Advertisement
Author: નોબત સમાચાર

જન્મના પ્રમાણપત્રમાં ચેડાં કરી બનાવટી પાસપોર્ટ તૈયાર કરી આપતા નવ ઝડપાયા

દ્વારકા એસઓજીએ યુકેના વીઝા મેળવવા રચાતા કૌભાંડ પરથી પરદો ઉંચક્યોઃ

જામનગર તા. ૧૨: દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક શખ્સો જન્મના પ્રમાણ પત્ર અંગે સરકારી રેકર્ડમાં ચેડા કરી ભારતીય પાસપોર્ટના આધારે યુકેના પોર્ટુગીઝ વીઝા મેળવવાના કૌભાંડને આકાર આપતા હોવાની આશંકાથી દ્વારકા એસઓજીએ શરૂ કરેલી તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. જુદા જુદા શહેરના નવ આરોપીને હાલમાં દબોચી લઈ પૂછપરછ ઘનિષ્ઠ બનાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક શખ્સો જન્મના સરકારી રેકર્ડ સાથે ચેડા કરી, ખોટી એન્ટ્રી ઉભી કરી તેના આધારે ગ્રામ પંચાયતોના ઓનલાઈન વેબ પોર્ટલમાં પ્રમાણપત્રો રજૂ કરી કારસો કરી રહ્યા હોવાની વિગતો મળતા દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડેય દ્વારા એસઓજીને તપાસ માટે સૂચના અપાઈ હતી.

એસઓજીના સ્ટાફે પીઆઈ પી.સી. સીંગરખીયાના વડપણ હેઠળ તપાસ શરૂ કરતા ભાણવડમાં મંત્રી સોસાયટીમાં રહેતા અને જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અને હાલમાં સસ્પેન્ડ થયેલા હાર્દિક ભીમશીભાઈ રાવલીયાની સંડોવણી જણાઈ આવી હતી.

કલ્યાણપુર પોલીસ મથકમાં બીએનએસની કલમ ૬૨ (ર), ૨૩૪, ૨૩૫, ૩૩૬ (ર) (૩), ૩૩૭, ૩૩૮, ૩૪૦ (ર) હેઠળ નોંધાયેલા ગુન્હાની તપાસમાં હાર્દિક રાવલીયાની પૂછપરછ કરાતા તેણે પોરબંદરના દિલીપ મોઢવાડીયાએ જન્મના પ્રમાણ પત્ર કાઢી આપ્યાનું કબૂલ્યું છે.

આ શખ્સ પાસેથી મળેલી વિગત ચકાસાતા ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી ઓર્ગેનાઈઝડ સિન્ડીકેટ ચલાવાતી હોવાનું જણાઈ આવતા એસઓજી તપાસમાં આગળ વધી હતી. જેમાં યુકે જવા ઈચ્છુક વ્યક્તિઓમાંથી પસંદગી કરી યુકેમાં પોર્ટુગીઝ, સિટીઝન શીપ ધરાવતા વ્યક્તિઓનો સંપર્ક કરી નાણા ચૂકવી તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાતો હોવાનું જણાઈ આવ્યું હતું. તે વ્યક્તિના પાસ પોર્ટનું ફર્સ્ટ નેમ એપ્લિકેશનમાં રખાતું હતું અને પાછળથી માતા તથા પિતાનું નામ બદલાવી પોર્ટુુગીઝના વાલી તરીકે બતાવી જન્મના ખોટા પ્રમાણ પત્ર તેમાં મૂકી દેવાતા હતા અને જે તે અરજદારની ઉંમર ર૧ વર્ષથી ઓછી બતાવાતી હતી તેથી તેઓને વીઝા મેળવવામાં પણ સરળતા પડે. આ રીતે કરતબ કરી અરજદારના આધાર કાર્ડમાં પણ એડીટીંગ કરી સરનામુ બદલી નખાતું હતું અને તેના પરથી બનાવટી પાસપોર્ટ માટે વલસાડ, દમણ અને સુરતના એજન્ટો કામ કરી આપતા હતા.

ઉપરોક્ત વિગતો એસઓજી સમક્ષ પ્રકાશમાં આવી જતાં પોરબંદર, સુરત, વલસાડ, દમણ સુધી તપાસ લંબાવાઈ હતી અને એજન્ટોની પૂછપરછ કરાતા દિલીપ મોઢવાડીયા અને આશિષ ઓડેદરા એજન્ટોના સંપર્કમાં હોવાનું, રાયદે રાણા પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજ તથા વિગતો મેળવવા માટે આગળ હોવાનું અને તલાટી કમ મંત્રી હાર્દિક રાવલીયા સંપર્કમાં રહી અરજદારના નામ, માતા-પિતાના નામ વગેરે માટે જન્મ તારીખમાં ફેરફાર કરી આપતો હોવાનું ખૂલ્યું હતું. આ શખ્સ જન્મના ખોટા પ્રમાણપત્ર જનરેટ કરી પોતાની સહી કરી પ્રમાણપત્ર પુરા પાડતો હતો અને આશિષ તથા દિલીપ દમણના એજન્ટ પ્રતિક ટંડેલને તે દાખલો મોકલાવતા હોવાનું ખૂલ્યું છે. ગ્લોબલ સાયબર કેફે સંચાલક નિહલ ટંડેલ આધાર કાર્ડમાં એડીટીંગ કરી આપી વલસાડનો પાસપોર્ટ એજન્ટ ભાવેશ પંચાલને સોંપી આપતો હતો, ભાવેશ તે ડોકયુમેન્ટ, પાસપોર્ટ વિભાગની વેબસાઈટ પર અપલોડ કરી સુરતના પાસપોર્ટ એજન્ટ રીકેશ શાહ, પીનાકીન રાણાની મદદ લેતો હતો. તે તમામ વિગતો એસઓજીએ શોધી લીધી હતી.

ત્યારપછી એસઓજીએ શરૂ કરેલી ધરપકડમાં વારાફરતી નવ આરોપીને દબોચી લેવાયા છે. આ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh