Advertisement
Author: નોબત સમાચાર

પૈસા કઢાવી આપવા માટે વાત થયા પછી બે પાર્ટી વચ્ચે સમાધાન થતાં એક યુવાન પર ચાર શખ્સનો જીવલેણ હુમલો

બર્થડેની પાર્ટી બાબતે યુવાનને ચાકુ હુલાવાયું: ગાંધીનગરમાં યુવક પર હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના એક કોન્ટ્રાક્ટરના ભાઈએ પોતાના બાકી પૈસા કઢાવી દેવા માટે બે વ્યક્તિનો સંપર્ક કરી રૂ।.પ લાખ આપવાનું ઠેરવ્યા પછી બાકીદાર અને લેણદાર વચ્ચે સમાધાન થઈ જતાં વિવાદ ઉભો થયો હતો. પૈસા કઢાવી આપવાનું કામ લેનાર બે સહિત ચારે આ આસામીના ભાઈ પર બુધવારની રાત્રે નવા ફલાયઓવર પર ફોર્ચ્યુનર આડી નાખી પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. જ્યારે સાળાને બર્થડેની પાર્ટી આપવાની ના પાડનાર બનેવી સાથે એક શખ્સ ઝઘડ્યા પછી એક યુવાનને ચાકુ હુલાવી દેવાયંુ હતું. ઉપરાંત ગાંધીનગરમાં એક યુવાન પર પાંચ શખ્સે પાઈપ, ઢીકાપાટુ, છરીથી હુમલો કર્યાે હતો.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૧૭માં વસવાટ કરતા પ્રકાશભાઈ મગનભાઈ ગોહિલ નામના કોન્ટ્રાક્ટરના ભાઈને કેટલીક રકમ ભીખુભાઈ નામના વ્યક્તિ પાસેથી લેવાની બાકી હતી. તે રકમ કઢાવી આપવા માટે મસીતીયાના હાજી હમીર ખફી ઉર્ફે લાંબા તથા જામનગરના શિવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સાથે વાત થઈ હતી. તેના ખર્ચના રૂ।.પ લાખ આપવાનું પણ નક્કી થયું હતું.

તે દરમિયાન પ્રકાશભાઈના ભાઈને કોઈ રીતે ભીખુભાઈ સાથે સમાધાન થઈ જતાં હાજી હમીર તથા શિવરાજસિંહને ખર્ચના પૈસા આપવામાં આવ્યા ન હતા તેથી આ શખ્સોએ પ્રકાશભાઈના ભાઈને ધમકાવ્યા હતા. તે પછી બંને પક્ષ વચ્ચે બેઠક કરવામાં આવી હતી જેમાં પણ બોલાચાલી થઈ હતી.

આ બાબતનો ખાર રાખી બુધવારની રાત્રે અઢી વાગ્યે જ્યારે પ્રકાશભાઈ નવા બનેલા ફ્લાયઓવર પર સાતરસ્તાના ભાગમાંથી પસાર થતા હતા ત્યારે ફોર્ચ્યુનર મોટરમાં ધસી આવેલા હાજી હમીર ખફી, શિવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને બે અજાણ્યા શખ્સે પ્રકાશભાઈની મોટરને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાવી દીધી હતી. તે પછી મોટરમાંથી ઉતરેલા ચારેય શખ્સે પાઈપ તથા છરી વડે હુમલો કર્યાે હતો. જેમાં હાજી હમીર ઉપરાંત શિવરાજસિંહ અને એક્સેસ સ્કૂટરમાં આવેલા બે અજાણ્યા શખ્સ તૂટી પડ્યા હતા. ચારેય શખ્સે ધોકા, પાઈપથી આડેધડ ફટકા મારી ફ્રેકચર કરી નાખ્યું હતું અને શિવરાજસિંહે છરી મારી દીધી હતી. સિટી બી ડિવિઝનમાં પ્રકાશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વસવાટ કરતા પાર્થ રાજેશભાઈ સોલંકી અને તેમના મિત્રો બુધવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે બે બાઈકમાં મયુરસિંહ સંજયસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ ગોહિલ ઉર્ફે પેથો, નવલો માજોઠી તથા શબ્બીર ઉર્ફે સબલો બેબો અને યશ ભાનુશાળી નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા.

આ શખ્સોએ પાર્થ તથા તેના મિત્રોની નજીક આવી પોતાની પાસે રહેલુ સ્પ્રે આંખમાં છાંટ્યું હતું અને સબલાએ પાઈપથી, મયુરસિંહે છરીથી, ઈન્દ્રજીતસિંહે પાઈપથી, નવલા માજોઠીએ ઢીકાપાટુથી અને યશ ભાનુશાળીએ પણ ઢીકાપાટુથી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હોસ્પિટલમાં ખસેડાયેલા પાર્થ સોલંકીએ પાંચેય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીકના જીઆઈડીસી ફેસ-૩માં આશિષભાઈ નામના આસામીના કારખાનામાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના જાલોન જિલ્લાના કાલીપા ગામના વતની દિલીપ કલુભાઈ જાટવ નામના યુવાન અને તેની બાજુમાં રહેતા સાગર રતનદાસ કાપડી બંને વચ્ચે સંબંધ હતો. તે દરમિયાન દિલીપ જાટવના સાળા મોનુ ઓમપ્રકાશનો બુધવારે જન્મદિવસ હતો તેની પાર્ટી સાગર કાપડીએ માંગતા અને દિલીપ જાટવે પાર્ટી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા સાગરે ગાળો ભાંડી હતી. તેને ગાળો બોલવાની ના પાડતા દોડીને પોતાના રૂમમાંથી ચાકુ લઈને આવેલા સાગરે દિલીપ જાટવની સાથે રહેલા પવન (ઉ.વ.૩૪) નામના યુવાન પર હુમલો કરી ચાકુ પેટમાં હુલાવી દીધુ હતુ. છોડાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને સાથળમાં ચાકુ મારી દેવાયું હતું. દિલીપ જાટવે પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh