Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટથી ચોટીલા લગ્નપ્રસંગમાં જતાં હતા ત્યારે રિક્ષા સાથે ટ્રક ટકરાયોઃ
જામનગર તા.૨૬ : રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર માલીયાસણ પાસે ગઈકાલે બપોરે રોંગ સાઈડમાં ધસી આવેલી ટ્રકે સામેથી આવતી રિક્ષાને હડફેટે લેતા લગ્નપ્રસંગમાં ચોટીલા જઈ રહેલા એક યુવાન, ચાર મહિલા, એક બાળકીના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એકને ઈજા થઈ છે. મૃતકમાં જામનગરના ગુલાબનગરમાં રહેતા વાંઝા પરિવારના એકના એક પુત્ર, પુત્રવધૂ અને પુત્રીનો ભોગ લેવાયો છે. આજે ગુલાબનગરમાં ત્રણેય સદગતની અર્થી સાથે ઉઠતા અશ્રુનો દરિયો વહ્યો હતો.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા વાંઝાવાસ માં રહેતા યુવરાજભાઈ રાજુભાઈ લકુમ (ઉ.વ.૩૦), તેમના પત્ની શિતલબેન (ઉ.વ.૨૯) તથા યુવરાજભાઈ ના બહેન ભૂમિબેન રાજુભાઈ (ઉ.વ.૨૨) રાજકોટ શહેરના ભાગોળે આવેલા નવાગામમાં વસવાટ કરતા શારદાબેન ઝીણાભાઈ નામના ફઈના ઘેર લગ્નપ્રસંગમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
ત્યાંથી ગઈકાલે બપોરે ચારેક વાગ્યે યુવરાજભાઈ, શિતલબેન, ભૂમિબેન તથા આનંદ વિક્રમભાઈ સોલંકી (ઉ.વ.ર૪), નંદિનીબેન સાગરભાઈ સોલંકી (ઉ.વ.રપ) તેમની આઠ મહિનાની પુત્રી વેદાંશી સાથે શારદાબેન ઝીણાભાઈ (ઉ.વ.૬૦) એક રિક્ષામાં ચોટીલા જવા માટે નીકળ્યા હતા.
તેઓની રિક્ષા જ્યારે અમદાવાદ ધોરીમાર્ગ પર માલીયાસણ ગામ પાસે પહોંચી ત્યારે સામેથી રોંગ સાઈડમાં લોખંડ ભરેલો યુપી-૭૫-એટી ૫૮૦૮ નંબરનો ટ્રક ધસી આવ્યો હતો. તેના ચાલકની બેદરકારીના કારણે રિક્ષા તેની ઠોકરે ચઢી ગઈ હતી. રિક્ષા બુકડો વળીને ટ્રકના મોરામાં ઘૂસી ગઈ હતી.
આ વેળાએ રિક્ષામાં બેસેલા લોકોએ મોતની ચીસ પાડી હતી. તેના પગલે બંને સાઈડથી જતા વાહનો થંભવા માંડ્યા હતા. કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ બંને દોડ્યા હતા. તે દરમિયાન દસેક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. દોડી આવેલી પોલીસ અને એમ્બ્યુલન્સના સ્ટાફે રિક્ષામાંથી માણસોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. જેમાં યુવરાજભાઈ, શિતલબેન, ભૂમિબેન, વેદાંશી, નંદિનીબેન અને શારદાબેનના મૃતદેહ નીકળ્યા હતા. જ્યારે આનંદ વિક્રમભાઈ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉપરોક્ત અકસ્માતની જાણ થતાં જ્યાં લગ્નપ્રસંગ હતો ત્યાં અને જામનગરમાં ભારે ગમગીની પ્રસરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ પાંચ બહેનોના એકના એક ભાઈ યુવરાજના લગ્ન હજુ બે વર્ષ પહેલાં જ શિતલબેન સાથે થયા હતા. તેઓ અને નાની બહેન ભૂમિ સહિતના ત્રણેય ફઈના ઘેર યોજાયેલા પ્રસંગમાં ભાગ લેવા માટે નવાગામ આવ્યા પછી ગઈકાલે યુવરાજભાઈ જે રિક્ષા ચલાવતા હતા તે રિક્ષામાં ચોટીલા જવા નીકળ્યા અને માલીયાસણ પાસે મોતનો ભેટો થઈ ગયો હતો. આ અકસ્માતે એક બાળકી, યુવાન, ચાર મહિલાના મૃત્યુના અહેવાલે ધોરીમાર્ગ પર રોડ સેફ્ટીની થઈ રહેલી વાતોના ધજીયા ઉડાવી દીધા હતા. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધવાની તજવીજ કરી છે. અકસ્માત પછી ટ્રકમાંથી રિક્ષાને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી અને અકસ્માત વેળાએ ત્યાં સાઈડમાં રહેલો સિમેન્ટનો થાંભલો પણ ટ્રક પર તૂટી પડ્યો હોવાથી તેને દૂર કરાયો હતો.
આજે ગુલાબનગરના વાંઝા વાસમાંથી ત્રણેય સદ્ગતની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેના પગલે પાષાણ હૃદયના માનવીઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial