Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી વિભાગો તથા ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓમાં અપૂરતા સ્ટાફથી અતિભારે હાલાકી
જામનગર તા. ર૬: ગુજરાતની ભાજપ સરકાર હોય કે કેન્દ્રની ભાજપ સરકાર... છેલ્લા દસ-દસ વર્ષથી શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં મહદ્અંશે નિરસ અને નિષ્ફળ રહી છે.
ગુજરાતમાં તો ભાજપનું શાસન છેલ્લા અઢી દાયકાથી છે. દર વખતે ધારાસભાની ચૂંટણીમાં લાખોને રોજગારી આપશું તેવા વચનો આપવામાં આવે છે... લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપના નેતાઓ દર વર્ષે દેશના બે કરોડને રોજગારી આપશું તેવા સંકલ્પો જાહેર કરે છે.
પણ... ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સરકારના સત્તાવાર અંદાજપત્રમાં જાહેર થયેલી વિગતો-આંકડા પ્રમાણે આજની સ્થિતિએ સરકારી વિભાગોમાં અંદાજે દોઢ લાખ જગ્યા ખાલી છે.
૧લી ઓક્ટોબર ર૦ર૪ ની સ્થિતિના મંજુર મહેકમ અને ખાસ જગ્યાના આંકડા દર્શાવતી પુસ્તિકા મુજબ રાજ્યમાં બે લાખ વીસ હજાર અને ગ્રાન્ટ ઈન્ડ એઈડ સંસ્થાઓમાં ૪ લાખ ૪૯ હજાર જગ્યા ભરાયેલી છે, જ્યારે આ જગ્યાઓ સિવાય સરકાર અને સંસ્થાઓમાં ૧૧ માસના કરાર અને પાંચ વર્ષના ફિક્સ પગાર સાથે ખાનગી એજન્સીઓ દ્વારા એક લાખ એકવીસ હજાર કર્મચારીઓ આઉટ સોર્સીંગથી કામ કરી રહ્યા છે.
ગુજરાત સરકારના ત્રણ લાખ સાઈઠ હજારના મંજુર મહેકમમાં એક લાખ ચાલીસ હજાર જગ્યા તથા વિવિધ ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓમાં પાંચ લાખ સુડતાલીસ હજારના મંજુર મહેકમમાં ૯૭ હજારથી વધુ જગ્યા ખાલી છે. અર્થાત્ રાજ્યમાં રાજ્ય સરકાર અને સરકાર હસ્તક ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓમાં અંદાજે બે લાખ સાડત્રીસ હજાર જેટલી અધધધ... જગ્યા ખાલી છે.
ગુજરાત રાજ્યમાં વસતિ-વિકાસ વધી રહ્યા છે. લોકોને રોજબરોજના સરકારી કામકાજમાં સરકારી કચેરીઓમાં અપૂરતા સ્ટાફના કારણે અતિ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
શિક્ષણ અને આરોગ્ય તેમજ કાયદો-વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં અપૂરતા સ્ટાફના કારણે રાજ્યમાં અનેક સમસ્યાઓ પ્રવર્તે છે. સૌથી વધુ ખાલી જગ્યા ર૮,૬૪પ રાજ્યના ગૃહ વિભાગમાં છે, જ્યારે તેવા જ મહત્ત્વના આરોગ્ય વિભાગમાં ર૮,૪૭૪, શિક્ષણ વિભાગમાં ૧૩,૧૯૬, મહેસુલ વિભાગમાં ૧૦,૩૯ર કાયદા વિભાગમાં ૯૬૮૯ તેમજ અન્ય નાના-મોટા વિભાગોમાં પ૪,૩૦૧ નોકરીઓ ખાલી છે.
શા માટે રાજ્ય સરકાર આ ખાલી જગ્યાઓમાં કાયમી કર્મચારી/અધિકારીની ભરતી કરતી નથી? ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા/સારીરિક પરીક્ષા પારદર્શકરીતે લેવાય તે માટે સરકારી નિયમોનું પાલન કરવામાં લાંબા સમયની પ્રથા છે અને હોવી જ જોઈએ, પણ છેલ્લા પાંચ-સાત વર્ષમાં જ સરકારના જ વિવિધ ભરતી પ્રક્રિયામાંપેપરો ફૂટવાની અસંખ્ય ઘટનાઓ ભરતી પ્રક્રિયા સામે સવાલો તો ઊઠવા પામ્યા જ છે, પણ સાથે સાથે ખાલી જગ્યાઓ વણપૂરાયેલી જ રહે છે.
શિક્ષણ વિભાગમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં 'વિદ્યા સહાયક'ના રૂપાળા નામ સાથે નિમણૂકો આપવામાં આવે છે. ફિક્સ પગારની સરકારની નીતિ સામે સરકાર બેરોજગારોના કેસ સર્વોચ્ચ અદાલતમાં ચાલે છે. ફિક્સ પગારના શોષણને દૂર કરવા વિધાનસભામાં કોંગ્રેસે સરકારને કેસ પરત લેવા રજૂઆત કરી છે.
ગૃહ વિભાગમાં પણ ટ્રાફિક સહાયકોની ભરતી થાય છે, પણ કાયમી કોન્સ્ટેબલની ભરતી શા માટે કરાતી નથી?
અનેક સરકારી સરકારી વિભાગોમાં આઉટ સોર્સીંગથી કર્મચારીઓ કામ કરે છે. ખાનગી એજન્સીઓ તેમને લઘુત્તમ વેતન પ્રમાણે પૂરો પગાર આપતા નથી, ૧૧ મહિનાનો કરાર હોય કાયમ લટકતી તલવાર જેવી હાલતમાં કામ કરે છે. એટલું જ નહીં, કોઈપણ ગોટાળા, કૌભાંડ, રેકર્ડમાં ગોબાચાળી થાય તો જવાબદારી કોની? મહત્ત્વની કામગીરીમાં પણ આઉટ સોસીંગવાળા કામ કરી રહ્યા છે.
સરકારને દૈનિક આવકમાં વધારો થાય તેવી કલેક્શન વ્યવસ્થામાં પણ અપૂરતો સ્ટાફ છે. પ્રજાને આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવી કામગીરી માટે અપૂરતા અને બેજવાબદાર કરાર આધારિત સ્ટાફના કારણે ધક્કાઓ ખાવા પડે છે. અરજદારોની લાંબી લાઈનો લાગે છે. અહીં તો પૂરતો જવાબદાર સ્ટાફ રાખો?
ખાનગી દુકાનો, પેઢીઓ અને ઉદ્યોગોમાં બેરોજગારો પોતાની કાબેલિયત, શિક્ષણ સાથે નોકરી મેળવી રહ્યા છે, તો સરકાર વળી તેમાં પણ જશ ખાટવાનું છોડતી નથી કે અમે આટલા બેરોજગારોને નોકરી આપી.
સરકારે ખાનગિકરણને પ્રોત્સાહન આપી આઉટ સોસીંગ સિસ્ટમને મહત્ત્વ આપ્યું છે. તેના બદલે સરકારના તમામ વિભાગો અને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓમાં પૂરા પગાર સાથે કાયમી નોકરી આપવાને ટોચની પ્રાથમિક્તા આપવાનો સમય આવી ગયો છે.
ખાનગી ક્ષેત્રોમાં સ્વયંભૂ વિકાસ થઈ જ રહ્યો છે, તેઓ તેમની જરૂરિયાત મુજબ રોજગારી આપી જ રહ્યા છે, પણ ખુદ સરકાર જ શિક્ષિત બેરોજગારોને કાયમી નોકરી આપવામાં આટલી ઉદાસીનતા કેમ દર્શાવી રહી છે?
સરકારે 'ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ'ના સિદ્ધાંત મુજબ પોતાના વિભાગોમાં તમામ જગ્યાઓ વહેલી તકે ભરવાની તમામ પ્રક્રિયાઓ વિના વિલંબે કરવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial