Advertisement
Author: નોબત સમાચાર

મહાશિવરાત્રિ પર્વે જામનગરમાં ભવ્યાતિભવ્ય શિવશોભાયાત્રા નીકળી

૪૪મી શોભાયાત્રાઃ ૨૮થી વધુ ફલોટ્સઃ ૮૩થી વધુ સ્થળે ભવ્ય સ્વાગતઃ મહાનુભાવોના હસ્તે પ્રસ્થાનઃ મોડી રાત્રિ સુધી ભાવિકો ઉમટ્યા

"છોટીકાશી" જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે ગઈકાલે પરંપરાગત રીતે ૪૪મી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ  હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. બપોરે ૪.૩૦ વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના  મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ,  બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ  ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૦૨ઃ૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો,  સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોન ા હોદે્દારો દ્વારા ૨૮ થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને  હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન  શિવજીની રજત મઢિત પાલખીના 'છોટી કાશી"ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

સિધ્ધનાથ મહાદેવના મંદિરથી બપોરે સાડા ચાર વાગ્યે જામનગરના મેયર શ્રી વિનોદભાઈ ખિમસુર્યા,  શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા વગેરે ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પૂજન અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ  વેળાએ રજત મઢીત પાલખીના મુખ્ય દાતા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જામનગર મહાનગરપાલિકાના  વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગી અગ્રણી ભરતસિંહ વાળા  વગેરે પણ પાલખીનું પૂજન અર્ચન કર્યું હતું. ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિ મિતેશભાઇ લાલ ભાજપના  કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા મનીષભાઈ કનખરા, એડવોકેટ ભાવિન ભો જાણી, વગેરે પણ શોભાયાત્રા ના  પ્રારંભે જોડાયા હતા, અને ભગવાન શિવજીની પાલખીને ઉંચકીને ધન્યતા અનુભવી હતી.

ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક  ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયાણ  મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૨.૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી.  જયાં મહા આરતી સાથે પૂજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી ૪૪મી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો  ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી  નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી  અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા  ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન શિવજીની પાલખીનું પૂજન કરાયુ હતું. બેડી ગેઇટ પાસે ભારતીય  જનતા પાર્ટી પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ સમયે મેયર વિનોદભાઇ ખિમસુર્યા, શહેર  ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, ડે. મેયરશ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ  બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણભાઇ ભાટુ, આ ઉપરાંત શહેર ભાજપ સંગઠનના કે. જી. કનખરા,  ખુમાનસિંહ સરવૈયા, દિલીપ સિંહ કંચવા, વિનોદભાઈ ગોંડલીયા, હેમલભાઈ ચોટાઈ, દયાબેન પરમાર, પૂર્વ  મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, શિક્ષણ  સમિતિના પૂર્વ ચેરમેન મધુભાઈ ગોંડલીયા અને મનીષભાઈ કનખરા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશ  કકનાણી, ઉપરાંત ભાજપના કોર્પોરેટરો  ગોપાલ સોરઠીયા, અરવિંદ સભાયા, પાર્થ  જેઠવા, પરાગભાઇ પટેલ, પ્રભાબેન ગોરેચા મુકેશભાઈ માતંગ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ  રીટાબેન જોટંગીયા અને તેઓની ટીમ તેમજ યુવા ભાજપના મહામંત્રી વિશાલભાઈ બારડ અને તેઓની ટીમ  તેમજ શહેર ભાજપના અન્ય તમામ અગ્રણીઓે ઉપસ્થિત રહ્યા હતા અને શિવશોભાયાત્રાનું ઉમળકાભેર  સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ સાંસદ પૂનમબેન  માડમ તેમજ ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી અને રિવાબા જાડેજાનો શુભેચ્છા સંદેશ સાંપડયો  હતો. સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ફુલહાર થી સ્વાગત કરી  પાલખીનું પૂજન કર્યું હતું.

નાગનાથ ગેઇટ ચોકડી પાસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ અને શહેર  પ્રમુખ  અને શાસક જુથના નેતા આશિષભાઇ જોષીની આગેવાની હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના હોદે્દારો -  કાર્યકરો વગેરે દ્વારા શોભાયાત્રાનું અનેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું, જેઓની સાથે મહિલા વિંગના પ્રમુખ  મનીષાબેન સુબડ અને તેઓની ટીમ જોડાઈ હતી, ઉપરાંત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ કેતનભાઇ ભટ્ટની આગેવાનીમાં બેડીગેઇટ પાસે શિવ શોભાયાત્રા નું ભવ્ય  સ્વાગત કરાયું હતું. આ વેળાએ અનેક બ્રહ્મ અગ્રણીઓ જોડાયા હતા.

હવાઈ ચોકમાં સમસ્ત હાલરી ભાનુશાલી સમાજ દ્વારા શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું હતું ભાનુશાલી  જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, ઉપરાંત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષભાઈ કનખરા સહિતના આગ્રણીઓ હાજરીમાં શોભાયાત્રાનું સ્વાગત  કરાયા બાદ પાલખી ઉચકી ને ધન્યતા અનુભવી હતી. તે જ રીતે ભાટની આંબલી પાસે ગિરનારી ગ્રુપ દ્વારા પણ ભગવાન શિવજીની ભવ્ય ઝાંખી ઉભી કરીને સ્થાનિક  ફલોટ ઉભો કરાયો હતો. તેમજ ડીજે ના તાલે શિવ ભજનો ના ધૂનની સુરાવલી રેલાવી હતી સાથો સાથ  રક્ષાપોટલીનું વિતરણ કરાયું હતું. ઉમેશભાઈ અને તેઓની ટીમ દ્વારા પાલખીનું સ્વાગત કરાયું હતું.

તક્ષશિલા પરશુરામ ધામ તરફથી વૈજનાથ મહાદેવના મંદિર પાસે સ્થાનિક ફલોટસ તૈયાર કરાયો હતો, અને  શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું. સાથો સાથ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તક્ષશિલા  પરશુરામ ધામ ની સમગ્ર ટીમ જોડાઈ હતી.

શિવ શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઇ વ્યાસ (મહાદેવ) ની રાહબરી  હેઠળ ૭૧ થી વધુ સભ્યોની શિવભકતોની પાલખી સમિતિ દ્વારા એક સરખા ઝભ્ભા, પીતાંબરી અને કેસરી ખેસ  સાથે ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉચકીને નગરના માર્ગો પર દર્શનાર્થે ફેરવી હતી. જેનો  અનન્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે બનાવાયેલી ૪૬ સભ્યોની સંકલન  સમિતિ અને ૨૪ સભ્યોની ફલોટ સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાના કન્વીનર ધવલભાઈ નાખવા તેમજ  સહકન્વીનર વ્યોમેશભાઈ લાલ અને ભાર્ગવભાઈ પંડ્યાની રાહબરી હેઠળ શિવ શોભાયાત્રાનું સંચાલન  કરવામાં આવ્યું હતું. જે સફળ સંચાલનના કારણે શિવશોભાયાત્રા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી.

શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો  સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્? ઉપરાંત શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (પાંચ  ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ),, ભગવા રક્ષક યુવા સંગઠન (૩ ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ),  ભગવા યોદ્ઘા સંઘ (૩ ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ),  મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (૧ ફલોટ), આહીર સેના (૧ફ્લોટ), સહિતના ૧૬  મંડળો દ્વારા ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર શોભાયાત્રા  દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરા ઇ હતી. બેંડ વાજાં, ઢોલ,  શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી,  લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી.  જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું, જેને  નિહાળવા માટે બપોરે સાડાત્રણ વાગ્યાથી રાત્રીના ૨.૩૦ વાગ્યા સુધી શોભાયાત્રાના તમામ રૂટ પર ભાવિકો  જોડાયા હતા.

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી આર.બી દેવધાના માર્ગદર્શન હેઠળ  પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એલસીબી અને એસઓજી ની સમગ્ર ટીમ, તેમજ  સીટી બી. ડિવિઝન ના પી..આઈ. પી.પી.ઝા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા તથા  સમગ્ર સિટી બી. ડિવિઝન, એ. ડિવિઝન, તથા સી. ડિવિઝન ના પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ વિભાગની  ટીમ, હોમગાર્ડના સભ્યો વગેરેએ સમગ્ર શોભાયાત્રા દરમિયાન લોખંડી સુરક્ષા કવચ પૂરૃં પાડ્યું હતું. જયારે જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.બી. ગજ્જર ની રાહબરી હેઠળ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા  ટીઆરબી ના જવાનોએ શોભાયાત્રા ના તમામ  પર ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી જેના કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

જામનગરમાં સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર) દ્વારા શોભાયાત્રા દરમિયાન પ્રતિવર્ષ વિશેષ આકર્ષણ  ઊભા કરવામાં આવે છે, જેમાં આ વખતે શોભા યાત્રાના સમગ્ર રૂટ પર ભગવાન શિવ અને પાર્વતી નું અવતરણ  કરીને ભગવાન શિવજીના પાર્વતી વિનાના વિલાપ ના દ્રશ્યો ભજવાયા હતા.

સાથો સાથ ૧૮ જેટલા તરવરીયા યુવાનો દ્વારા અઘોરી ની વેશભૂષા ધારણ કરીને અલગ અલગ પિરામિડ રજૂ  કરવામાં આવ્યા હતા, તેમજ ભસ્મ રાસ પણ હજુ કરાયો હતો.

તેમજ ૧૩ ૧૩ ના બે ગ્રુપમાં રજૂ કરાયેલા તલવાર રાસ પણ સમગ્ર શોભાયાત્રા ના રૂટ પર આકર્ષણનું કેન્દ્ર  બની રહ્યા હતા, અને ઠેર ઠેર આ દૃશ્યો નિહાળવા માટે શિવભક્તોની ભીડ ઉંમટેલી જોવા મળી હતી.

જામનગરના વ્હોરાના હજીરા પરથી સૌપ્રથમ વખત ભગવાન શિવજીની પાલખી પર પુષ્પ વૃષ્ટિ

જામનગરમાં વ્હોરા ના હજીરા પાસે શિવ શોભાયાત્રાના સ્વાગત  સમયે વોરા સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત  કરાયું હતું, અને કોમી એકતા ના દર્શન થયા હતા, તેમજ ભગવાન શિવજીની પાલખીના પૂજન અર્ચન વેળાએ  શોભાયાત્રા ના આયોજકો પણ આનંદ વિભોર બન્યા હતા. ભગવાન શિવજીની પાલખી જ્યારે વ્હોરાના હજીરા  પાસે પહોંચી ત્યારે ઉપરથી વ્હોરા સમુદાયના ભાઈઓ-બહેનો દ્વારા મોટી સંખ્યામાં પાલખી પર પુષ્પવૃષ્ટિ કરાઈ  હતી, અને ગુલાબની પાંદડી થી શિવજીની પાલખીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

ત્યારબાદ વ્હોરા સમાજના હાતિમ ભાઈ જરીવાલા, હુસેનભાઇ જરીવાલા સહિતના અગ્રણીઓએ પાલખી નું  પૂજન કર્યું હતું, એટલું જ માત્ર નહીં પોતાના ખંભે પાલખીને ઉંચકીને પણ ધન્યતા અનુભવી હતી.

આ સ્થળે જામનગરના પોલીસ બેડામાંથી તાજેતરમાં નિવૃત્ત થયેલા એએસઆઈ યુનુસભાઈ શમા દ્વારા  ભગવાન શિવજીની પાલખીને રૂપિયા ૨૧,૧૨૧ નો હાર ચડાવવામાં આવ્યો હતો, અને તેઓ પણ શિવજીની  પાલખી ઉચકીને આનંદીત થયા હતા.જેઓ પ્રતિવર્ષ ભગવાન શિવજીની પાલખીને હાર ચડાવે છે, તેમજ  પાલખીને ઉંચકીને શોભાયાત્રામાં સાથે જોડાય છે. આ ઉપરાંત દીપક ટોકીઝ પાસે પણ કોમી એકતા ના પ્રતિક રૂપે શહેર ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી  અલુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું, જ્યારે હમ પાંચ પરિવાર ગ્રુપે પ્રસાદી  રૂપે શરબત વિતરણની સેવા આપી હતી. આ વેળાએ વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર કુસમબેન પંડ્યા, ધીરેનભાઈ  મોનાણી, એડવોકેટ ભાવિન ભોજાણી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

જામનગરના પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફે પણ ભગવાન શિવજીની પાલખી ઊંચકી

છોટીકાશીમાં આ વખતે યોજાયેલી ૪૪મી શિવ શોભાયાત્રામાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ  અન્ય પોલીસ સ્ટાફે આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને  પંચેશ્વર ટાવર થી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતા, અને સમગ્ર  પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.

જામનગરના સીટી બી. ડિવીઝન ના પી.આઇ. પી.પી.ઝા, તેમજ પી.એસ.આઇ.એમ.વી મોઢવાડિયા,  ડી.જી.રાજ, એલ.સી.બી.ના પી.એસ.આઇ. સી.એમ કાંટેલીયા, એલ આઈ બી ના અલ્પેશ પ્રજાપતિ, ઉપરાંત  સીટી બી. ડિવિઝન ના ડી.સ્ટાફ, સીટી એ. અને સી. ડિવિઝન ના ડી.સ્ટાફ અને એલસીબીના સ્ટાફ વગેરે પણ  જોડાયા હતા.  અને સતત બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર  મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતા, મહિલા  પીએસઆઇ આર આર રાઠોડ ની રાહબરીમાં મહિલા પોલીસ સ્ટાફે પણ પાલખી ઉચકીને વાતાવરણ શિવમય  બનાવ્યું હતું. જેથી છોટીકાશીનું બિરૂદ પામેલી જામનગરવાસીઓની નગરી હકીકતમાં શિવનગરી બની હતી.

વી.ડી.સિકયોરિટીની ટીમે ભગવાન શિવજીની પાલખી ને સુરક્ષા કવચ

૪૪મી શિવ શોભાયાત્રા માં વી.ડી. સોક્યોરિટીની ટિમ ઉત્સાહભેર જોડાઈ હતી.અને ૨૦ જવાનો સતત ખડે  પગે રહ્યા હતા. શિવ શોભા યાત્રા ના પ્રારંભ થી લઈ ને મોડી રાત્રિ સુધી તમામ જવાનો ભગવાન શિવજીની પાલખી સાથે  જોડાઈ ને શિવ ભક્તિ રૂપે ફરજ બજાવી હતી.

ભગવા રક્ષક ગ્રૂપ દ્વારા તૈયાર કરાયેલી ઉજ્જૈન મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ શિવ ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર

જામનગરના રાજપાર્ક વિસ્તારના ભગવા રક્ષક ગ્રુપ કે જેના સંચાલક આકાશભાઈ ની આગેવાનીમાં ભગવાન  શિવજીનો ઉત્સવ મનાવવા માટે આ વખતે ઉજ્જૈન સ્થિત ભગવાન શિવજીના મંદિરની આબેહૂબ ઝાંખી તૈયાર  કરાઈ હતી. જેના માટે એક રથ તૈયાર કરીને તેમાં ઉજ્જૈન મંદિર જેવી જ પ્રતિકૃતિ બનાવાઇ હતી, અને તેને ઝળહળતી  લાઈટોથી સજાવીને શોભાયાત્રા ના રૂટ પર જોડવામાં આવી હતી. નગરના અનેક શિવભક્તોએ શિવમંદિર ના  દર્શનનો લાહવો લીધો હતો, અને પોતાના મોબાઈલમાં તસવીરો કેદ કરી હતી. તો કેટલાક શિવ ભક્તોએ સેલ્ફી  પણ પડાવી હતી.

કોઈલ ફાયર રોશની સાથે સ્વાગત

જામનગરના સેતાવાડ વિસ્તારના ગજ કેસરી યુવા સંગઠન દ્વારા આ વખતે પણ ભગવાન શિવજીની પાલખીના  સ્વાગત માટે વિશેષ આકર્ષણ ઊભું કરાયું હતું, જેમાં ભગવાન શિવજીના પાલખીના સ્વાગત સમયે ભવ્ય ઇલેક્ટ્રોનિકસ આતશબાજી ગોઠવવામાં આવી હતી.  અને જામનગરના શિવ ભક્તો માટે અનેરુ આકર્ષણ ઊભું કરાયું હતું.

ગજ કેસરી યુવા સંગઠનની ટીમ દ્વારા સેતાવાડ વિસ્તારમાં ૨૦ ફૂટ બાય ૨૦ ફુટનું ટ્રસ્ટ ઊભું કરી, તેમાં પ્રથમ  ટ્રસ્ટમાં કોઇલ ફાયર ગોઠવાઈ હતી, જેમાં ૮ ગ્રુપમાં ૬ વખત એટલે કે કુલ ૪૮ કોઈલ ફાયર સાથે ભગવાન  શિવજીની પાલખી નું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ બીજું ટ્રસ્ટ ગોઠવીને તેમાં રંગબેરંગી લાઈટો ગોઠવી  આકાશમાં ઇલેટ્રોનિક્સ ના ૪૦ ફાયર કરીને પણ નગરના આકાશને રંગીન બનાવી દેવાયું હતું, તેમજ ૪૮૦  ક્રેકર ફાયરિંગ કરીને ભગવાન શિવજીની પાલખીને ભવ્ય આવકાર અપાયો હતો. ત્યારે અનેક શિવભક્તોએ  હર હર મહાદેવના નારા ગજવી મૂક્યા હતા, અને સેતાવાડ વિસ્તાર શિવ ભક્તોથી ઉભરાઈ ગયો હતો.

ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા ૧૮ ફૂટ ઉંચાઈ વાળો રામેશ્વર મંદિરનો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર

જામનગરના ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા મુખ્ય કાર્યકર મેરૂભાઈ ની આગેવાનીમાં રાજપાર્ક વિસ્તારમાં સર્વે શિવ  ભક્તો દ્વારા આ વખતે રામેશ્વરમાં આવેલા વિશાળ કદના શિવમંદિર જેવી જ ૧૮ ફૂટના કદની શિવમંદિરની  પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, અને તેના માટેનો ખાસ વિશેષ રથ બનાવાયો છે. જે રથમાં મંદિરનું  નિર્માણ કરીને રંગબેરંગી લાઈટો થી શુશોભીત કરાયું હતું, જે ફ્લોટ્સ પણ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની  રહ્યો હતો. નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, તથા શહેર ભાજપની સમગ્ર ટીમ દ્વારા રથને ખેંચીને ધન્યતા અનુભવી હતી. જામનગરના અનેક શિવ ભક્તોએ આ મંદિરની સાથે ફોટો વિડીઓ અથવા સેલ્ફી ફોટો પડાવી, રથ ખેંચીને  ધન્યતા અનુભવી હતી.

ભગવા રક્ષક બાળ ગ્રૂપ દ્વારા મહાકાલેશ્વરના મંદિરની ઝાંખી

જામનગરના ભગવા રક્ષક ગ્રુપની સાથે સાથે ૧૦ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીના ૧૫ જેટલા બાળ શિવ  ભક્તોનું ગ્રુપ તૈયાર કરાયું છે, જે બાળ ગ્રુપ દ્વારા પણ ૪૪મી શિવ શોભાયાત્રા દરમિયાન પોતાનો અલગથી  ફલોટ તૈયાર કરાયો હતો, અને શિવભક્તોના દર્શનાર્થે જોડવામાં આવ્યો હતો. મહાકાલેશ્વર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, અને તેમાં પણ નાના નાના બાળ કલાકારોએ  લાઇટિંગ સહિતની સુવિધા ગોઠવી છે, અને તેઓ પણ શોભાયાત્રામાં ખૂબ જ ઉત્સાહભેર જોડાયા છે, અને  પોતાની શિવભક્તિને પ્રગટ કરી છે. જે કેદારનાથ નો ફલોટ્સ જોવા માટે પણ અનેક સ્થળોએ નગરજનો એકત્ર  થયેલા જોવા મળ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh