Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનાની બદલે ખોટા સિક્કા ધાબડનાર બે સામે ગુન્હોઃ મોટો વેપાર જોઈ સ્ક્રેપના વેપારી છેતરાયાઃ
જામનગર તા.૧૯ : જામનગરના એક શખ્સે તામિલનાડુના આસામી પાસેથી રૂ.૩૧ લાખ ઉપરાંતનો માલ મંગાવ્યા પછી તેની ડિલિવરી મેળવી લઈ રકમ ચૂકવવાને બદલે ઠેંગો બતાવી દેતા આ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. અન્ય એક વેપારીને ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી સંપર્કમાં આવેલા દિલ્હીના ગ્રેટર નોઈડાવાળા બે શખ્સે રૂ.૨૧ લાખ ઉપરાંતનો ચૂનો ચોપડી દીધો છે. સમાણા એરફોર્સ સ્ટેશનના કર્મચારીને હિંમતનગરના બે શખ્સે સાચા સોનાને બદલે રૂ.૮ લાખ મેળવી ખોટા સિક્કા ધાબડી દીધાની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના મેહુલનગર નજીક આશિષ એવન્યુ નામના એ૫ાર્ટમેન્ટમાં વસવાટ કરતા સાગર કાળુભાઈ નંદાણીયા નામના શખ્સ સામે તામિલનાડુ રાજ્યના કોઈમ્બતૂર જિલ્લાના આર.કે. પુરમવાળા ભેરારામ માંગીલાલ ચૌધરીએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગયા જુન મહિનામાં સાગર નંદાણીયાએ દરેડમાં સ્વાતી બ્રાસ નામનું કારખાનુ હોવાનું અને પોતાનું નામ કીર્તિભાઈ હોવાનું જણાવી તામિલનાડુના ભેરારામ ચૌધરી પાસેથી માલ ખરીદવા માટે વાતચીત કર્યા પછી માલ મંગાવ્યો હતો. મોકલાવેલા માલનું સમયસર સાગરે પેમેન્ટ ચૂકવી આપતા ભેરારામનો વિશ્વાસ જીતાયો હતો.
તે પછી ગઈ તા.૭ જુનના દિને સાગરે ર૮૦૫ કિલો કોપર અને ૭૦૦ કિલો પિત્તળનો સામાન મોકલી આપવા ભેરારામને જણાવ્યું હતું તેથી અંદાજે રૂ.૩૧,૦૮,૩૯૭ની કિંમતનો ૩૫૦૫ કિલો સામાન ભેરારામે રવાના કર્યાે હતો. તે સામાન દરેડમાં આવેલા એસીપીએલ ટ્રાન્સપોર્ટમાં આવ્યો હતો. તે માલની ડિલિવરી મેળવી લીધા પછી સાગરે તેનું પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા. છ મહિના સુધી ઉઘરાણી કર્યા પછી આખરે ભેરારામને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પીઆઈ વી.જે. રાઠોડે આરોપીની શોધ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા પોતાને ધમકી અપાતી હોવાની વાત કરવા સાગર નંદાણીયાએ પત્રકારો સાથે બેઠક યોજવાનું આયોજન કર્યું હતું. તે બેઠક કરવામાં આવે તે પહેલાં તેની સામે છેતરપિંડીની ફરિયાદ થતાં સાગરની ધરપકડ કરી લેવાઈ હતી. આ શખ્સ સામે ભેરારામ ચૌધરીએ પોલીસમાં અરજી કર્યા પછી ગઈકાલે વિધિવત ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગરના મેહુલનગર રોડ પર સિદ્ધ પાર્ક નજીક વસવાટ કરતા જયસુખભાઈ બાવજીભાઈ હાપલીયા દરેડ જીઆઈડીસી ફેસ-૩માં યશ બ્રાસ નામનું કારખાનુ ચલાવે છે તેઓને ગયા જુલાઈ મહિનામાં ડિજીટલ પ્લેટફોર્મ પરથી નવી દિલ્હી નજીકના ગ્રેટર નોઈડા વાળા સિરાજ સૈફી ઉર્ફે બંટી તથા રોહિત કાનાણી નામના શખ્સોનો સંપર્ક થયો હતો.
દરેડ જીઆઈડીસીમાં પિત્તળના ભંગારનો વ્યવસાય કરતા જયસુખભાઈને આ વ્યક્તિઓએ ટેલિફોનિક સંપર્ક કર્યા પછી તેઓને ગ્રેટર નોઈડા આવવા અને પોતાના કારખાને બોલાવી વેપાર ધંધો બતાવવા આમંત્રણ આપ્યું હતું. તેથી જયસુખભાઈ ગ્રેટર નોઈડા પહોંચ્યા હતા. જ્યાં આ શખ્સોએ પોતાનું મોટું કામકાજ છે તેમ બતાવી વિશ્વાસ કેળવ્યા પછી ઉધારમાં પિત્તળનો સામાન મંગાવ્યો હતો. આ શખ્સોના ઓર્ડર મુજબ રૂ.૩૧, ૩૬,૧૬૫નો સામાન જયસુખ ભાઈએ રવાના કર્યાે હતો. તેમાંથી રૂ.૯ લાખ ૯પ હજાર જમા કરાવી દેવાયા હતા અને રૂ.૨૧,૪૧,૧૬૫ બાકી રાખવામાં આવ્યા હતા. તે રકમ ચૂકવવામાં ન આવતા પંચકોશી બી ડિવિઝનમાં ગઈકાલે જયસુખભાઈ હાપલીયાએ ફરિયાદ નોંધાવી છે. આરોપી સિરાજ ઉર્ફે બંટી તથા રોહિત કાનાણી સામે ગુન્હો નોંધી પોલીસે તપાસ આરંભી છે.
જામનગર-સમાણા રોડ પર આવેલા સમાણાના એરફોર્સ સ્ટેશનમાં નોકરી કરતા મૂળ રાજસ્થાન રાજ્યના બિકાનેર જિલ્લાના ડુંગરગઢ ગામના વતની પારસ કિશનલાલ રાજ પુરોહિત નામના જવાનના સંપર્કમાં ગયા નવેમ્બર મહિનામાં હિમતનગરના લાલજી મોતીરામ બાવરી અને દિલાભાઈ સલાટ નામના બે શખ્સ આવ્યા હતા.
આ શખ્સોએ પોતાની પાસે સોનાના સિક્કા હોવાનું કહી વાતચીત કરતા સિક્કા ખરીદવા માટે પારસભાઈએ પ્રતિસાદ આપતા ગઈ તા.૮ નવેમ્બરના દિને લાલજી તથા દિલાભાઈ સમાણા એરફોર્સ સ્ટેશન પાસે આવ્યા હતા. જયાંથી રૂ.૮ લાખ રોકડા મેળવી આ શખ્સો દ્વારા સોનાના સાચા સિક્કાની બદલે ખોટા સિક્કા પધરાવી દીધા હતા. શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં પારસ કિશનલાલે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી કરનાર બંને શખ્સના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial