Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજના સમયમાં વ્યક્તિગત વ્યવહાર કરતા વ્યવસાયિક વ્યવહારોનું પ્રમાણ સતત વધી રહૃાું છે. બે વ્યક્તિઓ વચ્ચેનો સામાન્ય કરાર હોય, કંપની અને તેના ઉત્પાદક વચ્ચેનો કરાર હોય, માલના વેચાણ-ખરીદીનો વ્યવહાર હોય, બાંધકામનું કામ હોય કે કોઈ સેવા પૂરી પાડવાનો કરાર હોય દરેક વ્યવહારમાં હક્કો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવે છે. પરંતુ કરાર કરતી વખતે એક અત્યંત મહત્ત્વનો પ્રશ્ન ઘણી વખત પૂરતી ગંભીરતાથી વિચારવામાં આવતો નથી. આ વ્યવહારના કારણે ભવિષ્યમાં કોઈ નુકસાન થાય, કોઈ તૃતીય વ્યક્તિ દાવો કરે, કાનૂની કાર્યવાહી થાય અથવા કોઈ કાયદાકીય જવાબદારી ઊભી થાય તો તેની ભરપાઈ કોણ કરશે? આ પ્રશ્નનો જવાબ ઘણી વખત કરારમાં કરવામાં આવેલી 'વળતર'ની જોગવાઈ આપે છે.
સરળ ભાષામાં સમજીએ તો વળતર એટલે એક પક્ષ દ્વારા બીજા પક્ષને એવી ખાતરી આપવી કે કોઈ નિર્ધારિત ઘટના, પોતાના કૃત્ય, અન્ય વ્યક્તિના કૃત્ય, કરારભંગ અથવા અન્ય નિર્ધારિત કારણસર બીજા પક્ષને જે નુકસાન અથવા જવાબદારી ભોગવવી પડે તેની ભરપાઈ કરવામાં આવશે. એટલે વળતરનો કરાર માત્ર નુકસાન થયા પછી પૈસા ચૂકવવાની બાબત નથી. હકીકતમાં તે કરાર કરતી વખતે જ બંને પક્ષો વચ્ચે જોખમ કોના માથે રહેશે અને તે જોખમમાંથી બીજા પક્ષને કોણ સુરક્ષિત રાખશેતે નક્કી કરવાનું એક મહત્વનું સાધન છે.
ભારતીય કરાર અધિનિયમ, ૧૮૭૨માં વળતર અંગેની જોગવાઈ કલમ ૧૨૪ અને ૧૨૫માં કરવામાં આવી છે. કલમ ૧૨૪ મુજબ જ્યારે એક પક્ષ બીજા પક્ષને એવા નુકસાનથી બચાવવાનો કરાર કરે છે જે વચન આપનારના પોતાના વર્તનથી અથવા અન્ય કોઈ વ્યક્તિના વર્તનથી થઈ શકે, ત્યારે તે વળતરનો કરાર ગણાય છે. કલમ ૧૨૫માં આવા વળતર મેળવનારને ચોક્કસ પરિસ્થિતિઓમાં નુકસાન, ખર્ચ અને કેટલીક પરિસ્થિતિઓમાં સમાધાન હેઠળ ચૂકવેલી રકમની વસૂલાત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે, વળતર અંગેના કાયદાની સમજ માત્ર આ બે કલમોના શબ્દો પૂરતી મર્યાદિત નથી. કરારમાં પક્ષકારોએ પોતાની વચ્ચે જે જવાબદારીઓ સ્વીકારી હોય તેની વ્યાપ્તિ કરારની ભાષા, પક્ષકારોનો આશય અને વ્યવહારની પરિસ્થિતિઓ પરથી પણ નક્કી થઈ શકે છે.
વળતર અને જામીનને એક જ માનવું યોગ્ય નથી. બંનેનો હેતુ જોખમ સામે રક્ષણ આપવાનો હોય તેમ જણાય છે, પરંતુ બંનેની કાનૂની રચના અલગ છે. વળતરના કરારમાં એક પક્ષ બીજા પક્ષને ચોક્કસ નુકસાન અથવા જવાબદારીથી સુરક્ષિત રાખવાની સીધી જવાબદારી સ્વીકારે છે, જ્યારે જામીનના કરારમાં સામાન્ય રીતે કોઈ તૃતીય વ્યક્તિ પોતાની જવાબદારી પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તે જવાબદારી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવે છે. તેથી કરારમાં માત્ર કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના આધારે જ તેની કાનૂની પ્રકૃતિ નક્કી થતી નથી. સમગ્ર કરાર વાંચીને પક્ષકારોએ વાસ્તવમાં કઈ જવાબદારી સ્વીકારી છે તે જોવું જરૂરી બને છે.
વ્યવસાયિક વ્યવહારોમાં વળતરની જોગવાઈ અનેક પ્રકારના કરારોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, કોઈ કંપની પોતાના નામે કોઈ ઉત્પાદન બજારમાં વેચે અને તેનું ઉત્પાદન બીજી સંસ્થા કરતી હોય, તો ઉત્પાદનની ગુણવત્તા, ભેળસેળ, દૂષિતતા, કાયદાકીય ધોરણોનો ભંગ અથવા ઉત્પાદનના કારણે ગ્રાહક તરફથી દાવો થાય તો કંપનીને જે નુકસાન થાય તેની જવાબદારી ઉત્પાદક પર મૂકવા માટે વળતરની જોગવાઈ કરવામાં આવી શકે છે. તેવી જ રીતે માલ વેચનાર પાસેથી ખરીદનારને માલના માલિકી હક્ક અંગે કોઈ તૃતીય વ્યક્તિનો દાવો થાય તો વેચનાર દ્વારા ખરીદનારને વળતર આપવાની જોગવાઈ થઈ શકે છે.
સેવા પૂરી પાડવાના કરારમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. કોઈ સેવા આપનારની બેદરકારી, કરારભંગ અથવા કાયદાનું પાલન ન કરવાના કારણે ગ્રાહક સામે કોઈ દાવો થાય તો તેનાથી ઊભી થતી જવાબદારી સેવા આપનાર ઉઠાવશે કે નહીં તે કરારમાં સ્પષ્ટ કરી શકાય છે. બાંધકામના કરારમાં કામદારોની સુરક્ષા, તૃતીય વ્યક્તિને થતી ઇજા, મિલકતને થતું નુકસાન અથવા કાયદાકીય મંજૂરીઓના અભાવથી ઊભી થતી જવાબદારી અંગે વળતરની જોગવાઈ મહત્વની બની શકે છે. બૌદ્ધિક સંપત્તિના હક્કોના ભંગ, કરવેરા સંબંધિત જવાબદારી, પર્યાવરણ સંબંધિત કાયદાનો ભંગ, ગ્રાહક ફરિયાદો તથા વિવિધ સરકારી નિયમોના ઉલ્લંઘનથી ઊભી થતી જવાબદારીઓમાં પણ આવી જોગવાઈનું વિશેષ મહત્વ છે.
આથી વળતરની જોગવાઈને કરારની સામાન્ય અને ઔપચારિક શરત માનીને અવગણવી ગંભીર ભૂલ બની શકે છે. વ્યવસાયિક કરારમાં દરેક પક્ષકાર પોતાના નિયંત્રણ હેઠળના જોખમો બીજા પક્ષ પર ન જાય તે ઇચ્છે છે. બીજી તરફ, જે પક્ષ કોઈ ચોક્કસ કાર્ય પોતાના હાથમાં લે છે તેની સાથે જોડાયેલા જોખમોની જવાબદારી પણ તે જ પક્ષે સ્વીકારવી જોઈએ. વળતરની જોગવાઈ આ બંને બાબતો વચ્ચે સંતુલન સાધે છે અને વ્યવહાર શરૂ થાય તે પહેલાં જ જોખમનું વિતરણ નક્કી કરે છે.
આ જ કારણસર વળતરની જોગવાઈ લખતી વખતે માત્ર થયેલા તમામ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે એવું સામાન્ય વાક્ય પૂરતું નથી. કયા કૃત્ય અથવા ઘટનાથી વળતરની જવાબદારી ઊભી થશે, કયા પ્રકારનું નુકસાન તેમાં આવરી લેવામાં આવશે, તૃતીય વ્યક્તિના દાવાનો સમાવેશ થશે કે નહીં, કાનૂની કાર્યવાહી પાછળ થયેલો ખર્ચ કોણ ભોગવશે, સરકારી અથવા નિયમનકારી કાર્યવાહીથી ઊભી થયેલી જવાબદારી કોણ ઉઠાવશે અને કરાર પૂરો થયા પછી પણ આ જવાબદારી કેટલા સમય સુધી ચાલુ રહેશે આ તમામ બાબતો સ્પષ્ટ હોવી જરૂરી છે.
ખાસ કરીને તૃતીય વ્યક્તિના દાવા અંગેની જોગવાઈ અત્યંત મહત્વપૂર્ણ છે. માની લો કે બે પક્ષો વચ્ચેનો કરાર પૂરો થઈ ગયો છે, પરંતુ કરારના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કાર્યના કારણે કોઈ ગ્રાહક અથવા અન્ય વ્યક્તિ થોડા સમય પછી દાવો કરે છે. આવા સંજોગોમાં કરાર સમાપ્ત થઈ ગયો હોવાથી વળતરની જવાબદારી પણ સમાપ્ત થઈ જશે
કે નહીં, તે કરારમાં સ્પષ્ટ હોવું જોઈએ. તેવી જ રીતે દાવાની જાણ બીજા પક્ષને ક્યારે કરવી, દાવાનો બચાવ કોણ કરશે, સમાધાન કોણ કરી શકશે અને કાનૂની ખર્ચ કોણ ઉઠાવશે તે અંગે સ્પષ્ટતા ન હોય તો વળતરની જોગવાઈ હોવા છતાં નવો વિવાદ ઊભો થઈ શકે છે.
વળતરની જોગવાઈમાં જવાબદારીની મર્યાદા નક્કી કરવી કે નહીં તે પણ વ્યવસાયિક વાટાઘાટનો મહત્વનો વિષય છે. કેટલીક પરિસ્થિતિઓમાં પક્ષકારો વળતરની જવાબદારી ચોક્કસ રકમ સુધી મર્યાદિત રાખે છે, જ્યારે છેતરપિંડી, જાણપૂર્વક કરેલા કરારભંગ, બૌદ્ધિક સંપત્તિના હક્કોના ભંગ અથવા કાયદાના ગંભીર ઉલ્લંઘન જેવી ચોક્કસ પરિસ્થિતિઓમાં કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. કઈ જવાબદારી મર્યાદિત રાખવી અને કઈ જવાબદારી માટે સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી તે વ્યવહારની પ્રકૃતિ અને પક્ષકારો વચ્ચેના જોખમના પ્રમાણને ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ.
આ સાથે એ પણ મહત્વનું છે કે વળતરની જોગવાઈ એકતરફી અને અતિશય વ્યાપક ન બને. કોઈપણ અને તમામ નુકસાન જેવી અસ્પષ્ટ ભાષા પક્ષકારને અનિશ્ચિત જવાબદારીમાં મૂકી શકે છે. બીજી તરફ, વળતરની જોગવાઈ એટલી સંકુચિત પણ ન હોવી જોઈએ કે જે મુખ્ય જોખમ સામે રક્ષણ આપવા માટે તે બનાવવામાં આવી છે તે જ તેમાં આવરી ન લેવાય. તેથી સારા કરારનું રહસ્ય માત્ર વળતરની જોગવાઈ રાખવામાં નથી, પરંતુકઈ પરિસ્થિતિમાં, કયા નુકસાન માટે, કેટલા સમય સુધી અને કેટલી હદ સુધી જવાબદારી રહેશે તે સ્પષ્ટ રીતે નક્કી કરવામાં છે.
ન્યાયાલય સમક્ષ વળતરની જોગવાઈનું અર્થઘટન કરતી વખતે કરારમાં વપરાયેલા શબ્દોનું વિશેષ મહત્વ રહે છે. પક્ષકારોએ કઈ જવાબદારી સ્વીકારી હતી, કઈ પરિસ્થિતિ માટે વળતર આપવાનું નક્કી કર્યું હતું અને જોગવાઈનો વ્યાપ કેટલો હતો તે કરારની સમગ્ર રચના પરથી નક્કી થઈ શકે છે. તેથી વળતરની જોગવાઈ બનાવતી વખતે ભવિષ્યમાં વિવાદ ઊભો થાય ત્યારે તેનો અર્થ શું કાઢી શકાય તે અંગે પણ વિચાર કરવો જરૂરી છે.
ખાસ કરીને આજના સમયમાં જ્યારે ઉત્પાદન અને વેચાણની સાંકળમાં ઉત્પાદક, બ્રાન્ડ માલિક, વિતરક, પેકિંગ કરનાર, સેવા આપનાર અને વેચનાર જેવા અનેક પક્ષકારો જોડાયેલા હોય છે, ત્યારે એક પક્ષની ભૂલથી બીજા અનેક પક્ષો પર કાયદાકીય અને આર્થિક જવાબદારી આવી શકે છે. આવી પરિસ્થિતિમાં યોગ્ય વળતરની જોગવાઈ દરેક પક્ષકાર માટે જોખમનું રક્ષણકવચ બની શકે છે. પરંતુ તે રક્ષણકવચ કેટલું મજબૂત છે તે તેની ભાષા અને વ્યાપ પર આધારિત છે.
અંતે એટલું કહી શકાય કે કોઈપણ વ્યવસાયિક કરારમાં કિંમત, ચુકવણી, માલની સપ્લાય, સમયમર્યાદા અને કરાર સમાપ્ત કરવાની જોગવાઈ જેટલું જ મહત્વજોખમની જવાબદારી કોની રહેશેતેનું છે. કરાર કરતી વખતે જો આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપવામાં ન આવે તો વ્યવહાર દરમિયાન ઊભા થયેલા નુકસાનની જવાબદારી નક્કી કરવા માટે પક્ષકારોને વિવાદ અને ન્યાયાલયનો આશરો લેવો પડી શકે છે.
સારી વળતરની જોગવાઈનો હેતુ વિવાદ થયા પછી એક પક્ષને બીજા પક્ષ પાસેથી પૈસા અપાવવાનો નથી. તેનો સાચો હેતુ તો એ છે કેવિવાદ ઊભો થાય તે પહેલાં જ બંને પક્ષોને ખબર હોય કે કયા જોખમની જવાબદારી કોની છે.આ દૃષ્ટિએ જોવામાં આવે તો વળતરની જોગવાઈ કરારનો માત્ર એક ભાગ નથી, પરંતુ સમગ્ર વ્યવસાયિક વ્યવહારમાં જોખમનું પૂર્વનિર્ધારણ અને જવાબદારીનું સુવ્યવસ્થિત વિતરણ કરતું એક મહત્ત્વપૂર્ણ કાનૂની સાધન છે.
ધ્વનિ લાખાણી એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial