Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ભાજપના સંગઠનમાં ધરમૂળથી ફેરફારની તૈયારી

ત્રણ રાજ્યના પ્રદેશ પ્રમુખને કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવાયા, અન્યત્ર બીજા કારણો

અમદાવાદ તા. ૧૧: ભારતીય જનતાપક્ષ ગુજરાત જ નહીં એકઝાટકે પાંચ મોટા રાજ્યોમાં ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

ભારતીય જનતા પક્ષ ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક કરવા જઈ રહ્યો છે. કેમ કે આ રાજ્યોના વર્તમાન પ્રદેશ અધ્યક્ષોને કાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નવા મંત્રી મંડળમાં સ્થાન આપ્યું છે.

આ ઉપરાંત તમિલનાડુ અને રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષો બદલાવાની શકયતા પ્રબળ થઈ ગઈ છે કેમ કે  તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ આશાઓ અનુસાર પ્રદર્શન કર્યું નથી.

જો કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ નવી રીતે ચૂંટણી થશે કેમ કે વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા પણ કેન્દ્રીય મંત્રમંડળનો ભાગ બની ચૂક્યા છે અને તેમનો કાર્યકાળ પણ ૩૦ જૂને પૂરો થઈ રહ્યો છે. દરમિયાન હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક બાદ આ જ રાજ્યોના પ્રદેશાધ્યક્ષોની પણ નિમણૂક થશે.

ગુજરાતના ભાજપ અધ્યક્ષ અને ચાર વખતના સાંસદ સી.આર. પાટીલને પણ રાજ્યમાં પાર્ટીના સતત સારા પ્રદર્શનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. આમ તો ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે તેમનો કાર્યકાળ થોડા મહિના પહેલા જ સમાપ્ત થઈ ચૂક્યો છે. પરંતુ તેમને રિપિટ કરાયા છતાં હવે જ્યારે તે કેન્દ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે તો તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થવાની નક્કી છે.

સુત્રોએ કહ્યું કે કોઈ ઓબીસી નેતાને પ્રદેશ અધ્યક્ષ નિમણૂક કરી શકાય છે. કેમ કે ભાજપે ઓબીસીની વચ્ચે પોતાનું સમર્થન ગુમાવી દીધું છે. ભાજપને આ ઝટકો કોંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોરના કારણે લાગ્યો છે. જે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના પ્રભાવશાળી ઠાકોર સમુદાયથી આવે છે અને પોતાના ભાજપ પ્રતિદ્વંદી રેખાબેન ચૌધરી વિરુદ્ધ લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવીને કરી શકયા છે.

ગુજરાતના રાજકીય વર્તુળોમાં જે ઓબીસી નેતાઓનું નામ પ્રદેશ અધ્યક્ષની દોડમાં ચાલી રહ્યું છે, તેમાં ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્વતંત્ર હવાલો વાળા રાજ્યમંત્રી અને ત્રણ વખતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સામેલ છે. આ ઉપરાંત ખેડાથી વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ, જે ગત નરેન્દ્ર મોદી સરકારમાં સંચાર રાજ્ય મંત્રી હતાં, પંરતુ તેમને આ વખતે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા નથી, તેમની પર પણ ગુજરાત ભાજપ અધ્યક્ષ પદ માટે વિચાર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત નરેન્દ્રભાઈ મોદીઆ વિશ્વાસુ ભીખુભાઈ દલસાણીયાનું નામ પણ ચર્ચામાં છે.

તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડીને ફરીથી કેન્દ્રીય પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે તેમના સ્થાને બીજા ઓબીસી ચહેરાની તપાસ થઈ રહી છે. સાંસદ ઈટાલા રાજેન્દ્રને તેલંગાણા ભાજપના નવા અધ્યક્ષ બનાવી શકાય છે જે લગભગ પાંચ વર્ષ પહેલા પાર્ટીમાં સામેલ થયા હતાં. તેમનો રાજ્યમાં ખૂબ પ્રભાવ છે. પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારને પણ કેન્દ્રીય મંત્રી પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેથી તેમના સ્થાને પણ હવે નવા ચહેરાની શોધ થઈ રહી છે.

જો કે, રાજસ્થાનમાં ભાજપ સંગઠનમાં મોટા પાયે પરિવર્તનનું આયોજન થઈ રહ્યું છે કેમ કે ભાજપ રપ લોકસભા બેઠકોમાંથી માત્ર ૧૪ પર જીત મેળવી શકી છે. તેનાથી પહેલા ર૦૧૪ અને ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનમાં તમામ રપ બેઠકો પર ક્લિન સ્વિપ કર્યું હતું. પાર્ટીના ખરાબ પ્રદર્શન પછી વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, જે એક સાંસદ પણ છે ને બદલવાની શકયતા વધી ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર નવા રાજ્ય પ્રમુખ માટે જે નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમાં રાજ્યસભા સાંસદ રાજેન્દ્ર ગેહલોત, કુલદીપ ધનખડ, પાર્ટીના જાટ ચહેરા મદન રાઠોર અને પૂર્વ નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોર સામેલ છે.

તમિલનાડુમાં પણ ભાજપે આશાઓ અનુસાર પ્રદર્શન કર્યું નથી. રાજ્યમાં પૂર્વ ભાજપ પ્રમુખ તમિલિસાઈ સુંદરરાજન અને વર્તમાન પ્રદેશ અધ્યક્ષના અન્નામલાઈના નજીકના નેતાઓની વચ્ચે આંતરિક વિવાદ પાર્ટીના ખરાબ પ્રદર્શનનું એક કારણ રહ્યું છે. તેથી પાર્ટી હવે નવા પ્રદેશ અધ્યક્ષની શોધ કરી રહી છે. રાજ્યના ભાજપ નેતાઓનું એક જૂથ અન્નામલાઈને બરતરફ કરવાની પણ માગ કરી રહ્યું છે. તેની પર એઆઈએડીએમકે સાથે ગઠબંધન તોડવાનો આરોપ લગાવી રહ્યા છે, તેના કારણે પાર્ટીને રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh