Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસના સીસીટીવીમાં એક્ટિવા દેખાયા પછી ટ્રાફિક શાખાએ શોધી કાઢ્યું:
જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ પોતાના નવા લીધેલા એક્ટિવા સ્કૂટરમાં આરટીઓ દ્વારા ફાળવાયેલા નંબરના બદલે પોતાને ગમતા નંબરની પ્લેટ બનાવી લગાડી દીધી હતી અને બિનદાસ્ત ફરવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન ગઈકાલે આ સ્કૂટર કમાન્ડ કંટ્રોલના કેમેરામાં કેપ્ચર થયા પછી ટ્રાફિક શાખાને આ બાબતની તપાસ કરવા કહેવાતા આ એક્ટિવામાં બુલેટ મોટરસાયકલની નંબર પ્લેટ લગાડી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. ટ્રાફિકના જમાદારે ખુદ ફરિયાદી બની પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરમાં પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાનું સંચાલન તથા શહેરના આ વિસ્તારોની સતત ચકાસણી માટે પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તે દરમિયાન ગઈકાલે સાંજે અંબર ચોકડી પાસેના સીસીટીવી કેમેરામાં એક સ્કૂટર પોલીસની ચબરાક નજરે ચઢ્યું હતું.
આ એક્ટિવા સ્કૂટરમાં ફેન્સી નંબર પ્લેટ લગાવેલી જોવા મળતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે તે સ્કૂટરમાં દેખાતા જીજે-૧૦-ઈકે ૧૧૧૧ નંબરનું દંડનું ચલણ કાઢવા માટે કાર્યવાહી કરતા પોલીસને મળેલી વિગતોથી પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તે વિગત ટ્રાફિક શાખાને જણાવી આ વાહન શોધી કાઢવા જણાવાયું હતું.
તે એક્ટિવા અંબર ચોકડીથી નીકળ્યા પછી જી.જી. હોસ્પિટલ તરફના માર્ગ પર ગયું હોવાનું સીસીટીવીમાં નોંધાયું હતું પરંતુ જી.જી. હોસ્પિટલ નજીકના સીસીટીવી કેમેરામાં તે વાહન પસાર થતું જોવા ન મળતા તરત હરકતમાં આવેલી ટ્રાફિક શાખાના જમાદાર સત્યજીતસિંહ એન. વાળા તથા ટીમે આ વાહન અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ વચ્ચે કોઈ સ્થળે રોકાયું હોવાની શંકા સેવી તપાસ કરતા નિઓ સ્કવેર નજીક આ એક્ટિવા પાર્ક થયેલુ જોવા મળ્યું હતું.
ત્યાં પહોંચેલી પોલીસે આ વાહન કોનુ છે? તેની પૂછપરછ કરતા ત્યાં આવેલી એક ઓફિસમાં નોકરી કરતા અને ખંભાળિયા નાકા બહાર જૂના કુંભારવાડામાં વસવાટ કરતા પૃથ્વી રમેશભાઈ નડિયાધાર નામના યુવાનનું નામ મળ્યું હતું. તે યુવાનને બોલાવી પોલીસે આ વાહનના નંબર અંગે પૂછપરછ કરતા તેમાં લગાડવામાં આવેલી જીજે-૧૦-ઈકે ૧૧૧૧ નંબરની નંબર પ્લેટ ખોટી હોવાનું અને આ વાહનના સાચા નં.જીજે-૧૦-ઈકે ૧૫૦૮ નંબરનું ખૂલ્યું હતું. ૧૧૧૧ નંબર ન હોવા છતાં આ નંબર ગમતા હોવાથી પૃથ્વી રમેશભાઈએ પોતાના એક્ટિવામાં તેની ફેન્સી નંબર પ્લેટ બનાવી લગાડી બિનદાસ્ત ફરવાનું શરૂ કર્યું હતું પરંતુ ગઈકાલે કમાન્ડ એન્ડ કંટ્રોલની ટીમ દ્વારા જ્યારે આ નંબરનું ચલણ કાઢવાની પ્રોસીજર કરી ત્યારે આ નંબર એક્ટિવા સ્કૂટરના નહી પરંતુ બૂલેટ મોટરસાયકલના હોવાનું ખૂલતા અને તેની વિગત ટ્રાફિક શાખાને અપાતા ઉપરોક્ત મામલો બહાર આવ્યો છે.
આ બાબતે ટ્રાફિકના પીએસઆઈ એમ.જે. વાળાની સૂચનાથી જમાદાર સત્યજીતસિંહ વાળાએ ખુદ ફરિયાદી બની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૃથ્વી રમેશભાઈ નડિયાધાર સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે ખોટા રજીસ્ટ્રેશન નંબરવાળી નંબર પ્લેટનો ઉપયોગ કરી સાચા નંબર કોઈ ઈરાદાથી છૂપાવી ખોટી નંબર પ્લેટવાળા વાહનનો ઉપયોગ કરવા અંગે પૃથ્વી સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial