Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમણાંથી યુવાનવયે હ્ય્દયરોગથી મૃત્યુના કિસ્સા વધી રહ્યાં છે, તેથી હ્ય્દયરોગને લઈને જનજાગૃતિ ફેલાવાઈ રહી છે, અને કાર્ડિયાક એટેક અથવા હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો (સિમ્ટમ્સ) અથવા સંકેતો મળતા હોય છે, તે અંગે ઝીણવટભર્યુ માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. હ્ય્દયરોગ થતો અટકાવવા અને એટેક આવે ત્યારે તેને બચાવવાના ઉપાયો પણ સમજાવાઈ રહ્યાં છે, એટલું જ નહીં, જેને હાર્ટ એટેક આવ્યો હોય, તેને બચાવવા માટે સીપીઆરની તાલીમ પણ અ૫ાતી હોય છે.
એક વ્યક્તિનો જીવ બચી જાય, તે માટે સંકેતો કે લક્ષણોના આધારે આપણે સાવચેતીના આટલા બધા કદમ ઉઠાવતા હોઈએ, ત્યારે સામૂહિક સુરક્ષા કે સંખ્યાબંધ લોકોની જિંદગી જોખમમાં હોવાના સંકેતો મળે, ત્યારે તો ખૂબ જ ઝડપી અને શ્રેણીબદ્ધ બચાવ અને સુરક્ષાના કદમ તો ઉઠાવવા જ જોઈએ ને...?
પહલગામમાં થયેલા આતંકી હૂમલા પછી આખો દેશ એક જૂથ થઈને દેશના દુશ્મનોના દાંત ખાટા કરવા સરકાર ક્યારે, કેવા અને ક્યા માધ્યમોથી વળતો પ્રહાર થશે, તેની રાહ જોઈ રહ્યો છે અને આ વખતે તો પ્રપંચી પાકિસ્તાનને ઘણું જ મોંઘુ પડે, તેવું કોઈ કદમ સરકાર ઉઠાવશે, તેવી અટકળો પણ થઈ રહી છે, અને તેની સાથેસાથે અતિશય આત્મવિશ્વાસ કે ગાફેલ રહેવું પણ પાલવે તેમ નથી તે પણ હકીકત જ છે ને...?
પાકિસ્તાનના આર્મીચીફે થોડા દિવસો પહેલા કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે, અને તેના માટે તેમનો દેશ કાંઈપણ કરી શકે છે, તેવા મતલબનું કોઈ નિવેદન કે ભાષણ કર્યું હતું અને તે પછી ભારતની ગુપ્તચાર એજન્સીઓએ પણ તાજેતરમાં જ એવી વોર્નિંગ આપી હોવાના અહેવાલો વહેતા થયા છે કે, જેની નોંધ ગંભીરતાથી લેવી જ પડે તેમ હતી. મીડિયા ડિસ્કશન મુજબ કેન્દ્રીય એજન્સીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ ઉનાળામાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત પરિબળો કાંઈક નવાજુની કરી શકે છે. ગુપ્તચાર એજન્સીઓએ એવી ચેતવણી આપી હતી કે, "પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં ઉનાળો ગરમ કરવા માટે તૈયાર છે, હવે એ ચેતવણી ખરી ઠરી છે અને પાક. સૈન્યના જનરલ મુનિરના વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષણ પછી થયેલો આતંકી હૂમલો ઘણુ બધું કહી જાય છે.
આ આતંકી હૂમલો માત્ર ઉશ્કેરણી કે ગૂમરાહ થયેલા યુવકોનું જઘન્ય કૃત્ય જ નથી, પરંતુ ઘણાં જ પ્લાનીંગ સાથે ભારત પર બહુહેતુક પ્રહાર કરવાનું ષડયંત્ર છે. આ આતંકી હૂમલામાં આતંકીઓને પીઠબળ પૂરૃં પાડનાર પાક.ની સેના તથા આઈએસઆઈના ઘણાં મિલન ઈરાદાઓ હોવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમ વધ્યુ અને ત્યાંના તમામ લોકોને શાંતિ તથા વિકાસ ગમવા લાગ્યો, તેવા સંજોગોમાં ટુરિઝમ ડેવલપમેન્ટ પર પ્રહાર કરીને તથા પર્યટકોમાં ખોફ ફેલાવીને ભારતને આર્થિક નુકસાન પહોંચાડવા તથા જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ છીન્ન-ભીન્ન કરવાનું આ ઉંડુ કાવતરૂ હોવું જોઈએ, ખરૃં ને...?
ભારતમાં મુસ્લિમો સલામત નથી, તેવો "હાઉ" ફેલાવીને દેશમાં હિન્દુ-મુસ્લિમ દંગાઓ - કોમી તોફાનો કરાવવા અને ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી કરવાનું આ ષડયંત્ર હોઈ શકે છે, પરંતુ ભારતમાં દેશભરના મુસ્લિમો તથા રાજકીય પક્ષોએ જે રીતે પહલગામના આતંકી હૂમલાને વખોડવાની સાથેસાથે જે રીતે પાકિસ્તાનને આડે હાથ લીધુ છે, તે જોતા "નાપાક" ષડયંત્રકારોને એ જવાબ તો મળી જ ગયો હશે કે ઘર આંગણે ગમે તેટલા મતભેદો હોય, પરંતુ જ્યારે દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે ભારત એક અને અતૂટ છે. ભારતના સાર્વભૌમત્વ, ગૌરવ કે સ્થિરતાને હાનિ પહોંચાડવી એટલી સરળ નથી...! મીડિયા અને અખબારોમાં છેલ્લા દસ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલી આતંકી ઘટનાઓનું વર્ણન આવી રહ્યું છે તે શું સૂચવે છે...?
આમ છતાં, આપણે હવે વધુ સાવધ અને સજ્જ પણ રહેવું પડશે. જમ્મુ-કાશ્મીરની હોટેલોની એપ્રિલના પહેલા અઠવાડિયામાં રેકી થઈ હોય, પાક. સેનાના વડાએ ભારત વિરોધી તેજાબી ભાષણ આપ્યુ હોય, ગુપ્તચર એજન્સીઓએ પણ પાકિસ્તાન ઉનાળો ગરમ કરવાની તૈયારીમાં હોવાના ઈનપુટ આપ્યા હોય, ત્યારે આ સંકેતો (સિમ્ટમ્સ) મોટી આતંકી ઘટનાની તૈયારીની હતા, તે હકીકત ગંભીરતાથી લેવાની જરૂર હતી અને જમ્મુ-કાશ્મીરના તમામ પર્યટન સ્થળોનો વધુ સઘન સુરક્ષાનું કવચ આપવાની જરૂર હતી. ખેર, હવે જાગ્યા ત્યારથી સવાર...
બીજી તરફ ગુપ્તચર એજન્સીઓ પણ કેટલાક મુદ્દે અંધારામાં રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે, જેવી રીતે કોઈ સ્થળે બોમ્બ હોવાની સાચી-ખોટી ધમકી મળે ત્યારે તે કોઈપણ માધ્યમથી અપાઈ હોય, તો પણ તેની ગંભીરતાથી તપાસ કરીને તત્કાળ એકશન લેવાતા હોય છે, તેટલું જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ સતર્કતા ગુપ્તચર સંસ્થાની ચેતવણીઓ કે પડોશી દેશમાં થતી શંકાસપદ હિલચાલ પછી રાખવી જ જોઈએ, તેટલો નક્કર બોધપાઠ તો પહલગામના આતંકી હૂમલાએ આપણને સૌને આપ્યો જ છે... નજર હટી, તો દુર્ઘટના ઘટી...!
પહેલી પ્રતિક્રિયામાં જ ભારતે અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવા, સિંધુ જળ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વીઝા રદ્દ, ભારતમાં પાકિસ્તાનનું ઉચ્ચાયુક્ત બંધ અને ઉચ્ચાયુક્તોની સંખ્યા ઘટાડવાના નિર્ણયો પછી પાકિસ્તાનમાં હલચલ વધી છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial