Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ભોજાબેડીના યુવાને વ્યાજખોરોના ત્રાસથી વખ ઘોળ્યુઃ જી. જી. હોસ્પિટલમાં દાખલ

ચાર-ચાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને આત્મહત્યાનો પ્રયાસઃ પોલીસ તપાસ શરૂ

જામનગર તા. ૧૦: જામજોધપુરના વધુ એક યુવાને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઝેરી દવા પી લેતા હાલ સારવાર હેઠળ છે. પિતાના ઓપરેશન માટે સૌ પ્રથમ નાણા ૧૦ ટકા લેખે વ્યાજે લીધા બાદ કુલ ચાર વ્યાજખોરોએ લાખો રૂપિયાનું વ્યાજ વસુલી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો એક બાજી યુવાન જુદા જુદા ચાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે, અને ૧૦ ટકા લેખે નાણા વ્યાજે લીધા બાદ લાખો રૂપિયા ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ના કારણે આખરે ઝેરી દવા પીવાનો વારો આવ્યો છે, અને હાલ સારવા હેઠળ છે. પોલીસે બાવાજી યુવાનની ફરિયાદના આધારે ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતા અને એક કારમાં ડ્રાઇવિંગ કામ કરતા દર્શકગીરી રાજેશગીરી ગોસ્વામી નામના ૨૪ વર્ષના બાવાજી યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સૌપ્રથમ તે બેભાન અવસ્થામાં હતો, પરંતુ હાલ ભાનમાં આવી જતાં પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને પોતે અલગ અલગ ચાર વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો હોવાથી તેઓના ત્રાસ અને પઠાણી ઉઘરાણી ના કારણે આખરે જિંદગીથી હારી થાકી જઇ ઝેર પી લીધું હોવાનું જણાવ્યું હતું. જેના નિવેદનના આધારે પોલીસે  ચાર વ્યાજખોરો લાલપુર પંથકના જયપાલ ઝાલા, ઉપરાંત વસઈ ગામના પૃથ્વીરાજસિંહ તેમજ જામનગરના મુન્નાભાઈ વાણંદ અને કપિલભાઈ કનખરા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે અને હજુ વધુ મોટી રકમ પડાવી લેવા માટે ધાકધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન દર્શકગીરી ગોસ્વામી કે જેણે ફાઇનાન્સમાં કાર લીધી હતી, તેના હપ્તા ચડી જતાં ફાઇનાન્સ કંપની દ્વારા તેનું વાહન સિઝ કરી લેવાયું હતું. જે વાહન સિઝ કરી લેનાર વ્યક્તિ તરીકે જયપાલસિંહ ઝાલા હતા, જેના સંપર્કમાં આવ્યા બાદ પૈસાની જરૂરિયાત માટે વાત કરતાં તેને એકાએક પૈસાની જરૂર પડી હતી.

આજથી બે વર્ષ પહેલા તેના પિતાનું પથરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેણે જયપાલસિંહ ઝાલા પાસેથી ૨૦ ટકા લેખે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે તેણે પોતાના વાહનના કાગળ સોંપી દીધા હતા. ઉપરાંત એક ચેક આપ્યો હતો. જેનું કટકે કટકે દર મહિને માસિક ૧૦ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હતું, પરંતુ તેની પાસેથી મૂળ રકમની માંગણી કરાતાં પોતાની પાસે તે રકમ ન હોવાથી વ્યાજની રકમ અને મુદ્દલ ભરપાઈ કરવા માટે અન્ય વધુ એક વ્યાજખોરના સંપર્કમાં આવ્યો હતો, અને વસઈ ગામના પૃથ્વીરાજસિંહ પાસેથી પાંચ લાખની રકમ વ્યાજે લીધી હતી, અને તેનું પણ ૧૦ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ પોતે વ્યાજના ચક્રમાં ફસાતો જતો હતો, અને જામનગરના મુન્નાભાઈ વાણંદ શખ્સ પાસે ૨૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જ્યારે કપિલભાઈ કનખરા પાસે પણ મોટી રકમ વ્યાજ પર લીધી હતી.

જેમાં મુન્નાભાઈ વાણંદ, કે જેણે તો હજુ ૮૦ લાખ રૂપિયા આપવા પડશે તેવું મોબાઈલ ફોનમાં જણાવી ધમકી આપી હતી, અને સંખ્યાબંધ કોરા ચેક મેળવી લીધા હતા. જે ચેક પૈકી ચાર ચેકમાં ચાર ચાર લાખની રકમ ભરીને બેંકમાંથી ચેક રિટર્ન કરાવી લીધા હતા.

ઉપરોક્ત તમામ વ્યાજખોરો દ્વારા  દર્શનગીરી ગોસ્વામીને પોતાના નાણા કઢાવવા માટે ધાક ધમકી આપતા હોવાથી અને પોતે હાલ આટલી મોટી રકમ ચૂકવી શકે તેમ ન હોવાથી હારી થાકીને આખરે ઝેર પી લીધું હતું.  જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, અને થોડા દિવસ બેશુદ્ધ રહૃાો હતો. પરંતુ હાલ ભાનમાં આવી જતાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ સમગ્ર ખુલાસો થયો હતો, અને પોલીસે ચારેય વ્યાજખોરો સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh