Advertisement
Author: નોબત સમાચાર

મધરાત્રે ત્રિપલ ધમાકા... દેશ-દુનિયામાં હલચલ... વિશ્વબજારમાં ઉથલપાથલ...

ગઈકાલે જામનગર નજીક જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થવાના સમાચારોએ ચિંતા જગાવી હતી, તે પણ દેશવાસીઓ મીઠી ઊંઘ માણી રહ્યાં હશે ત્યારે જાણે કે, ત્રિપલ ધમાકા થયા હોય, તેવી હલચલ દેશ અને દુનિયામાં અનુભવાઈ હતી. દેશમાં જે લોકો સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યાં હતાં. તેઓએ ગઈકાલની લગભગ ૧૩ કલાકની લાંબી ચર્ચા પછી લોકસભામાં વકફનું બિલ બહુમતીથી પસાર થયું, તે પછી મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચર્ચા નિહાળી હશે, તે પછી અમેરિકામાં ટ્રમ્પે ટેરિફ એટેકની જાહેરાત કરી ત્યારે દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.

ભારતમાં મધ્યરાત્રિ વીતી ગઈ હતી, તેવા સમયે ટ્રમ્પે ભારત પર ૨૬ ટકા સહિત વિવિધ દેશો પર જંગી રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી.

ગઈકાલે મધ્યરાત્રિ પછી બહુમતીથી વકફનું બિલ પસાર તો થયું, પરંતુ તે પહેલા થયેલી લાંબી ચર્ચામાં લગભગ તમામ રાષ્ટ્રીય પક્ષો તથા અપક્ષ સાંસદોએ પણ મન મૂકીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં અને તીખાતમતમતા ભાષણો કર્યા હતાં. વિરોધપક્ષોએ એકજૂથ થઈને મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી અને વકફ બિલ પાછળ સરકારની ગુપ્ત નીતિ-રીતિઓ અંગે આશંકાઓ વ્યક્ત કરી હતી. કેટલાક સાંસદોએ સરકાર બંધારણ પર આક્રમણ કરી રહી હોવાના આક્ષેપો લગાવ્યા હતાં. તો સરકાર તરફથી એનડીએના સાંસદોએ પણ તેટલી જ કડક અને આક્રમક ભાષાના જવાબો આપીને આક્ષેપો ફગાવ્યા હતાં.

લાંબી ચર્ચાના અંતે પાક્કી બહુમતી સાથે વકફ બિલ પસાર થઈ ગયું અને સરકારને વિપક્ષો કરતા પ૩ મતો વધુ મળ્યા, તેથી મોદી સરકાર તથા એનડીએ મજબૂત દેખાયા અને આજે બપોરે આ બિલ રાજ્યસભામાં રજૂ થયા પછી તેના પર લાંબી ચર્ચા થશે અને જો રાજ્યસભા પણ આ બિલ પાસ કરી દેશે, તો તે પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે કાયદો બની જશે. જો કે, તે પછી પણ વિરોધપક્ષો દ્વારા આ બિલનો વિરોધ થતો રહેશે અને કદાચ આ મુદ્દો અદાલતની અટારીએ પહોંચે, તો પણ નવાઈ જેવું નહીં હોય, કારણ કે, કેટલાક નેતાઓએ આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે, એવું કહેવાય છે કે, વિપક્ષના એક સાંસદે તો બિલને ત્યાં જ ફાડ્યું, તેમાંથી નવો વિવાદ ઊભો થયો છે.

ગઈકાલે મધ્યરાત્રિ પછી લગભગ બે વાગ્યાની આસપાસ આ બિલ લોકસભામાં પાસ થયું હતું, જેથી આપણાં દેશને અડધી રાત્રે આઝાદી મળી, ત્યારથી લઈને જીએસટીની મંજુરી સુધીના મહત્ત્વના નિર્ણયો સંસદમાં મધ્યરાત્રિ કે મોડી રાત્રે લેવાયા હોવાની ચર્ચા પણ થવા લાગી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર-ર૦૧૬ ની રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાતનો અમલ પણ તે દિવસે મધ્યરાત્રિથી જ શરૂ થયો હતો ને...?

હજુ તો વકફ બિલ પાસ થયા પછી લોકસભામાં મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસનના મુદ્દે ચર્ચા શરૂ જ થઈ હતી, ત્યાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું બ્યુગલ ફૂંક્યુ હતું અને તેનું જીવંત પ્રસારણ વિશ્વભરના ટેલિવિઝન નેટવર્ક તથા રેડિયો બ્રોડકાસ્ટીંગ વિગેરે માધ્યમો દ્વારા થવા લાગ્યું હતું. તેમાં સૌથી પહેલા તેમણે ઓટોમોબાઈલ્સ સેક્ટર માટે રપ% ટેરિફની જનરલ જાહેરાત કરી હતી અને પછી ક્રમશઃ રેસિપ્રોકલ ટેક્સની ઘોષણા કરી હતી. જ્યારે ટ્રમ્પ આ ટેરિફવોરની જાહેરાત કરી રહ્યાં હતા, ત્યારે જ  દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "મિત્રો" ગણાવ્યા, અને હળવેકથી ભારત પર ર૬% ટેરિફ પણ લગાવી દીધો, તે પછી આજે આવી રહેલા પ્રતિભાવોમાં "મોદી-ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી દેશને શું કામની...?" તેવા સવાલો સાથે મોદી સરકારની વિદેશનીતિ તથા અનિર્ણાયક અથવા કન્ફ્યુઝડ પોલિસીની આલોચના પણ થવા લાગી છે, અને હવે બિમ્સ્ટેકમાં પી.એમ. મોદીના વલણ પણ સૌની નજર રહેવાની છે.

ભારત પર ર૬% ટેરિફ લગાવવા છતાં ટ્રમ્પે ભારત સાથે જાણે મિત્રતા નિભાવી હોય તેવા સ્વરમાં કહ્યું કે, ભારત-અમેરિકા પર બાવન ટકા ટેરિફ લગાવે છે, પંરતુ અમે (અમેરિકા) ભારત પર અડધો જ ટેરિફ લગાવ્યો છે...!

જો કે, ટ્રમ્પે પાંચ-સાત અપવાદો સિવાય દુનિયાના અનેક દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો છે અને રેસિપ્રોકલ ટેરિફ ટેરરની હકીકતમાં જાહેરાત કરીને તેના અમલની તારીખો પણ જાહેર કરી દીધી છે.

ભારત પર ર૬% ટેરિફ અને ઓટોમોબાઈલ પર રપ% ટેરિફના એટેકથી ભારતમાં તો હલચલ મચી જ છે, પરંતુ દુનિયાભરના બજારોમાં આજે જે હડકંપ મચ્યો છે, તે આપણી સામે જ છે. દુનિયાભરના શેરમાર્કેટમાં પણ અફરાતફરી મચી ગઈ છે, અને ભારતનું શેરબજાર પણ પછડાયું છે... ભારત સરકારે તો આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ ઊભો કરી દીધો છે...!

ગઈકાલે મધ્યરાત્રિ પછી સંસદમાં વકફ બિલ પાસ થયું અને મણીપુરનું રાષ્ટ્રપતિ શાસન પણ ગુંજ્યું, અને તેની સાથે-સાથે ટ્રમ્પનો ટેરિફ એટેક થયો, તે ત્રિપલ ધમાકાઓના તીવ્ર આફટરશોક્સ આજે પણ આવી રહ્યાં છે., અને ટ્રેડવોર અને જમીન યુદ્ધોમાં અટવાયેલી દુનિયાના તમામ સમીકરણો હવે ધરમૂળથી બદલાઈ જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

એક રસપ્રદ ઘટના એ પણ બની હતી કે, ટ્રમ્પની સામે ડેમોક્રેટ સાંસદ કોરી બુકરે ત્યાંની સેનેટમાં સોમ-મંગળવારે નોનસ્ટોપ રપ કલાક અને પાંચ મિનિટ સુધી ભાષણ કરીને ટ્રમ્પના મનસ્વી અને આડેધડ નિર્ણયોથી તેમનો દેશ - (અમેરિકા) સંકટમાં હોવાનો આક્ષેપ કર્યો હતો, અને તે પછી ટ્રમ્પે ગઈકાલે ત્યાંના સમય મુજબ સાંજે સાડાચાર વાગ્યે ટેરિફવોરનું બ્યુગલ ફેંકતું આક્રમક ભાષણ કર્યુ હતું. ઘણાં વૈશ્વિક વિશ્લેષકો આ બન્ને ઘટનાક્રમોને જોડીને એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, આ એક યોગાનું યોગ હતો, કે પછી પૂર્વ નિર્ધારીત પબ્લિસિટી સ્ટંટ હતો...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh