Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસતંત્રએ હેલ્મેટ જાગૃતિ રેલી કાઢી, મ્યુનિ. કમિશનર બખ્ખતર રેલી કાઢે..!
જામનગર તા. ૧૦: જામનગર એટલે ઢોરનગર બની ગયું હોય તેવી સ્થિતિ ઘણાં વર્ષોથી જળવાઈ રહી છે. મહાનગરપાલિકાના ભ્રષ્ટ અને નિષ્ક્રિય જ નહીં પણ તો આકરા શબ્દોમાં રોષ વ્યક્ત કરવો પડે તેમ નિર્દયી તંત્રના પાપે જામનગરમાં એક વધુ નિર્દોષ માનવજિંદગીનો ભોગ રખડતા ઢોરે લીધો છે... શરમ કરો... શરમ કરો...!
જામનગરમાં ટુ-વ્હીલર વાહનોવાળાઓને ચિંતામાં મૂકવા માટે પોલીસ વિભાગ હેલ્મેટ ફરજિયાતના નિયમની અમલવારી માટે ખૂબ જ ઉતાવળું થઈ રહ્યું છે. માર્ગ સલામતી માટે, જીવનની રક્ષા માટે અકસ્માત ન થાય તેવા ઉપાયો કે તેવા નિયમોની કડકપણે અમલવારી કરવાના બદલે અકસ્માત સર્જાય અને માથામાં ઈજા થાય તો રક્ષા કરવા માટેના કાયદાનો આકરા દંડનો દંડો ફટકારવા માટે આટલી ઉતાવળ શા માટે?
વાત અહીં રખડતા ઢોરના સંદર્ભમાં છે... શું હવે નગરજનોને ઘરની બહાર ટુ-વ્હીલર વાહન પર હીં પણ ચાલીને નીકળવુું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું... અને જે રીતે રખડતા અને ભૂરાયા થયેલા ઢોર માનવ-જિંદગીને રગદોળે છે તે જોતા બખ્તર પહેરીને નીકળવું પડે તેવી અત્યંત ખોફનાક સ્થિતિ સમગ્ર શહેરમાં જોવા મળે છે.
મ્યુનિ. કમિશનર સાહેબ અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા તંત્ર પાસે કડક હાથે કાર્યવાહી કરાવવામાં શંકાસ્પદ રીતે નિષ્ક્રિય રહ્યા છે, શાંત, સહનશીલ પ્રજાની જિંદગી જોખમતા માથાભારે માલધારીઓ વિરૂદ્ધ શા માટે આકરામાં આકરા કાયદાકીય પગલાં લેવાતા નથી? ખરેખર તો જે ઢોરમાલિકના ઢોરે માનવ જિંદગીને હણી નાંખી છે તે ઢોરમાલિક સામે સરાજાહેર હત્યા થઈ હોય, ગંભીરમાં ગંભીર ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની જરૂર છે. રાજકારણને બાજુમાં રાખીને હવે શાસક ભાજપ ૫ક્ષ તેમજ ઈલુ-ઈલુમાં વ્યસ્ત વિરોધપક્ષના કોર્પોરેટરોએ રખડતા ઢોરની સમસ્યાના ઉકેલને ટોચની પ્રાથમિક્તા આપવાનો સમય પાકી ગયો છે. મનપાના બજેટમાં દર વર્ષે ઢોરની હોેસ્ટેલ બનશે, ઢોરવાડા માટે અલગ જગ્યા ફાળવવામાં આવશે તેવી જોગવાઈઓની પૂર્તિ કરવામાં શાસકો સદંતર નિષ્ફળ ગયા છે. ઢોરને પકડવાનું તંત્ર તો વાહનોમાં ચક્કર લગાવી પગાર આરોગવા સિવાય કોઈ કામ કરતું નથી. જામનગરમાં જુના રેલવે સ્ટેશન, પંચેશ્વર ટાવર રોડ, પ્રદર્શન ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ બિનદાસપણે કાયદાની ઐસી તૈસી કરીને ઘાસચારો વેંચવામાં આવી રહ્યો છે. અરે, ખુદ શહેર ભાજપના કાર્યાલય અને પાબારી હોલ પાસે જ દરરોજ સેંકડો ઢોર અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે.
રખડતા અને ભડકતા ઢોરના કારણે જે પરિવારે નિર્દોષ પરિવારજન ગુમાવ્યા છે તે પરિવારને સમગ્ર જામનગરના શહેરીજનોએ માત્ર સાંત્વના પાઠવવાના બદલે આ પરિવારને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની જરૂર છે. ઉગ્ર જનઆંદોલન અને મોટા જનસમુદાયની લડત જ કદાચ આ બહેરા-મુંગા નિર્દય શાસકોની ઊંઘ ઊડાડી શકશે. બાકી જેણે બંધ કાચવાળી સરકારી મોટરોમાંથી રસ્તા પર નીચે પગ જ મૂક્યો નથી! જેણે એ/સી ચેમ્બરોમાં બેસીને માત્ર વિકાસની મોટી મોટી ડંફાસો જ મારી છે, તેમને જામનગર શહેરમાં પ્રવર્તિ રહેલી અતિશય જોખમી સ્થિતિનો અંદાજ ક્યાંથી આવે?
જામનગરના ખાડાખબડાવાળા માર્ગો દુરસ્ત કરાવો, ટ્રાફિક સુચારૂ થાય, લોકોને વાહનો પાર્ક કરવાની યોગ્ય સુવિધા મળે, રસ્તા પરના દાદાગીરીવાળા દબાણો દૂર થાય તે દિશામાં નક્કર નિયમિત અને કડક કામગીરી કરવાના બદલે મિટિંગો, મેળાવડાઓ, ભભકાદાર સરકારી કાર્યક્રમોમાં જ વ્યસ્ત રહી મોટા 'ભા' બનનારાઓ પ્રજાની પીડા ક્યારે સમજશે?
ઢોરની ઢીકે ચડેલા એક વૃદ્ધાએ પોતાનો મહામૂલો માનવજીવ ગુમાવ્યો છે ત્યારે આવો એક પણ બનાવ શહેરમાં ન બને તેવો સંકલ્પ લેવા અને તે માટે કડક કાર્યવાહી કરવાની તાતિ જરૂર છે, અને પ્રજાએ પણ હવે કોઈ નેતાગીરીની મોથાજી કર્યા વગર સ્વયંભૂ જનઆક્રોશ વ્યક્ત કરી શાસકો, પ્રજાના ચૂંટાયેલા નાના-મોટા પ્રતિનિધિઓ સમક્ષ આ મામલે રજૂઆત-લડત કરવાની જરૂર છે.
આશા રાખવી વધુ પડતી છે, પણ તેમ છતાં એક અખબારી ધર્મના નાતે સંબંધિત તંત્રો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રજાનીહનશીલતાનો ગેરલાભ ન ઊઠાવે તેવી અપીલ સાથે ઝડપી અને સારા નિરાકરણની આશા રાખીએ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial