Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહશિવરાત્રિના ૫ર્વે જામનગર બન્યુ જાણે શિવનગરઃ મંદિરોમાં લાગી લાંબી લાંબી લાઈનો
'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત અને નાના-મોટા અનેક શિવાલયની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વે નગરના પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા, જેઓના મુખેથી 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજયો હતો.
શહેરમાં નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. એટલે જ જામનગરને 'છોટી કાશી' નું ઉપનામ મળેલું છે. જે નગરીમાં આજે મહાશિવરાત્રિના પર્વને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહૃાો છે. વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેકની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.
શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ શિવ ભક્તોએ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.
છોટીકાશીના ભીડભંજન મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોને રોશનીથી સજ્જ બનાવી દેવાયા હતા. તેમજ દર્શનાર્થીઓની પણ અનેક શિવાલયોમાં ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ભગવાન શિવજીના મહાપ્રસાદ ભાંગનું પણ અનેક સ્થળે વેચાણ થતું જોવા મળ્યું હતું. જામનગરના ભીડભંજન મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે આવેલા ગૌરીશંકર મહાદેવ મંદિર, ભીમાશંકર મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર ના દ્વારે ભાંગના પ્રસાદના અનેક સ્ટોલ ઊભા થયા છે અને શિવભક્તોએ પણ મહાપ્રસાદ ભાંગ મેળવવા માટે કતાર લગાવી હતી.
જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારે કાળજીપૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ના મુખ્ય વિસ્તારમાં આવેલા શિવ મંદિર બહાર ટ્રાફિક પોલીસના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial