Advertisement
Author: નોબત સમાચાર

બહુ ચર્ચિત રહેણાંક મકાનમાં લાખોની લૂંટ ચલાવનાર બેલડી ઝડપાઈ

૨૪ કલાકથી ઓછા સમયમાં સિટી એ ડિવિઝને ભેદ ઉકેલ્યોઃ તમામ મુદ્દામાલ રીકવરઃ

જામનગર તા.૧ : જામનગરની તારમામદ સોસાયટીમાં સોમવારે બપોરે એક મકાનમાં ઘૂસી જઈ બે શખ્સે એક વૃદ્ધાને બંધક બનાવ્યા પછી તેમના પુત્રવધૂ તથા પૌત્રને છરી બતાવી ધમકાવ્યા હતા અને ઘરમાંથી રૂ.૧ લાખ રોકડા તથા સોનાના દાગીના સહિત રૂ.૧૪ લાખ ઉપરાંતની લૂંટ ચલાવી હતી. તે ગુન્હાની તપાસમાં જોતરાયેલી પોલીસે ગણતરીની કલાકોમાં આ ગુન્હાના બંને આરોપીને પોરબંદર શહેરમાંથી પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી તારમામદ સોસાયટીમાં નુરૂબી નામના મકાનમાં સોમવારે બપોરે બારેક વાગ્યે ફરીદાબેન મુસ્તુફાભાઈ અતરીયા નામના વૃદ્ધા હાજર હતા ત્યારે આયુર્વેદિક દવા આપવાનું કહી ઘૂસી ગયેલા બે શખ્સે આ મહિલાને એક કાપડ વડે ગળાટૂંપો આપી મોઢામાં ડૂચો ભરાવી દીધા પછી લાત મારીને પછાડી દીધા હતા. ગભરાઈ ગયેલા આ વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઈન લૂંટી લીધા પછી ચાવી લઈ આ શખ્સોએ કબાટમાં રહેલી તિજોરી ખોલી સોનાનું બિસ્કિટ, બુટી, બે ગીની, ચાર બંગડી, ચાંદીની વીટી મળી ૨૪ તોલા સોનાના દાગીના તથા રૂ.૧ લાખ રોકડા મળી કુલ રૂ.૧૪,૦૭,૫૦૦ની મત્તા લૂંટી લીધી હતી.

આ શખ્સોએ તે મકાનના ઉપરના માળે જઈ વૃદ્ધાના ત્યાં હાજર પુત્રવધૂ તથા પૌત્રને પણ છરી બતાવી ધમકાવી ચૂપ રહેવા ફરજ પાડી હતી. તે પછી બંને આરોપી પલાયન થઈ ગયા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ હરકતમાં આવ્યા હતા.

લૂંટના આ બનાવના ભેદ ભરથી પરદો ઉંચકવા પોલીસે ૧૨ પોલીસકર્મીની એક એવી ત્રણ ટૂકડી બનાવી જુદી જુદી દિશામાં તપાસ આરંભી હતી. જેમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજના આધારે એક ટૂકડી તપાસમાં જોતરાઈ હતી. તે ટૂકડીના રવિ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલ સોનગરા, વિજય કાનાણીને આ ગુન્હામાં જીજે-રપ-એએફ ૧૬૪૬ નંબરના મોટરસાયકલનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળતા પોલીસની ત્રણ ટીમ પોરબંદર સુધી તપાસ અર્થે પહોંચી હતી.

પોરબંદર પોલીસના કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સહયોગ મેળવી આગળ ધપાવાયેલી તપાસમાં તે વાહન પર પોરબંદરમાં પ્રવેશ કરતા બે શખ્સ જોવા મળ્યા હતા. તેની ઓળખ કરાતા પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં કે.કે. આવાસ બિલ્ડીંગમાં બ્લોક નં.૭/૨૮માં રહેતો હિતેશ પ્રેમજીભાઈ હોડાર તથા ખારવાવાડમાં ભાટીયા બજાર પાસે રહેતો ધાર્મિક હરીશભાઈ વરવાડીયા નામના બે ખારવા શખ્સની ઓળખ થઈ હતી.

બંને શખ્સને પોરબંદરથી અટકાયતમાં લઈ જામનગર ખસેડવામાં આવ્યા પછી હાથ ધરાયેલી પૂછપરછમાં આ શખ્સોએ ઉપરોક્ત લૂંટ આચર્યાની કબૂલાત આપી ૨૪ તોલા સોનાના દાગીના તેમજ ગુન્હામાં વાપરેલુ બાઈક, બે મોબાઈલ અને રૂ.૭૦ હજાર રોકડા મળી કુલ રૂ.૧૮,૮૯,૩૭૨નો મુદ્દામાલ કબજે કર્યાે છે. બનાવ બન્યાના ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં સિટી એ ડિવિઝન પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી તેમાં સંડોવાયેલા બંને આરોપીને પોરબંદરથી દબોચી લઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh