Advertisement
Author: નોબત સમાચાર

પણ... ખાટલે મોટી ખોટ... જામનગર અને રાજકોટ ફાયર વિભાગમાં સ્ટાફની ભારે તંગી!

ફાયર એનઓસીના મુદ્દે અંતે સરકાર જાગી...

જામનગર તા. ૧૧: રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના પછી જામનગર, રાજકોટ સહિત રાજ્યભરમાં ફાયર તંત્ર જાગ્યું છે. તપાસ પછી ફાયર એનઓસી ના હોય તેવા એકમોને તાળા લગાવાયા છે. આ કાર્યવાહી બેશક આવકારદાયક બાબત છે, પરંતુ એક ઝાટકે આટલા એકમો બંધ કરાયા જેનો મતલબ એ છે કે અત્યાર સુધી રામભરોસે ચાલતું હતું. જેની પાછળ સૌથી મોટું કોઈ કારણ હોય તો તે છે સ્ટાફની ઘટ. જો ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ હોય તો જામનગરના જુદા જુદા વિસ્તારોમાં કાયમી ચેકીંગ હાથ ધરવામાં આવી શકે અને કસુરવાર એકમધારકો સામે તાત્કાલિક જ પગલાં લઈ શકાય. જામનગર ફાયર વિભાગમાં મંજુર મહેકમની સામે ૪૧ જગ્યાઓ ખાલી છે, જ્યારે રાજકોટમાં પણ પ૦ થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં ફાયર વિભાગની ખાલી જગ્યા ભરવા માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. માત્ર ઓર્ડર આપવાના વાંકે ભરતી પ્રક્રિયા ગોટાળે ચડી છે. છ મહિના અગાઉ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ હજુ ઉમેદવારોને ઓર્ડર હાથમાં આવ્યા નથી. આથી ઉમેદવારો પણ આર્થિક તંગી અનુભવી રહ્યા છે, તો બીજી બાજુ કામના ભારણને લઈ હાજર કર્મચારીઓ પાસેથી પણ કામ લેવામાં ઉપરી અધિકારીઓને સમસ્યા નડી રહી છે. જેનો માર સીધો સામાન્ય જનતા પર પડી રહ્યો છે. તો આ ભરતી પ્રક્રિયા ક્યા કારણોસર વિલંબમાં પડી છે અને ખોરંભે ચડેલી આ ભરતી પ્રક્રિયાને તાત્કાલિક પૂર્ણ કરાવી અને ઓર્ડર આપવા જામનગર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ માંગણી કરી છે.

હાલની સ્થિતિએ ફાયર વિભાગ દ્વારા જે એકમોમાં તાળા લગાવવામાં આવ્યા છે. તેમાંથી અમુક એકમધારકો દ્વારા ખૂટતી સુવિધા પણ ઊભી કરી દેવાઈ છે, જો કે સ્ટાફના અભાવે ફિલ્ડ પર ચેકીંગ થઈ શકતું નથી. આથી ધંધાદારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ જામનગર ચારેકોરથી વિસ્તરી રહ્યું છે અને વિશ્વનો સૌથી મોટો ગણાતો બ્રાસ ઉદ્યોગ પણ આવેલો છે. આથી સમયાંતરે આગજનીની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે એક કરતા વધુ આગની ઘટના બને ત્યારે ફાયર સ્ટાફ પહોંચી ન વળતો હોવાથી મોટું નુક્સાન થવાની પણ ભીતિ સેવાઈ છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી અને જામનગર તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં જે પણ જગ્યાએ ફાયર સ્ટાફનો અભાવ છે તે જગ્યાઓ નીતિનિયમ મુજબ તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh