Advertisement
Author: નોબત સમાચાર

લાંચના કેસમાં માગણી સાબિત ન થાય તો લાંચનું અનુમાન ન થઈ શકેઃ અદાલત

રૂા.૧૪ હજારની લાંચના કેસમાં અધિકારીનો છૂટકારોઃ

જામનગર તા.૨૬ : ખંભાળિયાના સલાયાની ફીશરીઝ કચેરીમાં આસીસ્ટન્ટ કમિશનર માછીમારી બોટના રજીસ્ટ્રેશન માટે લાંચ માંગતા હોવાની ફરિયાદ નવ વર્ષ પહેલાં એસીબીમાં કરાયા પછી ગોઠવાયેલા છટકામાં આ અધિકારીને રૂા.૧૪ હજાર સ્વીકારતા પકડી લેવાયા હતા. તેમની મોટરમાંથી દારૂની બોટલ પણ મળી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી અધિકારીનો છૂટકારો ફરમાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા સ્થિત ફીશરીઝ વિભાગમાં આસી. સુપ્રિ. ઓફ ફીશરીઝ કચેરીમાં ફરજ બજાવતા મુકુલ બચુભાઈ જાની સામે ગઈ તા.૧૬-૬-૧૫ના દિને એક આસામીએ જામનગર સ્થિત લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આસી. કમિશનર મુકુલ જાની ફીશીંગ બોટના રજીસ્ટ્રેશન માટે રૂા.૭ હજાર લાંચ પેટે વસૂલે છે. ફરિયાદીના પત્નીના નામે બોટ સહિત બે બોટ માટે રૂા.૧૪ હજારની લાંચ મંગાઈ છે.

તે ફરિયાદના આધારે એસીબીએ છટકુ ગોઠવી ફીશરીઝ કચેરીમાંથી મુકુલ જાનીને રૂા.૧૪ હજાર લેતા પકડી પાડ્યા હતા. તે પછી આ અધિકારીની મોટરની તલાશી લેવાતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. તે બાબતનો અલગથી ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ ખંભાળિયાની અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે રેઈડ કરનાર અધિકારી, તપાસનીશ, ફરિયાદી સહિત આઠ સાક્ષીની જુબાની અને ૩૧ પુરાવા રજૂ કર્યા હતા. બચાવપક્ષે દલીલ કરી હતી કે, લાંચના આ કેસમાં વીડિયો રેકોર્ડિંગંમાં આરોપી ફરિયાદી પાસેથી રકમ લેતા જોવા મળી રહ્યા છે. તે રકમ લાંચની હતી તેનું અનુમાન થઈ ન શકે. લાંચની માગણી તા.૧૫-૬-૧૫ના દિને કરવામાં આવી હોવાનો આરોપ છે. જ્યારે ફરિયાદીની ઉલટ તપાસમાં આ તારીખે તેઓ આરોપીને મળ્યા હોવાનંુ પુરવાર થતું નથી પરંતુ આગલા દિવસે લાંચની માગણી કરાઈ હોવાનું જણાવે છે તેથી લાંચની માગણી અંગે વિરોધાભાસી પુરાવો રેકર્ડ પર આવી રહ્યો છે.

વધુમાં દલીલ કરાઈ હતી કે બીજી બોટની રકમ બાબતે ફરિયાદી એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવે છે. જ્યારે તેને સમર્થન આપતો પુરાવો ઉલટ તપાસમાં જણાઈ આવતો નથી. ચલણી નોટ આરોપી દ્વારા સ્વીકારાઈ તેનાથી ગુન્હો સાબિત ન થાય પરંતુ તે રકમની માગણી કરવામાં આવી તે બાબત ફરિયાદ પક્ષે સાબિત કરવી જોઈએ. સાહેદની હાજરી છૂપાવવાનો પણ ફરિયાદપક્ષ દ્વારા પ્રયાસ કરાયો છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સામેનો કેસ પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોવાનંુ ઠરાવી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. બચાવપક્ષે વકીલ વી.એચ. કનારા, ધીરેન કનારા, નિલેશ ગોજીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh