Advertisement
Author: નોબત સમાચાર

શંભુ-ખાનૌરી બોર્ડર પર ૧૩ મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનને હટાવાયું: બસ્સોની અટકાયત

ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણઃ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાનઃ

નવી દિલ્હી તા. ર૦: બુધવારે રાત્રે પંજાબ સરકારે પોલીસની મદદથી શંભુ અને બાનૌરી સરહદ પર ૧૩ મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનને હટાવી દીધું. પોલીસે ખાનૌરી અને શંભુ બોર્ડર નેલા પ્લેટફોર્મને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો અને તંબુઓ પણ ઉખેડી નાખ્યા. ખરેખર ખેડૂતો ૧૩ ફેબ્રુઆરી ર૦ર૪ થી અહીં હડતાલ પર બેઠા હતાં. અગાઉ બુધવારે ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે યોજાયેલી બેઠક અનિર્ણિત રહી હતી.

મિટિંગ સમાપ્ત થયા પછી ખેડૂત નેતાઓ જગજીતસિંહ દલેવાલ અને સરવનસિંહ પંઢેર સહિત ૨૦૦ થી વધુ ખેડૂતો, જેઓ ખાનૌરી અને શંભુ બોર્ડર પર પાછા ફરી રહ્યા હતાં. તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. હવે અમૃતસર-અંબાલા-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુરુવારે ખુલ્લો મૂકવામાં આવશે, જો કે શંભુ અને ખાનૌરી બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડિંગ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી.

પોલીસ કાર્યવાહી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી, જેમાં કેટલાક ખેડૂત નેતાઓની પાઘડીઓ પડી ગઈ હતી. સરકારે શંભુ અને ખાનૌરી સરહદો પર લગભગ પ૦૦૦ પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. તે જ સમયે સરહદી વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાજ્યના વિવિધ ભાગોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. પોલીસની આ કાર્યવાહીનો વિરોધ પક્ષ સહિત તમામ ખેડૂત નેતાઓએ વિરોધ કર્યો છે.

પંજાબ પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરના વિરોધ સ્થળોએથી ખેડૂતોને દૂર કર્યા છે જ્યાં તેઓ એક વર્ષથી વધુ સમયથી કેમ્પ કરી રહ્યા હતાં. અગાઉ પોલીસે કેન્દ્રિય પ્રતિનિધિમંડળ સાથેની બેઠક પછી પરત ફરતી વખતે મોહાલીમાં સરવનસિંહ પંધેર અને જગજીતસિંહ દલેવાલ સહિત અનેક ખેડૂત નેતાઓની અટકાયત કરી હતી. પોલીસની આ કાર્યવાહી વિવિધ ખેડૂત સંગઠનોએ આજે દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શન તમામ જિલ્લાઓમાં ડેપ્યુટી કમિશનર (ડીસી) કચેરીઓની બહાર યોજાશે. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેમની કાયદેસર માંગણીઓ પર ધ્યાન આપવાનો ઈનકાર અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો સામે કડક કાર્યવાહી સામે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

પોલીસ સૂત્રોએ બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે કામચલાઉ માળખા અને સ્ટેજ દૂર કર્યા પછી અને ખેડૂતો દ્વારા પાર્ક કરાયેલા ટ્રોલી અને અન્ય વાહનો દૂર કર્યા પછી વિરોધ સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું, જ્યારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યું કે અવરોધિત રસ્તાઓ પર ટ્રાફિક ક્યારે ફરી શરૂ થશે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પંજાબ બાજુનો રસ્તો સાફ થયા પછી ટ્રાફિક ફરી શરૂ થશે કે નહીં તે હરિયાણા સરકાર ક્યારે અવરોધ દૂર કરે છે તેના પર નિર્ભર રહેશે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચાના નેતૃત્વમાં વિરોધ કરી રહેલા ખેડૂતો ગયા વર્ષે ૧૩ ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચેના શંભુ (શંભુ-અંબાલા) અને ખાનૌરી (સાંગરૂર-જીંદ) સરહદી સ્થળોએ પડાવ નાખી રહ્યા હતાં, કારણ કે તેમને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh