Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને સિંગલ ડિજિટમાં બેઠકો મળી, ત્યારે દેશભરમાં તેની જેઓએ હાંસી ઉડાવી હતી અને વ્યંગબાણો છોડ્યા હતા, તે નેતાઓ અત્યારે સુનમુન થઈ ગયા હોય તેમ લાગે છે, કારણ કે પંજાબની પ્રજાએ પૂરવાર કરી દીધું છે કે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો અને ખાસ કરીને ભાજપની પંજાબમાં જગ્યા જ નથી. પંજાબમાં ૩૪૬ ઝોનમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને માત્ર ૭ બેઠક જ મળી છે, જે કુલ ઝોનની સંખ્યાની દૃષ્ટિએ માત્ર બે ટકા જ થાય છે !
અહેવાલો મુજબ પંજાબ જિલ્લા પરિષદોની ચૂંટણીઓમાં ૩૪૮ ઝોનમાંથી ૨૧૮ ઝોન પર આમઆદમી પાર્ટીનો ઝાડુ ફરી વળ્યો છે, તો ૬૨ ઝોનમાં કોંગ્રેસનો પંજો પડ્યો છે. પંજાબમાં વર્ષો સુધી શાસન કરનાર શિરોમણી અકાલીદળને પણ માત્ર ૪૬ બેઠકો મળી છે. પંજાબની જિલ્લા પરિષદો પૈકી ૧૦માં અપક્ષો જીત્યા છે, જ્યારે ભાજપ અપક્ષોમાંથી પણ પાછળ ધકેલાઈને ૭ ઝોનમાં સમેટાયું છે, જ્યારે ૩ ઝોનમાં બસપા જીતી છે. ૨૨ ઝોનમાં તો આમઆદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો છે. આ પરિણામો ભાજપ માટે તો શરમજનક છે જ, પરંતુ કોંગ્રેસ માટે પણ ચિંતનનો વિષય છે, કારણ કે એક સમયે પંજાબમાં ટોપ ટુ બોટમ કોંગ્રેસનું શાસન હતુ, અને આજે રાજ્યનો બીજા નંબરનો વિજય મેળવવા છતાં આમઆદમી પાર્ટીથી કોંગ્રેસ ઘણી જ પાછળ રહી ગઈ છે.
ટકાવારીની દૃષ્ટિએ બેઠકોની સંખ્યા મુજબ આમઆદમી પાર્ટીને જિલ્લા પરિષદોમાં ૬૩ ટકા અને પંચાયત સમિતિઓમાં ૫૪ ટકા બેઠકો મળી છે. પંજાબમાં આમઆદમી પાર્ટીએ વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે, તેમ પણ કહી શકાય. પંચાયત સમિતિઓમાં પણ આમઆદમી પાર્ટીનો દબદબો રહ્યો છે. પંચાયત સમિતિઓ ૧૫૩ છે, જેના ૨૮૩૮ વિભાગો (ઝોન)માંથી આપને ૧૫૩૧, કોંગ્રેસને ૬૧૨ વિભાગ, શિરોમણી અકાલીદળને ૪૪૫ વિભાગ, ભાજપને ૭૩ વિભાગ અને અન્ય પક્ષો તથા અપક્ષોને ૧૪૪ વિભાગોમાં વિજય મળ્યો છે. આ પરિણામોએ પંજાબના વર્તમાન વિપક્ષોને ઝટકો આપ્યો છે, તે ભાજપને તો ધોઈ જ નાખ્યું હોય, તેવો જનાદેશ આપ્યો છે.
આ પરિણામો પછી દિલ્હીમાં પછડાટ ખાઈ ચુકેલા "આપ"ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને કળ વળી ગઈ હોય, એ તો સ્વાભાવિક જ છે, પરંતુ ચિરપરિચિત અંદાજના તેજતર્રાર નેતા પણ પુનઃ પ્રગટવા લાગ્યા છે.
આ રિઝલ્ટ આવ્યા પછી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદમાં રણટંકાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે પંજાબમાં સંપૂર્ણ ગ્રામ્ય ક્ષેત્રમાં સ્વીપ કર્યું છે. કેજરીવાલે આ પ્રચંડ વિજયના કારણો પણ વર્ણવ્યા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પીઠ પણ થાબડી. તેમણે "નશા વિરોધી યુદ્ધ" અભિયાનના આંકડા આપી તેની ફલશ્રુતિઓ પણ વર્ણવી.
કેજરીવાલે પંજાબમાં બનેલા અદ્યતન માર્ગો, ખેડૂતોને આઠ કલાક વીજળી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારણાઓ વગેરેના આંકડાઓ આપીને પંજાબની જનતાએ "આપ"ને અપનાવીને ભાજપ-કોંગ્રેસને ઠુકરાવી દીધી હોવાનો દાવો પણ કર્યો. માન-કેજરીવાલની આ પ્રેસ કોન્ફરન્સ જોઈને બિહાર ચૂંટણીમાં વિજય પછી ભાજપના નેતાઓનો ઉન્માદ અને તે સમયની પ્રેસ કોન્ફરન્સો પણ યાદ આવી ગઈ. બિહારમાં કોંગ્રેસની જે દશા થઈ હતી, તેવી જ દશા પંજાબમાં ભાજપની થઈ છે, તેથી જ કહેવાય છે ને કે કાચના ઘરમાં રહેનારે પથ્થરો ફેંકવા ન જોઈએ. એક ગુજરાતી કવિએ પણ એક કવિતામાં ખરતા પાનને જોઈને હસતી કળીઓને ઉદ્દેશીને લખ્યું હતું કે, "મુજ બીતી તુજ બીતસે...ધીરી બાપુડિયા !"
જો કે, પંજાબમાં જ્યારે શિરોમણી અકાલીદળ અને ભાજપનું ગઠબંધન હતું અને રાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એ ગઠબંધનની બોલબાલા હતી, ત્યારે પણ ત્યાં (પંજાબમાં) ભાજપની ભૂમિકા નાનાભાઈ જેવી જ હતી અને ગઠબંધનનું નેતૃત્વ શિરોમણી અકાલીદળ જ મોટાભાગે કરતુ રહ્યું હતું, તો બીજી તરફ પંજાબમાં દાયકાઓ સુધી ટોપ ટુ બોટમ સત્તામાં રહેલી કોંગ્રેસની સરકાર પણ કેપ્ટન અમરિન્દસિંહ સુધી ચાલી હતી. તેથી પંજાબમાં આમઆદમી પાર્ટીનો વિકલ્પ કોંગ્રેસ જ બની શકે તેમ છે, કારણ કે ભાજપ અને અકાલીદળનું ગઠબંધન તૂટી ગયું છે, તેથી આમઆદમી પાર્ટીએ પણ વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેવાની ભૂલ કરવા જેવી નથી.
જો કે, પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા લોકસભાની ચૂંટણીઓમાં વોટીંગ પેટર્ન એકસમાન જ રહેશે, તેવું કોઈ ગેરંટીથી કહી શકે તેમ નથી અને ઘણી વખત આ ત્રણેય સ્તરે અલગ-અલગ પાર્ટીઓ અથવા ગઠબંધનોનું શાસન રહ્યું હોય, તો ઈતિહાસ પણ આપણાં દેશમાં ઘણાં રાજ્યોમાં છે, તેથી બીજા ક્રમે રહેલી કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવાના બદલે તેનું મુખ્ય વિપક્ષ તરીકે સન્માન કરવું, એ લોકતાંત્રિક કર્તવ્ય પણ છે અને રાજકીય શાણપણ પણ ગણાય, રાઈટ ?
આ પ્રકારના અભિપ્રાયો એટલા માટે વ્યક્ત થઈ રહ્યા છે કે ગઈકાલે પંજાબની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આમઆદમી પાર્ટીને ઝળહળતી સફળતા મળ્યા પછી વિજય સરઘસો નીકળ્યા, તે સમયે ગોળીબાર થયો, હિંસક ટકરાવ થયો અને કેટલાક લોકોને ઈજા પહોંચી. મીડિયા અહેવાલો મુજબ બીજા ક્રમે રહી હોવા છતાં ઘણી પાછળ રહી ગયેલી કોંગ્રેસ પરાજય પચાવી શકી નહીં હોવાના આક્ષેપો થયા, તો અન્ય અહેવાલો મુજબ "આપ" અને "કોંગ્રેસ" ના કાર્યકરો પરસ્પર ટકરાતા અથડામણ થઈ હતી. આ પ્રકારની અથડામણો તથા આમઆદમી પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનમાં રહેવા અંગે બદલેલા વલણના કારણે થઈ રહી હોવાની પણ ચર્ચા છે. અત્યારે તો પંજાબમાં "આપ"નો પરચમ લ્હેરાયો છે, તે નક્કર વાસ્તવિકતા છે, અને આ વિજયની અસર ગુજરાતના કાર્યકરો પર પણ થવાની જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial