Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ પંથકમાં શ્રી પુરૂષોત્તમ ભગવાનનું અનોખું મંદિર

પુરૂષોત્તમ માસમાં સંતાન પ્રાપ્તિની માનતા માટે ઉમટે છે ભક્તો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જિલ્લાના કાલાવડ ગામ ૫ાસે આવેલ મણવર ખીજડીયા ગામમાં શ્રી પુરૂષોત્તમ ભગવાનનું અનોખું મંદિર આવેલું છે. જ્યાં ભગવાન મૂર્તિ સ્વરૂપે નહીં પણ ખાંભી સ્વરૂપે પૂજાય છે.

કાલાવડથી રાજકોટ તરફ જતા રસ્તે આવેલ મણવર ખીજડીયા ગામે આવેલ લગભગ દોઢસો વર્ષ પ્રાચીન પુરૂષોત્તમ ભગવાનના મંદિરે પુરૂષોત્તમ માસમાં સંતાન પ્રાપ્તિની માનતા માનવાથી નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

માનતા માનવા માટે દંપતીએ પુરૂષોત્તમ માસમાં મંદિરે જઈ ત્યાંથી આપવામાં આવતું શ્રીફળ ઘરે લાવવાનું હોય છે અને પરિણીતાએ એક ચોક્કસ પૂજા વિધિ પછી એ શ્રીફળ આરોગી લેવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે, અહીં ફક્ત પુરૂષોત્તમ માસમાં જ માનતા માનવામાં આવે છે અને એ માનતા પૂરી થાય તો એ પૂર્ણ કરવા માટે પણ પુરૂષોત્તમ માસમાં જ મંદિરે આવવું પડે છે, એટલે કે જો કોઈ ભક્તની માનતા પૂરી થઈ જાય તો તેમણે માનતા પૂરી કરવા આવતા પુરૂષોત્તમ માસ સુધી રાહ જોવી પડે. આમ પુરૂષોત્તમ માસમાં જ માનતા માનવા અને પૂરી કરવાની અનોખી પરંપરા આ મંદિરે જોવા મળે છે, જેને પગલે પુરૂષોત્તમ માસ દરમિયાન રોજ હજારો ભક્તો અહીં ઉમટે છે. તેમાં ય પરંપરા મુજબ અહીં સૌથી વધુ ભક્તો અમાસના દિને ઉમટે છે.

આ મંદિરનું સંચાલન પુરૂષોત્તમ ભગવાન સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ એમ. જાડેજા તથા ઉપપ્રમુખ મૂળરાજસિંહ બી. જાડેજા સહિતના હોદ્દેદારો સ્વયંસેવકો સેવા કરે છે અને ભક્તોને માર્ગદર્શન આપે છે. અહીં કોઈ પૂજારી નથી અને કોઈ પૈસા લેવામાં આવતા નથી. ફક્ત નાળિયેરની જ માનતા માનવામાં આવે છે. ભક્તો સ્વેચ્છાએ જે દાન કરવું હોય એ કરી શકે છે.

આ મંદિરના વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા દૂર-દૂરથી ભક્તો ઉમટી રહ્યાં છે. અમુક નિઃસંતાન દંપતીઓને અહીં માનતા માનવાથી લગ્ન જીવનના બે-ત્રણ દાયકા પછી પણ સંતાન પ્રાપ્તિ થઈ છે.

વધુ વિગત માટે મૂળરાજસિંહ જાડેજા (મો. ૬૩પ૧૬ ૭૧પર૬) નો સંપર્ક સાધવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh