Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષણ સમિતિના ૩પ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ પસાર

જામ્યુકોની ખાસ સામાન્ય સભામાં

જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચોકીદાર કમ પટાવાળાીને કોર્ટના આદેશ મુજબ તેમને લાભ આપવાની બે દરખાસ્તોને આજે સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુરી આપી હતી.

ઉપરાંત બે ટીપી સ્કિમના પરામર્શ માટે રાજય સરકારમાં દરખાસ્ત કરવાની આઈટમ વિપક્ષના વિરોધ સામે મંજૂર રાખવામાં આવી હતી. તથા રંગમતી નદી ઉપર સ્વખર્ચે પૂલ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ વર્ષોથી કોન્ટ્રેક્ટ બેઈઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીને ભરતીમાં ખાસ સવલત આપવાની દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા મંજૂરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે ટાઉન હોલમાં મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની, અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોકીદાર કમ પટાવાળા તેમજ પાર્ટ ટાઈમ પટાવાળાને કોર્ટના આદેશ અન્વયે કાયમી કરવાને જરૂરી લાભો આપવા અંગેની દરખાસ્તે વિપક્ષના સભ્યોની ચર્ચા પછી સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.

વિપક્ષના સભ્ય આનંદ રાઠોડે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યુ હતુ કે, કોર્ટમાં ન્યાય મેળવનાર અને કોર્ટમાં નહીં ગયેલા કર્મચારી છે તેને પણ ન્યાય આપવામાં આવ્યા છે. તે આવકાર્ય છે. જયારે વિપક્ષના જેનબબેન ખફીએ જણાવ્યુ હતુ કે, આપણે ૩૫ કર્મચારીને ન્યાય આપવા જઈ રહ્યા છીએ પરંતુ બે કર્મચારીના મૃત્યુ થઈ ચૂકયા છે. જે અફસોસની વાત છે. કોર્ટમાં ગયા તે પહેલા જ આપણે જ ન્યાય આપી દિધો હોત તો વધારે સારૂ હોત.

રંગમતી નદી ઉપર સ્વખર્ચે પુલ બનાવવા માટે હિરેનભાઈ રામદેભાઈ ડેરની માંગણીની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી હતી. આ દરમ્યાન વિપક્ષના અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યુ હતુ કે, વિકાસ કામમાં વિપક્ષ તમારી સાથે જ છે પરંતુ કાલાવડ નાકા બહાર બ્રીજનું કામ સત્વરે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જેના જવાબો સીટી ઈજનેરએ જણાવ્યું હતું કે, બે માસમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા પછી કામ શરૂ થઈ જશે. ટીપી સ્કિમ નંબર ૨૧ અને ૨૩માં સમવિષ્ટ સમુલિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્તાની દરખાસ્તને વિપક્ષના વિરોધ સાથે મંજૂરી આપવામાં આવી હતી.

આ અંગે વિપક્ષના અલ્તાફ ખફીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ કામ ચલાઉ એટલે શું ? થોડા સમયની કે આયોજન વગરની ? આપણે રસ્તો જેટકોને આપીએ છીએ પરંતુ કમિશનરનો પત્ર દરખાસ્ત સાથે શું શું સંગત નથી તો ઉતાવળ શા માટે ? આ ફાઈલ અધ્યક્ષે તો વાંચી જ નથી.

સીટી ઈજનેર ભાવેશ જાનીએ જણાવ્યુ હતુ કે, આપણા રિઝર્વેશનનો જ પરામર્શ છે. તથા સરકાર જમીન ધારકોને વધુ એક સાંભળવાની તક પણ આપશે. બીજી તરફ દરખાસ્ત પેન્ડીંગ રાખવાની માંગ અલ્તાફ ખફીએ કરતા વિપક્ષના વિરોધ સાથે દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ પછી અધ્યક્ષ સ્થાનેથી એક દરખાસ્ત રજુ થઈ હતી. જેમાં ટેકનીકલ વહીવટી સ્ટાફમાં ૧૦, ૧૫ કે ૨૦ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી માટે ભરતીમાં વધુ સવલત આપવામાં આવશે. એટલે કે ભરતી સમયે અડધા મહાનગર પાલિકાના કોન્ટ્રકટ બેઈઝના કર્મચારીઓ અને અડધા સીધી ભરતીથી લેવામાં આવશે. આ દરખાસ્તને સ્ટે. ચેરમેન નિલેષ કગથરા અને વિપક્ષે પણ આવકારી હતી.

જો કે અલ્તાફ ખફીએ કહ્યુ હતુ કે, એર ઉપરની દરખાસ્તવાળી હોવાથી તેનો અભ્યાસ કરવાનો સમય મળ્યો નથી. પરંતુ ભરતી સમયે પણ વિપક્ષને સાથે રાખવામાં આવે તેવી માંગણી કરી હતી.

આ ભરતીમાં બન્નેની પરીક્ષા કોમન રહેશે. માત્ર મેરીટ અલગ બનશે. આખરે આ દરખાસ્તને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અસ્લમ ખીલજીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઝીરો ગાર્બેજ કલેકશન એટલે શું...? શહેરમાં ચોતરફ કચરા જોવા મળી રહ્યા છે. સેનાપતિ બદલો સૈનિક બદલવાથી નહીં ચાલે. આ ઉપરાંત તેમણે જુગ્નુ ક્રિકેટ ગ્રાઉન્ડનો મુદે પણ ઉઠાવ્યો હતો. તેમણે બર્ધન ચોકના પથારાવાળાનો પ્રશ્ન ઉછાળી વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ માંગણી કરી હતી. તો અલ્તાફ ખફીએ પણ તેમાં સુર પુરાવતા જણાવ્યુ હતું, કે, પથારાવાળા નહી હોવાથી દુકાનદારોનાં પણ ધંધા ભાંગી ગયા છે. અને બર્ધન ચોકની રોનક વિખાઈ ગઈ છે.

સામાન્ય સભાની શરૂઆતમાં ભાજપના કોર્પોરેટર બિનાબેન કોઠારીની શહેર ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતા મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, શાસક પક્ષના નેતા સાથે વિપક્ષી નેતાએ બિનાબેન કોઠારીને ફૂલનો બુકે આપી સન્માન કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh