Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિત્રોમાં ત્રણ દિવસ અગાઉથી ચુનિયાએ જાણ કરી દીધી હતી કે શ્રાવણ માસ શરૂ થાય એટલે વાતાવરણમાં ભક્તિનો માહોલ જ જોઈએ.
આ શ્રાવણમાં હું ઉપવાસ કરીશ.
આ જાહેરાત સામાન્ય જાહેરાત નથી હોતી. એમાં એવો આત્મવિશ્વાસ હોય જાણે સંસદમાં કોઈ ઐતિહાસિક બિલ પસાર થયું હોય.
સવારે ઊઠીને નાહીધોઈને તેણે ગંભીર ચહેરે કહૃાું, આ વખતે શ્રાવણના બધા દિવસ ઉપવાસ. એકદમ પાકો સંકલ્પ.
ઘરના લોકોએ પણ તેને એવી નજરે જોયો જાણે ઘરમાં કોઈ સંતનો જન્મ થયો હોય.
મમ્મીએ પૂછ્યું, ચા ચાલશે? ના.
દૂધ? હા, દૂધ ચાલશે. ફળ? હા. સાબુદાણા? હા. બટાકા? ચાલે. શિંગદાણા? ચાલે.
આ સાંભળીને મને લાગ્યું કે આ ઉપવાસ કરતાં વધુ તો ખાદ્યપદાર્થોની કાનૂની છટણી ચાલી રહી છે. પણ સંકલ્પ મજબૂત હતો.
સવારે ચુનિયાએ મોબાઇલમાં ભગવાનનો ફોટો મૂક્યો અને સ્ટેટસ પણ મૂક્યું શ્રાવણનો પહેલો દિવસ ઉપવાસ. હર હર મહાદેવ.
સ્ટેટસ મૂક્યા પછી તેને એટલો સંતોષ થયો કે જાણે અડધો ઉપવાસ તો એ જ ક્ષણે થઈ ગયો હોય.
બપોર સુધી બધું બરાબર ચાલ્યું. ફળ ખાધાં, દૂધ પીધું અને વચ્ચે બે-ત્રણ વખત ઘડિયાળ જોઈ. સાંજે પાંચ વાગ્યે તેના ચહેરા પર આધ્યાત્મિક તેજ કરતાં થોડું વધારે ભૂખનું તેજ દેખાવા લાગ્યું. ત્યાં જ ઘરમાંથી અવાજ આવ્યો અરે, ગરમ ગાંઠિયા આવ્યા છે!
આ ચાર શબ્દો શ્રાવણના ઉપવાસી માટે માત્ર સમાચાર નથી. એ તો તેની આધ્યાત્મિક પરીક્ષાની અંતિમ ઘંટડી છે.
ચુનિયાએ પોતાને સમજાવ્યું હું ઉપવાસમાં છું. ગાંઠિયા મારા માટે નથી. પણ ગાંઠિયાની સુગંધે જાણે જવાબ આપ્યો
અમે તારા માટે જ આવ્યા છીએ. ગરમ ગાંઠિયા હોય અને ઘર આખું એની સુગંધથી ભરાઈ જાય ત્યારે મનુષ્યનું મન અને સંકલ્પ વચ્ચે જે સંવાદ થાય છે, તે કોઈ શાસ્ત્રમાં લખાયેલો નથી.
મન કહે, એકાદ ગાંઠિયો ખાઈ લઈએ.
બુદ્ધિ કહે, ના! સંકલ્પ કર્યો છે.
મન કહે, પણ આ તો ગરમ છે.
બુદ્ધિ કહે, ગરમ હોય તો શું થયું?
મન કહે, ઉપરથી મરચાં પણ છે.
બુદ્ધિ થોડા સમય માટે ચૂપ.
પછી મન ફરી કહે, એક ખાઈએ તો કોઈને ખબર નહીં પડે.
બુદ્ધિ કહે, ભગવાનને તો ખબર પડશે.
મન તરત જવાબ આપે, ભગવાન તો દયાળુ છે.
આ તબક્કે ઉપવાસનો પ્રશ્ન ધાર્મિક ન રહે, કાનૂની બની જાયજો માત્ર એક ગાંઠિયો ખાઈએ તો તેને ઉપવાસભંગ ગણાય કે 'ચાખવું' ગણાય?
ચુનિયાએ આખરે રસોડામાં જઈને ગાંઠિયાની પ્લેટને દૂરથી જોઈ.
ઘરના એક સભ્યે પૂછ્યું, લેશો?
ના. એક. ના, ઉપવાસ છે.
ગરમ છે. એટલે જ તો ના!
આ જવાબમાં સંકલ્પ કરતાં વધારે સંઘર્ષ હતો.
થોડી વાર પછી કોઈએ કહૃાું, ચાલો, ગાંઠિયા નહીં ખાવા હોય તો ઓછામાં ઓછું સૂંઘી લો.
ચુનિયાએ તેને એવી નજરે જોયો કે જાણે તેને ઉપવાસની મજાક ઉડાવવાનો આરોપ લાગ્યો હોય.
પણ સાચી મુશ્કેલી અહીંથી શરૂ થઈ.
ગાંઠિયા ખાઈ ન શકાય, પરંતુ તેમની ચર્ચા તો થઈ શકે ને!
આ ગાંઠિયા ક્યાંથી આવ્યા?
ફલાણા ભાઈની દુકાનના. મરચા બરાબર છે? હા, એકદમ. કરકરા છે? ખૂબ.
આ વાતચીતમાં ચુનિયાનું યોગદાન ઘટતું ગયું. શરૂઆતમાં તે હું નથી ખાતો કહેતો હતો. પછી માત્ર હં કહેવા લાગ્યો.
અંતે તેણે પ્લેટને ફરી એકવાર જોયી.
એક હિંગ અને મરીથી ભરપુર ગાંઠિયો જાણે ખાસ તેની તરફ જોઈ રહૃાો હતો.
તે ક્ષણે ચુનિયાને લાગ્યું કે આ માત્ર ગાંઠિયો નથી. આ તો તેના સંકલ્પનો પ્રતિસ્પર્ધી છે. તેણે આંખો બંધ કરી અને ભગવાન શિવને યાદ કર્યા. હે ભોળાનાથ, મને શક્તિ આપો. એ જ સમયે પાછળથી અવાજ આવ્યો ચટણી પણ છે!
મિત્રએ આંખો ખોલી. હવે આ આધ્યાત્મિક પરીક્ષા નહોતી રહી. આ તો ખુલ્લો પડકાર હતો.
થોડી વાર પછી તેણે આખરે નિર્ણય કર્યો...
હું ગાંઠિયા નહીં ખાઉં. પણ બાજુમાં બેસીને તમે લોકો ખાઓ એ જોઈશ.
ઘરના લોકોએ કહૃાું, એમાં શું ફાયદો? ચુનિયો બોલ્યો, મનને સમજાવું છું.
મન અંદરથી બોલ્યું, મને સમજાવવાની જરૂર નથી. મને ગાંઠિયા જોઈએ.
ઉપવાસની સૌથી રસપ્રદ વાત એ છે કે તમે આખો દિવસ ખાવાનું ટાળો છો, પણ ખાવાના વિચારો સાથે તમારો સંબંધ અચાનક વધુ ગાઢ બની જાય છે.
સામાન્ય દિવસે માણસ નાસ્તો કરે અને ભૂલી જાય. ઉપવાસના દિવસે માણસ નાસ્તો ન કરે અને આખો દિવસ નાસ્તા વિશે વિચારે. સામાન્ય દિવસે રસોડામાંથી આવતી સુગંધ માત્ર સુગંધ હોય છે. ઉપવાસના દિવસે એ સુગંધનું પોતાનું વ્યક્તિત્વ હોય છે.
સામાન્ય દિવસે ગાંઠિયા માત્ર ગાંઠિયા હોય છે. ઉપવાસના દિવસે તે ગરમ, કરકરા, મસાલેદાર અને જીવનના તમામ સુખોનું પ્રતિનિધિત્વ કરતા લાગે છે.
અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે ઉપવાસ કરનારને ઘરના લોકો ખૂબ પ્રેમથી ખવડાવવા લાગે છે.
આ ખાઈ લો. આ ઉપવાસમાં ચાલે છે. આ તો ફરાળી છે. આમાં અનાજ નથી.
આ રીતે ઉપવાસ કરનારના આગળ આખી ફરાળી દુનિયા પાથરી દેવામાં આવે છે.
અંતે ગાંઠિયાએ ચુનિયાને હરાવી દીધો. કુટુંબીનો માન રાખવા એણે ગાંઠીયા ખાધા નહીં, આરોગ્યા.
બીજા દિવસે સવારે તેનું સ્ટેટસ બદલાઈ ગયું.
સંકલ્પ આજથી યથાવત છે.
મને સમજાયું કે શ્રાવણમાં ઉપવાસ કરવો સહેલો છે, પણ ઘરમાં ગરમ ગાંઠિયા આવે ત્યારે સંકલ્પને યથાવત્ રાખવો એ જ સાચી સાધના છે.
ભગવાન કદાચ ભક્તિની કસોટી મંદિરમાં નહીં, પણ ક્યારેક રસોડામાં રાખે છે.
અને એ કસોટીમાં ઘંટ નથી વાગતો...
ગાંઠિયાની સુગંધ આવે છે!
વિચારવાયુઃ- સારા ગાંઠિયા ખાવા હોય તો સૌરાષ્ટ્ર માં આવવું પડે પરંતુ હા ''શોભાના ગાંઠીયા'' ગમે ત્યાં મળે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial