવા અહેવાલો પણ આવ્યા છે કે ખાતરની તંગી, દેવાના ડુંગર, રવિપાકની સમસ્યાઓ વગેરે મુદ્દે આગામી બારમી જાન્યુઆરીના દિવસે કિસાનસંઘ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જબરદસ્ત આંદોલન કરશે અને તેમાં રાજ્યમાંથી હજારો ખેડૂતો એકઠા થશે. કિસાનસંઘ ખેડૂતોની દુઃખદાયી સ્થિતિ વર્ણવે છે, જ્યારે રાજ્ય સરકાર કૃષિ સહાય પેકેજના કારણે ખેડૂતો ખુશ હોવાનો દાવો કરી રહી છે, ત્યારે કેટલાક ચતુર વિશ્લેષકો એવું તારણ કાઢે છે કે ખેડૂતોના મુદ્દે "ચીત્ત ભી મેરી પટ ભી મેરી..." ની રણનીતિ અપનાવાઈ રહી છે, અને વિપક્ષો નિવેદનો કરતા રહે છે, જ્યારે શાસક પક્ષ "એક પાત્રિય અભિનય"માં માહિર છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh