Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન પૂર્વે પાંચ સ્તરમાં સુરક્ષા વ્યવસ્થા

બંને જિલ્લાઓમાં સંવેદનશીલ બુથો પર કરાશે સઘન પેટ્રોલિંગઃ

જામનગર તા. ૬: જામનગર શહેર તથા જિલ્લામાં આવતીકાલે મતદાન પહેલાં પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે સેન્ટ્રલ આર્મ્સ ફોર્સના જવાનો પણ બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે. સંવેદનશીલ ગણાતા બુથો પર વધુ સઘન વ્યવસ્થા મુકવામાં આવી છે. જામનગર શહેર, જિલ્લામાં ૧૩૮૬ પોલીસ અધિકારી, કર્મચારી તેમજ ૧૫૪૯ હોમગાર્ડઝ, જીઆરડી, એસઆરડી સદસ્યો અને એસઆરપી જવાનો બંદોબસ્ત રાખી રહ્યા છે. તે ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મતદાન માટેની ચૂસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે.

જામનગર સહિત રાજ્યભરમાં આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે જામનગર શહેર-જિલ્લાના નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આવતીકાલે મતદાન શરૂ થાય તે પહેલાથી જામનગર જિલ્લામાં સેન્ટ્રલ આર્મ્સ ફોર્સની  સાત ટૂકડી તૈનાત કરવામાં આવી છે. તેઓની સાથે જામનગર શહેર અને જિલ્લાના ૧૩૮૬ પોલીસ અધિકારી તથા કર્મચારી ફરજ પર હાજર છે. પોલીસની સાથે હોમગાર્ડઝ, જીઆરડી, એસઆરપીના ૧૫૪૯ સભ્ય તથા એસઆરપી અને ફોરેસ્ટના ૨૫ અધિકારીઓ, કર્મચારીઓ ચૂંટણી ફરજ પર બંદોબસ્તમાં છે.

મતદાન વેળાએ પાંચ સ્તરમાં બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રથમ સ્તરમાં સેન્ટ્રલ આર્મ્સ ફોર્સના જવાનો તથા બીજા સ્તરથી પાંચમા સ્તર સુધીના પોલીસ કર્મચારી, અધિકારી, હોમગાર્ડ જવાનો, એસઆરડીના સભ્યો, ક્યુઆરટીની ટીમ, ફલાઈંગ સ્કવોડ તથા એલસીબી, એસઓજીની ટૂકડીઓ રૂટ પેટ્રોલિંગમાં રહેશે.

જામનગર જિલ્લાના જે બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. તે તમામ બુથ પર વધુ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તથા આર્મ્સ ફોર્સ મુકવામાં આવી છે. તે ઉપરાંત સંવેદનશીલ બુથના રૂટ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રખાશે અને પેટ્રોલીંગ પણ સઘન બનાવાશે.

મતદાન વેળાએ નાગરિકો તરફથી કરાતી ફરિયાદોના સમયસર નિવારણ માટે ક્યુઆરટી ટીમ રચવામાં આવી છે. મતદાન વેળાએ દિવ્યાંગ મતદારને તેમના મતાધિકારમાં કોઈ તકલીફ ન પડે તે માટે પણ પોલીસ સંવેદનશીલ રહી કાર્ય કરશે.

આવતીકાલે થનારા મતદાન પહેલાં આજે જામનગર શહેર-જિલ્લામાં પોલીસ સ્ટાફ તથા ક્યુઆરટી ટીમ દ્વારા રિહર્સલ પણ કરાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે મતદાનના સંદર્ભમાં પોલીસ તથા રેવન્યુ સ્ટાફ દ્વારા ચૂસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડયા, અધિક નિવાસી કલેકટર રૂપેશ ચોટલીયા, ડીડીઓ એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, એચ.બી. ભગોરા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પટેલ તથા મામલતદારો દ્વારા મતદાન મથકો પર વ્યવસ્થા કરાઈ રહી છે. આજે બપોરે જ તમામ સ્થળે મતદાન અધિકારી સ્ટાફ પહોંચી જાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. દરેક મતદાન બુથ પર ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝોનલ અધિકારીઓ, રૂટ સુપરવાઈઝરોની ટીમ ગોઠવાઈ ગઈ છે.

દ્વારકાના એસપી નિતેશ પાંડેય, ખંભાળિયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા પોલીસ પણ પાંચ સ્તરમાં ચૂસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. બુથ પર બંદોબસ્ત, રૂટ પર બંદોબસ્ત, ગ્રુપ બંદોબસ્ત, થાણા બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. બીએસએફ, સીઆરપીએફ, સ્થાનિક પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. સંવેદનશીલ બુથો પર કેન્દ્રીય પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ છે.

તમામ વ્યવસ્થાઓ પર ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈનું નિરીક્ષણ રાખવામાં આવ્યું છે. ખંભાળિયા વિધાનસભા સ્ટાફને દ્વારકામાં તથા દ્વારકાના સ્ટાફને કોમ્પ્યુટરાઈઝડ રીતે ખંભાળિયામાં વ્યવસ્થા પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh