Advertisement
Author: નોબત સમાચાર

જૂન મહિનામાં ફલાય ઓવરનું કામ પૂર્ણ થઈ જશે ! પણ...

આનંદો...આનંદો... નગરજનો...આનંદો

જામનગર તા. ર૦: જામનગર શહેરને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગૌરવ અપાવે તેવા ફલાયઓવરની ભેટ આગામી જૂન મહિનામાં મળશે. જેથી શહેરના નાગનાથ ચોકડીથી લઈ અંબર ચોકડી, ગુરૂદ્વારા ચોકડી અને છેલ્લે સાત રસ્તા સર્કલ પાસે કાયમી માટે સર્જાતી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત થશે.

આ ફલાયઓવરના મેગા પ્રોજેક્ટના કામમાં અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ/અંબર ટોકિઝ તરફ ફલાય થશે કે નહીં તે મુદ્દો ચર્ચાસ્પદ બનતા અંતે મનપાના કમિશ્નર અને સિવિલ ઈજનેરે સ્પષ્ટતા કરવી પડી છે. તેમના જણાવ્યા પ્રમાણે અંબર ટોકીઝ તરફનો ફલાય રદ્દ નથી થયો, પણ હાલ તેનું કામ મોકૂફ રાખવામાં આવ્યું છે. અર્થાત જૂન મહિનામાં નવા ફલાયઓવર બ્રીજ કાર્યરત  તો થઈ જશે, પણ અંબર તરફના ફલાય વગર... હવે જોઈએ અંબર ચોકડી પાસે શું સ્થિતિ સર્જાશે...?

આ ફલાયઓવર બ્રીજનો મુદ્દો પ્રકાશમાં આવ્યા પછી જ મનપા તંત્રએ સ્પષ્ટતા કરવી પડી છે... મીડિયાના પ્રશ્નોના ઉત્તરો મને-કમને આપવા પડ્યા છે, અને આ ઉત્તરોમાં પણ કેટલીક બાબતો ચકરાવે ચડાવે તેવી છે...!

તંત્રના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, રેલવે જમીન આપશે એટલે તરત જ અંબર તરફના ફલાયની કામગીરી થશે. જે માટે રેલવે તંત્રના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

આ ઉપરાંત આ ફલાયઓવરની ડિઝાઈન/કામમાં અત્યાર સુધીમાં ત્રણ-ચાર નાના ફેરફારો થયા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. મેગા પ્રોજેક્ટના પ્રારંભિક ડીટેઈલ્ડ પ્રોજેક્ટના રિપોર્ટમાં બે વિકલ્પ પ્રમાણિત કરાયા હતાં. તેમાં શ્રેષ્ઠ વિકલ્પ સાથે આયોજન થઈ રહ્યું છે.

અંબર તરફના ફલાય બનાવવામાં આ માર્ગ ઉપર અનેક મિલકતોનું ડિમોલીશન કરવું પડે તેમ છે. આ તમામ સ્પષ્ટતા  થયા પછી પ્રશ્ન તો ઉપસ્થિત થવાના જ છે...!

કન્સલ્ટન્ટે જ્યારે ડિઝાઈન, પ્લાન-નકશા-એસ્ટીમેટ બનાવ્યા ત્યારે ઉપરની સ્પષ્ટતાઓના મુદ્દાઓ અંગે કોઈનું ધ્યાન શું ગયું જ હતું., કોઈએ તે બાબતમાં ચર્ચા-વિચારણા શા માટે કરી નહીં...? તે સમયે રેલવેની જમીન મેળવવાની જરૂરત અંગે કેમ વિચારાયું નહીં...!

જે કોન્ટ્રાક્ટર એજન્સીને આ વિકાસ કામનો વર્ક ઓર્ડર અપાયો છે તેમાં અંબર તરફના ફલાયનો ઉલ્લેખ છે કે નહીં...!

રેલવે તંત્રની જમીન મેળવવાની વાત તો "લોઢાના ચણા ચાવવા જેવી વાત છે..! હાલાર હાઉસથી અંબર ચોકડી સુધી, અંબર ચોકડી પાસેની વિશાળ ત્રિકોણીય જગ્યા, ડિમોલીશન કરેલા જુના રેલવે સ્ટેશનની વિશાળ જગ્યા મહાનગરપાલિક તંત્રએ મેળવવા અત્યાર સુધીમાં શું પ્રયાસો કર્યા...! દબાણો અને અનેક સમસ્યા સર્જતી રેલવેની જમીનો ક્યારે મળશે તે કોઈ કહી શકે તેમ નથી. રેલવે તંત્રની ઘોર નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે શહેરની વચ્ચોવચ્ચ વિશાળ જમીનોમાં દબાણો ખડકાય ગયા છે...! વે તે જમીનો મેળવવા પ્રયાસો થવાના છે... તેમાં કદાચ સર્વિસ રોડ આસપાસ કે અંબર ચોકડી પાસેની જ કેટલીક જમીનો મેળવવાના પ્રયાસો થાય તેમ જણાય છે.

મનપાના અધિકારીએ તો રેલવે તંત્ર પાસેથી જમીન મેળવવાની મુશ્કેલીને ધ્યાને લઈને પાણી પહેલા જ પાળ બાંધી લીધી કે રેલવેની જમીન મોડી મળશે તો ત્યારે પણ અંબર તરફના ફલાય બનાવવાનો વિકલ્પ ખુલ્લો જ છે.

ખેર... અત્યારે તો હવે સૌ કોઈ આ ફલાયઓવરનું કામ જેમ બને તેમ જલદી પૂર્ણ થાય અને વાહનોની અવરજવર શરૂ થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, અને મ્યુનિ કમિશ્નર સાહેબે ખૂબ જ હિમ્મતપૂર્વક જણાવી દીધું કે, જૂન મહિનામાં કામ પૂરૃં થઈ જશે... (જૂન-ર૦રપ જ સમજવાનું...!!) અને તે પણ અંબર તરફના ફલાય વગર...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh