Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઠ સ્થળેથી ઝડપાયો અંગ્રેજી શરાબની બોટલોનો માતબર જથ્થો: સિક્કામાંથી ચપટા કબજે

દારૂનો જથ્થો, મોબાઈલ, સ્કૂટર મળી કુલ રૂપિયા દોઢેક લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ

જામનગર તા.૧૦ : જામનગરના ઢીંચડા ગામમાં એલસીબીએ દરોડો પાડી દારૂની ૫૯ બોટલ પકડવા ઉપરાંત મયુરનગરમાંથી ૩૬ બોટલ કબજે કરી છે. ખોડિયારકોલોની તથા શંકરટેકરીમાંથી ૭૫ ચપટા મળી આવ્યા છે. ધરારનગરમાં એક શખ્સના મકાનમાંથી ૧૬ બોટલ અને બીજા મકાનમાંથી ૧૫ બોટલ ઝબ્બે લેવામાં આવી છે. સિક્કામાંથી પણ ચાર ચપટા ઝડપાયા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા જીજે ૧૦-ઇએ ૯૦૪૨ નંબરના એકટીવા સ્કૂટરને રોકાવી પોલીસે તલાસી લેતા તે સ્કૂટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી.

આ જથ્થા સાથે નિલેશ ગિરધરભાઈ રાઠોડ અને નિલેશ નરશીભાઈ ચૌહાણ નામના બે શખ્સ મળી આવ્યા છે. તેઓએ પોતાના સાગરીત દિવ્યેશ ગિરધરભાઈ રાઠોડનું નામ આપ્યું છે. પોલીસે દારૂની ચાર બોટલ, બે ફોન તથા સ્કૂટર મળી રૂ.૩૫૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરના ગુલાબનગર પાસે આવેલા પ્રભાતનગર નજીક રહેતા ધર્માનંદ ઉર્ફે ધમા તુલસીભાઈ પરમાર નામના શખ્સને ઇંગ્લિશ દારૂની એક બોટલ સાથે પોલીસે દબોચી લીધો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રી નગરની શેરી નં.૯માં આવેલા હસન અલીભાઈ ગોરી નામના શખ્સના મકાનમાં શનિવારે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી ઈંગ્લીશ દારૂના ૪૦ ચપટા કબજે કર્યા છે. દરોડા પહેલા હસન ગોરી નાસી ગયો હતો તેની શોધ કરાઈ રહી છે.

જામનગરના ઢીંચડા ગામમાં એક શખ્સના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપ તલાવડીયા, અરજણ ભાઈ, મયુરસિંહને મળતા પીઆઇ વી.એમ. લગારીયાની સૂચનાથી શનિવારે રાત્રે ત્યાં આવેલા શબ્બીર જુમાભાઈ દોદેપોત્રા ઉર્ફે શંકર નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી. આ મકાનમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બે બ્રાંડની ૫૯ બોટલ મળી આવી હતી. બોટલ કબજે કરી આ શખ્સની પૂછપરછ કરાતા તેણે આ જથ્થો મયુરનગર પાસે આઠ માળિયા આવાસ સામેની ગલીમાં રહેતા સુનિલ ઉર્ફે સાગર હમીરભાઇ માણેક પાસેથી લીધો હોવાની કબુલાત કરી છે.

ત્યારપછી શનિવારે મોડી રાત્રે એલસીબીના દિલીપ તલાવડીયા, અરજણભાઈ, મયુરસિંહની બાતમીના આધારે એલસીબી સ્ટાફે મયુરનગર, ત્રણ માળીયા આવાસના બ્લોક નં.૬/૨માં રહેતા સુનિલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેકના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી ઇંગ્લિશ દારૂની ૩૬ બોટલ સાથે સુનીલ ઝડપાઈ ગયો હતો. તેની પૂછપરછ કરાતા તેણે બોટલ જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં રહેતા શબ્બીર જુણેજા પાસેથી લીધી હોવાની કબુલાત કરી છે.

જામનગરના ધરારનગર-૨ વિસ્તારમાં આવેલા મહેબુબશા પીરની દરગાહ પાસે આવેલા એક મકાનમાં દારૂ પડ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપ તલાવડીયા, મયુરસિંહ તથા અરજણભાઈને મળતા શનિવારે મોડીરાત્રે એલસીબી સ્ટાફે ત્યાં આવેલા કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમા ઉર્ફે કિરીટ નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી ઇંગ્લિશ દારૂની ૧૬ બોટલ મળી આવી છે. મૂળ જુનાગઢ જિલ્લાના લોઈંજ ગામના આ શખ્સે દારૂનો જથ્થો સાગર હમીરભાઈ માણેક પાસેથી લીધો હોવાની કબુલાત કરી છે.

ધરારનગરમાં જ આવેલા શહીદી ચોક પાસે જાવીદ અલી મામદ સમા નામના શખ્સના મકાનમાં સિટી બી ડિવિઝનના સ્ટાફે શનિવારે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૫ બોટલ કબજે કરી છે. આ શખ્સનો રૂ.૧૦ હજારનો ફોન પણ કબજે લેવાયો છે.

જામનગર તાલુકાના સિકકામાં કારા-ભુંગા પાછળથી ગઈકાલે બપોરે જઈ રહેલા સિક્કાના રાજુ મનજીભાઈ ચૌહાણ નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂના ૪ ચપટા મળી આવ્યા હતા. તેની ધરપકડ કરાઈ છે.

જામનગરના ખોડિયાર કોલોની રોડ પરથી ગઈકાલે સાંજે જઈ રહેલા જીજે-૧૦-ડીપી ૨૨૪૫ નંબરના સ્કૂટરને રોકી તેના ચાલક અશોક ઉર્ફે મીર્ચી ખટાઉ મંગે નામના શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી દારૂના ૩૫ ચપટા મળી આવ્યા હતા. પોલીસે ચપટા તથા સ્કૂટર કબજે કરી અશોક ઉર્ફે મીર્ચીની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh